
બંનેના
મા–બાપ રાજી હશે તો જ લગ્ન કરીશું.
લગ્ન
પછી હું નોકરી નહીં મૂકું.
મારો
અભ્યાસ અઘૂરો નહીં મૂકું.
આ
શરતો કબૂલ છે તો જ વાત વધારીએ.’
21 મે,
1994ની સવારે દરિયાના ઘૂઘવતાં મોજાં સામે તાકીને ડિમ્પલ પોંદાએ પોતાની વાત કહી.
કવિતા
સંભળાવીને ડિમ્પલને પ્રપોઝ અને ઈમ્પ્રેસ કરનાર કવિ હિતેન આનંદપરાએ કાચી સેકન્ડનો વિલંબ કર્યા વગર હા પાડી દીધી.
આજે
આપણે ‘ચિત્રલેખા’માં પલક, ‘નવગુજરાત સમય’માં કવિતાના હસ્તાક્ષર અને ‘મિડ ડે’માં અર્ઝ કિયા હૈ અઠવાડિક કૉલમના લેખક અને અચ્છા કવિ હિતેન આનંદપરાના જીવનસાથી ડિમ્પલબેન સાથે કવિતાઓની ગલીઓમાં જવું છે. પત્ની ગુજરાતીની ટીચર હોય ત્યારે પતિની જોડણીની ભૂલો કાઢે કે નહીં? આ સવાલ પણ
મેં એમને પૂછ્યો! જો કે આ સવાલ પૂછ્યો
ત્યારે બંને ખડખડાટ હસી પડેલાં. પછી, ડિમ્પલબેને કહ્યું, મારા કરતાં હિતેનની જોડણી વધુ સારી છે.
દરિયાકિનારે
આ યુગલ મળ્યું
એ પહેલાંની વાત
એકદમ રસપ્રદ છે. પહેલી નજરમાં એક ગુલાબ આપીને હિતેન આનંદપરાએ પોતાનું દિલ ડિમ્પલ પોંદાને આપી દીધું હતું. વાત એમ હતી કે, મીઠીબાઈ કૉલેજમાં કવિ સંમેલન હતું. દિલીપ રાવલ, મુકેશ જોશી અને હિતેન આનંદપરા ઉગતા કવિઓના હાથે વિદ્યાર્થીઓનું સન્માન થયું. જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા ગુણ આવ્યાં હોય તેમને નવયુવાન કવિઓના હાથે ગુલાબનું ફૂલ અર્પણ થયું. હિતેન આનંદપરાએ બી.એ.માં યુનિવર્સિટી ફર્સ્ટ આવલાં ડિમ્પલ પોંદાને ગુલાબના ફૂલની સાથે પોતાનું દિલ પણ દઈ દીધું. બંનેને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો. ગુલાબનું ફૂલ અપાયું ત્યાં સુધી બંને એકમેકની સામે તાકી રહ્યાં. તાળીઓના ગડગડાટે તેમનો એકમેકમાં ખોવાઈ ગયાનો લય તોડ્યો. સહેજ નજર ઝૂકાવીને ડિમ્પલબહેન થેંક્યુ કહીને સ્ટેજની નીચે ઉતરી ગયા. પણ, દિલ બંનેનું કંઈક જુદી જ જગ્યાએ ઉડવા
લાગ્યું હતું.
તો
લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો એવા આ યુગલની વાતો
માણીએ.
જો
કે પહેલી નજરનો પ્રેમ થઈ તો ગયો. પણ છ મહિના સુધી
તો આ પ્રેમી પંખીડાઓ
મળ્યાં પણ નહોતાં. એક કોમન ફ્રેન્ડને અભ્યાસ માટે નોટ્સ જોઈતી હતી. એ નોટ્સ માટે
મુકેશ જોશી સાથે સંપર્ક વધ્યો. એક વખત નોટ્સ આપવા માટે મુકેશ જોશી ન આવ્યા અને
એમણે પરમમિત્ર હિતેન આનંદપરાને ડિમ્પલ પોંદાના ઘરે મોકલી દીધાં. નોટ્સ આપવાને બહાને મળેલાં આ બે જીવ
દરવાજા ઉપર જ જાણે ફ્રીઝ
થઈ ગયાં. છ મહિનાનો વિરહ
આંખોમાં દેખાતો હતો. એ પછી તો
નોટ્સનું બહાનું ગૌણ થઈ ગયું અને મળવાનું વધતું ગયું. એક જ શહેરમાં રહેતા
હોવા છતાં પત્રોની આપ–લે થવા માંડી. ડિમ્પલબહેન પણ સંવેદનાઓને શબ્દમાં ઉતારી જાણે છે.
કવિતાઓની
પંક્તિ અને કલ્પનાઓમાં ખોવાયેલો રહેતો કવિ એક નહીં પણ છ વર્ષ સુધી
શેરબજારની રીંગમાં કામ કરતો હતો. શબ્દો, સંવેદના અને શેર– અને શેરબજાર! ગળે ન ઉતરે એવો
મેળ આ કવિ જીવ્યા
છે.
હિતેનભાઈ
કહે છે,’ કોમર્સ ગ્રેજ્યુએટ થઈને મેં ગુજરાતીમાં એમ.એ. કર્યું. હિન્દી અને ઉર્દૂ શીખ્યો. આ દિવસોમાં જ
કવિતાઓ રચાવા લાગી. જો કે, કવિતાનું અને ગઝલનું સ્વરૂપ કેવું હોય, કેવી રીતે લખાય એ માટે છંદો
અને પદ્યના સ્વરૂપો વિશે અભ્યાસ કર્યો અને શીખ્યો. મિત્રો દિલીપ રાવલ અને મુકેશ જોશી બંને અચ્છા કવિઓ. આથી મળીએ ત્યારે કંઈકને કંઈક ક્રિએટિવિટીની જ વાતો થાય
એમાં કવિતાઓ રચાતી ગઈ. એ દિવસોમાં જ
ઈમેજમાં એક નોકરી ખાલી પડી. વળી, સુરેશ દલાલને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે સુરેશ દલાલ બોલે અને એ સુંદર અક્ષરોએ
લખી આપે. મારી લખવાની ઝડપ સારી અને અક્ષરો પણ સુંદર થતાં. એ પછી ઈમેજમાં
લાંબો સમય નોકરી કરી. સુરેશ દલાલના સાથમાં ઘણું એક્પોઝર પણ મળ્યું અને શીખવાનું તો મબલખ મળ્યું. કવિતાઓ તો લખતો જ હતો. પણ 2009ની સાલમાં
‘મિડ ડે’માં અર્ઝ કિયા હૈ કૉલમ શરુ થઈ. આ કૉલમનો પાયો
ગઝલો છે. શેર–શાયરી શોધીને પછી એનો આસ્વાદ કરાવવાનો. આ કૉલમ માટે
મારે સારું એવું રિસર્ચ કરવું પડે અને સમય પણ ફાળવવો પડે. ‘ચિત્રલેખા’ની કૉલમ એક જ બેઠકે પૂરી
થઈ જાય. કાવ્યોનો આસ્વાદ એટલે ‘નવગુજરાત’ની મારી કૉલમ કવિતાના હસ્તાક્ષર. ત્રણેય કૉલમની ફલેર અલગ–અલગ છે. સાથોસાથ ઈવેન્ટ્સનું આયોજન પણ કરું છું. કહાની ફેસ્ટ, કવિતા ફેસ્ટ અને સાહિત્યના મોટા કાર્યક્રમોનું પણ અમે કરીએ છીએ.’
તો
કવિના મૂડને સાચવવા માટે ઘરમાંથી શું સપોર્ટ મળે છે એની વાત ડિમ્પલ આનંદપરા માંડે છે. પતિ કવિ છે અને સંવેદનાઓને સહજ રીતે શબ્દોમાં ઢાળી શકે છે એ વાતનું ડિમ્પલબહેનને
ભારોભાર ગૌરવ છે. હા, પણ પતિની ક્રિએટિવિટીમાં કંઈ ન પસંદ પડે
તો બેધડક અભિપ્રાય એ આપી દે
છે. હિતેનભાઈ ‘ચિત્રલેખા’ની કૉલમ સૌથી પહેલાં પત્નીને બતાવે અને એમને દર વખત પૂછે અને ઓપિનિયન લે કે, કેવું લખાયું છે? મુશાયરામાં જવાનું હોય કે કવિ સંમેલનમાં ભાગ લેવાનો હોય તો કઈ રચનાઓ બોલવાના છે એ પણ આ
યુગલ ડિસ્કસ કરે. જો ડિમ્પલબેન કોઈ રચનામાંથી એકાદી કડી ન ગમતી હોય
તો કહી દે, આ કડી અવોઈડ
કરજે. ઓડિયન્સમાંથી દાદ નહીં મળે.’ વળી, કવિતાનું પહેલું પઠન પત્નીની સામે જ થાય. દરેક કડીએ
પત્નીના હાવભાવ એ હિતેન આનંદપરાનું
ચેક કરવાનું મીટર છે એવું લખીએ તો વધુ પડતું નથી.
ડિમ્પલ
આનંદપરા કહે છે, ‘ઘણીવાર એવું બને કે, મને કોઈ ગઝલનો શેર ન ગમ્યો હોય.
હું એને કહું કે આ ન જામ્યું.
પણ એને એ શેર રાખવો
જ હોય તો
દલીલ કરીને મને સમજાવે. મારે ગળે વાત ઉતરાવે અને પછી પણ જો હું ન માનું તો
પણ એને એ શેર રાખવો
જ હોય તો
રાખે જ.
એકાદ
વખત એવું થયું કે, હિતેન બહુ લખી ન શકતાં. લખવા માટે
સમય ન ફાળવી શકતાં.
2008ની સાલમાં મેં એમને રીતસર ઘરમાંથી ધક્કો માર્યો અને કહ્યું કે, તમારા મનની શાંતિ માટે અને તમારી ક્રિએટીવીટીને ખીલવા માટે એકાંતની જરુર છે. ત્યારે એ થોડાં દિવસો
સાંગલા વેલી ગયા. બે વીક પછી ઘરે આવ્યા ત્યારે એમની કવિતાઓ, શબ્દોનો ભંડાર અને એક તાજગીસભર હિતેન ઘરે આવ્યા. હા, એ વાત અલગ
છે કે, પછી એ અમને એ
જ જગ્યાએ ફરવા
ન લઈ ગયા
ત્યાં સુધી એમને ચેન ન પડ્યું.’
લખવાનો
સમય ક્યો? એવું પૂછ્યું ત્યારે ડિમ્પલબેન મોટા અવાજે બોલી ઉઠ્યા, ‘મારી અને દીકરાની ગેરહાજરીમાં જ એ લખે
છે!’ પછી પોતાની વાત પર જ હસી પડ્યાં.
ડિમ્પલબેન
કહે છે,’ અમારો દીકરો સૌમ્ય ભણે છે. એ ભણવા જાય
અને હું તો સવારે પોણા છ વાગે ઘરેથી
નોકરી કરવા નીકળી જાઉં. છેક બપોરે આવું. લખવા માટે એમને કોઈ ખલેલ જ નથી હોતી.’
હિતેનભાઈ
કહે છે,’ઘણું ખરું તો હું નોકરી કરતો હતો ત્યારે ટ્રેનમાં જ લખાયું છે.
હવે તો ઘરે બેસીને જ લખું છું.
ડિમ્પલ નોકરી કરવા જાય
પછી ફ્રેશ થઈને લખવા બેસી જાઉં. સવારે ચાની આદત નથી. લખવાના વિચારો ઘૂમતા હોય એટલે બીજું કંઈ કરવાનું મન જ ન થાય.
લખાઈ જાય પછી જ મારા જીવને
શાંતિ વળે’
આદતો
વિશે વાત થઈ ત્યારે ડિમ્પલબેન એક વાત ભૂલી ગયાં. એ વાત એમણે
મને વોટ્સ એપમાં ઓડિયો ક્લિપ સ્વરુપે મોકલી. સર્જક પતિ, કવિ અને લેખકની વાતો કરવામાં એ એટલાં બધાં
મશગૂલ થઈ ગયેલાં કે, ઓડિયો ક્લિપમાં એમણે કહ્યું કે, હું તમને ચાનો વિવેક કરવાનું પણ ભૂલી ગઈ. કવિ એની કવિતામાં ખોવાઈ જાય અને ડિમ્પબહેન કવિની વાતોમાં ખોવાઈ ગયા. એ કહે છે,’સવારે હિતેનને કંઈ ન જોઈએ. પણ બપોરે
પોણા ચાર વાગે એટલે એમના આંટાપાટા ચાલુ થઈ જાય. એમાં પણ જો હું સૂતી હોઉં તો એક વ્યાકુળતા એના વર્તનમાં હોય. ચા પીવાનો સમય જતો હોય તો એ મારી પાસે
આવે. સૂતી હોઉં તો જગાડે, કહે હું બહાર જાઉં છું કોઈ કામથી, તો બહાર જ ચા પી
લઈશ. તું તારે સૂઈ જા. મને સીધું ન કહી દે
કે, ઉઠને મારે તારા હાથની જ ચા પીવી
છે. સાચી વાત એ છે કે,
એને મારા હાથની ચાનું વળગણ છે. એનું આ વળગણ મને
બહુ ગમે છે.’
આ
કવિ થોડાં ધૂની છે. ડિમ્પલબેન કહે છે,’ ઘરની કોઈ વસ્તુઓ લાવવાની હોય કે બિલ ભરવાનું હોય તો ઓછામાં ઓછું પાંચ–સાત વાર યાદ અપાવવું પડે કે, હિતેન બિલ ભરવાનું છે. ફલાણું લઈ આવવાનું છે. અરે, હદ તો ત્યારે થાય કે, મારા સાસુ–સસરા માટે મેં કોઈ ચીજ વસ્તુઓ મોકલી હોય તો એ મુસાફરીમાં ટ્રેનમાં
જ ભૂલી જાય.
આવું તો કેટલીયવાર બન્યું છે કે, અહીંથી મોકલાવેલી વસ્તુઓ જાય તો એમની સાથે પણ પછી ઘર સુધી ન પહોંચે. જો કે,
એના ધૂની હોવાની હવે મને આદત પડી ગઈ છે.’
ધૂનમાંને
ધૂનમાં લેખોની ડેડલાઈન નથી ચૂકાતી? હિતેનભાઈ કહે છે, ‘કોઈ દિવસ હું લેખની ડેડલાઈન નથી ચૂક્યો.
2015ની સાલમાં ડિમ્પલને પગે ફ્રેકચર થયું હતું અને પપ્પાની માંદગી. બંને સાથે આવ્યા. સતત 17 દિવસ સુધી હૉસ્પિટલમાં અટવાયેલો રહ્યો. ત્યારે લખવાના આયોજનમાં ગાબડું પડી જાય. પણ ડેડલાઈન નથી ચૂકાઈ. વળી, મને ડિમ્પલ સતત ટકોર કરતી રહે અને શું લખ્યું છે તેની ઉઘરાણી કરતી રહે. એ મને એવું
કહે કે, સમય કાઢીને પોતાના માટે કંઈક લખો. શરુઆતની કવિતાઓ તો ઈમેજમાં નોકરી નહોતો કરતો ત્યારે કવિતાના અંકોમાં છપાઈ હતી. જો કે, એ પછી તો
કવિતાના અંકોનું સંપાદન પણ મારા હાથમાં આવ્યું હતું. મારા બે કાવ્યસંગ્રહ સૂર્યનું પ્રથમ કિરણ અને એક પીછું હવામાં તરે છે પ્રકાશિત થયા છે. પલક કૉલમનો સંગ્રહ પણ પુસ્તક સ્વરુપે આવ્યો છે.’
આ
વાત ચાલતી હતી ત્યાં જ હિતેનભાઈ હળવેથી
બોલ્યા,’મેં નાટકો પણ લખ્યા છે.’
અરે,
એ વાત તો
કરો…
ડિમ્પલબેન
કહે છે, ‘નાટકો લખે અને પછી સીન પ્રમાણે મને વંચાવે. ક્યાંક કંઈ ન ગમે કે
ન મજા આવે
તો હું મારો ફીડબેક આપું. નબળું લાગે તો પણ કહું. બહુ કોશિશ કરું કે, એ મારી વાત
માને અને સમજે. બહુ વાત આગળ વધી જાય તો એ વાતને મૂકી
દઉં. એટલું જ કહું કે,
શાંતિથી વિચારજો. એ શાંતિથી વિચારે
અને પછી પણ ન માને અને
મારું દિલ કહેતું હોય કે, મારી વાત સાચી છે…. ‘ હિતેનભાઈ સામે સહેજ ત્રાંસી નજર કરીને વાતને આગળ વધારીને એક સસ્પેન્સ ખોલીને ડિમ્પલ આનંદપરા કહે છે,’તો સીધો
ફોન લગાવવાનો મુકેશ જોશીને. એની વાત હિતેન ભાગ્યે જ ટાળે.’
હિતેનભાઈ
કહે છે,’મેં કુલ પાંચ નાટકો લખ્યા. મુકેશ જોશી સાથે ત્રણ અને બીજા બે મેં એકલાએ લખ્યા છે. મુકેશ જોશી સાથે એક સાંવરિયો બીજો બાવરીયો, રુપિયાની રાણી ડોલરિયો રાજા, સરકારી પરણેતર. જયારે નાનીમા, આપણે બંને સેમ ટુ સેમ એકલાં લખ્યાં છે. મેઘાણી સરવાણી મ્યુઝીકલ પ્લે પણ લખ્યું છે. નરસિંહ મહેતા સિરીયલ, છૂટાછેડા સિરીયલનું ટાઈટલ સોંગ, ઈ ટીવી પર
તારી આંખનો અફીણી સિરીયલ મારી સાળી સેજલ પોંદા સાથે લખી છે. તૃપ્તિ નામની મૂવી માટે પણ ગીતો લખ્યા છે. અત્યારે એક કાર્યક્રમની મુંબઈમાં ભારે ડિમાન્ડ રહે છે એમાં પણ આનંદ આવે છે. જિંદગીના અને વ્યક્તિત્વના અલગ–અલગ પાસાંને ઉજાગર કરતી પંદર એકોક્તિ ભજવવાની અને અલગ–અલગ કલાકારો સાથે. ઓછામાં ઓછાં છ કલાકારો હોય
ત્યારે અમે એકોક્તિ ભજવવાનું પસંદ કરીએ છીએ. અનિલ જોશીની ઝમકુ ડોશી અને અધીર અમદાવાદીની એકોક્તિ કમરાભાભીનો બરાપો સૌથી સુપરહિટ છે. આખું લાંબુ નાટક જોવા કરતાં જુદાં–જુદાં પાત્રોને સ્ટેજ પર જોવાની લોકોને મજા આવે છે.’
કવિને
સૌથી વધુ તો કવિતાઓ લખવી ગમે છે. એમના ફેવરિટ કવિ રમેશ પારેખ જ્યારે ડિમ્પલબેનના ફેવરિટ કવિ હિતેન આનંદપરા છે. પત્ની માટે લખેલી એમની થોડી પંક્તિઓ પણ વાંચવી ગમે એવી છે.
આકાશના
વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી
પાતાળના
ધબકારમાં પણ મેં તને જોઈ હતી
ક્યાં
ક્યાં તને જોઈ હતી, તું પૂછ ના આગળ મને
ભગવાનના
આકારમાં પણ મેં તને જોઈ હતી
પરિવારની
જવાબદારીઓમાં કવયિત્રી એવી પત્નીની કવિતાઓ ક્યાંક ખોવાઈ ગઈ છે એનો અફસોસ હિતેનભાઈને રહ્યા
કરે છે. ઘરમાં પુસ્તકોનો સંગ્રહ કાબિલે તારીફ છે. લેખ માટે કે કાર્યક્રમ માટે કોઈ રેફરન્સ જોઈતો હોય તો એ પુસ્તક શોધી
દેવાનું કામ ડિમ્પલબેનનું જ. શબ્દો અને સંવેદના આ યુગલ અને
ઘરમાં ધબકે છે. મુંબઈ જેવા શહેરમાં દીકરા સૌમ્ય માટે અલગ રૂમ છે અને હિતેનભાઈના લખવા માટે પણ અલગ રૂમ છે. હિતેનભાઈ આ તમામ નિર્ણયોની
ક્રેડિટ પત્નીને આપે છે. અંતે હિતેનભાઈને સૌથી ગમતી એમની જ પંક્તિથી લેખને
આટોપીશ,
ચાલ
સાથે મળી ભગવાનના વારસ બની જઈએ
શરત
બસ એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ.