
‘સર્જકના
સાથીદાર’ કૉલમ શરૂ થઈ ત્યારથી એક ફરિયાદ સતત મળતી હતી કે, કોઈ સ્ત્રી સર્જકના પતિની મુલાકાત કેમ નથી આવતી?
આ
ફરિયાદને આજે થોડો ન્યાય આપવા જઈ રહી છું. મુંબઈ સિરીઝમાં આજે મળીશું, પત્રકાર અને લેખક ગીતા માણેકના પતિ ચેતન કારીયાને. ‘સંદેશ’ દૈનિકના કૉલમિસ્ટ, જાણીતા પત્રકાર અને લેખક એવાં ગીતા માણેકની શબ્દ સર્જન પ્રક્રિયા વિશે વાત માંડે છે ચેતન કારીયા. ચેતનભાઈ વ્યવસાયે એડવોકેટ– ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. મુંબઈમાં બહુ જ જાણીતું નામ
એવા ચેતન કારીયાએ વાત માંડી અને જાણે એ પોતે જ
વાતોમાં ખોવાઈ ગયા.
એમના
વિશાળ ઘરમાં આનંદમૂર્તિ ગુરુમાની દિલને શાતા આપનારી સૌમ્ય સ્માઈલ સાથેની તસવીરો ધ્યાન ખેંચે છે. નાનકડી દીકરી મિષ્ટીનો
એની સહેલીઓ સાથેનો કલબલાટ ઘરને એક જુદી જ જીવંતતા બક્ષે
છે. અમારી વાતો દરમિયાન તાઈ આવીને બે વાર મસાલાવાળી ચા આપી ગયાં. વાતોનો દોર શરુ થયો તો ક્યાંય સુધી ચાલ્યો.
મુંબઈની
ભાગદોડભરી લાઈફમાં શહેરનો ટ્રાફિક વટાવીને ગીતા માણેક અને ચેતન કારીયાના ઘરે આવીએ તો મનને ગમી જાય એવું શાંત વાતાવરણ તમે અનુભવો.
પત્નીની
તમામ વાતો તેની સાથેના પ્રેમ જેટલી જ સહજ હોય
એ જ રીતે
જીવાતી હોય તો તમારે ચેતન કારીયાને મળવું પડે. પત્નીની ક્રિએટીવીટી એમને દિલથી બહુ ગમે છે, એ માટે એમને
માન છે, ગૌરવ છે. સતતને સતત સાથ આપવો, ગમે તે સંજોગો હોય અડીખમ ઉભા રહેવું એ આ યુગલને
એકબીજાં માટે વધુ તાકાતવાન બનાવે છે.
ચેતન
કારીયા કહે છે,’ગીતાને મેં પહેલી વખત એના પપ્પા અને બાદમાં મારા સસરા ચુનીલાલ માણેક સાથે જોઈ હતી. પારિવારિક સગાંઓના કારણે અમે એકબીજાંને ઓળખતાં હતાં. ગીતાએ ત્યારે સાડી પહેરી હતી. રીક્ષામાંથી ઉતરતી ગીતાને જોઈને બસ ત્યારથી હું એને ચાહું છું. મેં તો એના પપ્પાને સીધું જ પૂછ્યું હતું
કે, લગ્ન કરવા છે દીકરીના? એકદમ સહજ લાગે એ રીતે પૂછેલું.
મારી જીવનસાથી અંગેની જે કલ્પનાઓ હતી એમાં ગીતા પરફેક્ટ ફીટ થતી હતી. મને સ્વતંત્ર વિચારોવાળી વ્યક્તિ જોઈતી હતી. એકમેકને મળતાં રહ્યાં અને લગ્ન કર્યાં. અમારા લગ્ન વખતે એક મિત્રએ એવું કહેલું કે, બે સિંહ એકસાથે ન રહી શકે.
જો તમારું લગ્નજીવન પાંચ વર્ષ ટકી ગયુંને તો હું તમને લોકોને કાશ્મીર ફરવા લઈ જઈશ.’
સહેજ
હસીને વાત આગળ વધારે છે,’લગ્નજીવન અત્યારે પણ અમે જીવી રહ્યાં છીએ. અમારાં લગ્નને પાંચ વર્ષ વીતી ગયાં પછી ટેરેરિઝમના કારણે કાશ્મીરનું ટુરિઝમ બંધ થઈ ગયેલું એટલે કાશ્મીર તો ફરવા જઈ શકાય એમ ન હતું. એ મિત્ર
અમને કોડાઈકેનાલ ફરવા લઈ ગયેલાં.’
ગીતાબેન
કહે છે, ‘જીવનસાથી અંગે મારા વિચારો બહુ સ્પષ્ટ હતાં કે, એક તો એણે કુન્દનિકા કાપડિયાની સાત પગલાં આકાશમાં વાંચેલી હોવી જોઈએ અને મારું નામ અને અટક જ મારી ઓળખ
રહેશે એ વાતનો સ્વીકાર.’
આ
લેખનું હેડિંગ છે કે, પત્નીનું લખેલું વાંચવા માટે હું ગુજરાતી શીખ્યો. વાત એવી છે કે, ચેતનભાઈએ સાત પગલાં આકાશમાં વાંચી હતી. ગુજરાતી ભાષાના તત્ત્વને સમજવા માટે ગીતા માણેક સાથે પ્રેમ થયો એ પછી ગુજરાતી
ભાષાને વધુ સહજતાથી શીખ્યા. ચેતનભાઈ કહે છે,’ગુજરાતી ભાષાનો રસાસ્વાદ મને ગીતાએ શીખવ્યો છે. બંનેના કામનું એકબીજાંને પૂરતું માન અને ગીતાના લેખો વાંચવા માટે કે ગીતા માટે હું ગમે ત્યારે હાજર હોઉં.’
ગીતાબેન
કહે છે,’જીવનસાથી તરીકે ચેતન મારી પડખે જ રહ્યો છે.
મારા સ્વભાવ પ્રમાણે હું ક્યાંક પંગો લઈ બેસું, ક્યાંક કોઈ માથાકૂટ થઈ હોય કે પછી મારો લેખ મોકલવાની ડેડલાઈન હોય પણ ચેતને એ વાંચ્યો ન
હોય તો એ લેખ મારે
એને એ જ ઘડીએ
વંચાવવો હોય. ક્રિએટીવ રાઈટીંગ ચેતનને વંચાવ્યા વગર આગળ ન મોકલું. ઘણી વખત
હાર્ડકોપી વાંચવા માટે ચેતન હાજર ન હોય તો
હું ફોન ઉપર વાંચી સંભળાવું. ચેતન ગમે તેવા કામમાં હોય પણ મારો લેખ એને વાંચી સંભળાવું ત્યારે એની સાથે દાદાગીરી કરતી અને સંભળાવ્યે એનો છૂટકો કરતી. એને સંભળાવતી સમયે મારી ક્રિએટીવીટીની કિંમત એને સમજાય છે એ હું અનુભવું
છું. એક અપ્રુવલ મળે જે મારા માટે બહુ જ મહત્ત્વનું રહ્યું
છે.’
લખવાના
માહોલ વિશે ગીતાબેન ઉમેરે છે, ‘ક્રિએટીવ રાઈટીંગ કરતી વખતે હોઉં ત્યારે મને શાંતિ જોઈએ. મેં તો રિપોર્ટર તરીકે પણ કામ કર્યું છે એટલે સમાચારો અને ન્યૂઝ બેઇઝ શબ્દો લખવા માટે કોઈ પણ માહોલ ચાલે. પણ મારું ક્રિએટીવ રાઈટીંગ ચાલતું હોય ત્યારે મને કોઈ દખલગીરી ન ચાલે. જો ડેડલાઈન
માથે આવી ગઈ હોય અને ન લખાયું હોય
તો ઘણીવાર અકળાઈ જાઉં, હાયપર પણ થઈ જાઉં.’
ધાર્યું
હોય અને ન લખી શકાય
ત્યારે… ચેતનભાઈ વચ્ચે બોલી ઉઠે છે કે, એનાથી લખી ન લખાય ત્યારે
આખા ઘરને ખબર પડી જાય…અને હસી પડે છે.
ગીતા
માણેકની છાપ મારફાડ પત્રકાર તરીકેની હતી. એમની કરિયરના ઘણાંબધાં થ્રીલ્ડ કિસ્સાઓ છે. આજની પેઢીના પત્રકારોએ ગીતા માણેક પાસેથી ઘણું શીખવા જેવું છે. ફક્ત એમના અનુભવો સાંભળવા જ એક લહાવો
છે. એમાંના કેટલાંક કિસ્સાઓ એમણે આપણી સાથે શેર કર્યાં છે.
અભિયાન
માટે એક વખત કાંતિભાઈએ એમને બ્રેબોર્ન સ્ટેડિયમના રિપોર્ટીંગ માટે મોકલ્યા હતા. ગીતા માણેક કહે છે, બ્રેબોર્ન સ્ટેડિયમને પંચોતેર વર્ષ પૂરા થતા એનો અહેવાલ લઈને આવી. લખીને કાંતિભાઈને આપ્યો. એમણે નજર ફેરવીને મારા મોઢા પર મારો જ આર્ટિકલ માર્યો.
આમ લખાય? એમ કહીને મને બહુ વઢ્યાં. હું સામું જોતી હતી. પણ પછી એમણે મને એમ ન કહ્યું કે,
આમ ન લખાય તો
કેમ લખાય, કેવી રીતે લખાય. બહાર જઈને ફરીથી આખો લેખ લખ્યો અને આપ્યો. ટૂંકમાં મને કોઈએ આંગળી પકડીને શીખવ્યું નથી.’
ગીતા
માણેકને એમના સમકાલીન પત્રકારો જે રીતે જાણે છે અને ઓળખે છે એમના માટે તો અત્યારે જે ગીતા માણેક છે એ પર્સનાલિટી જ
એક મોટાં આશ્ર્ચર્યની અને ગળે ન ઉતરે એવી
વાત છે. આનંદમૂર્તિ
ગુરુમાનો આ યુગલ ઉપર
ખાસ્સો પ્રભાવ છે. ગીતા માણેક માટે જિંદગીનું ટર્નિંગ પોઈન્ટ ગણી શકાય એટલું મહત્ત્વ આનંદમૂર્તિ ગુરુમા સાથેની મુલાકાતને લેખી શકાય.
થાણામાં
જ ઉછરીને મોટાં
થયેલાં ગીતા માણેક એ દિવસોમાં જીન્સ
અને સ્કર્ટ પહેરીને સાયકલ ચલાવતાં. આ એ દિવસોની
વાત છે જ્યારે થાણામાં આ રીતે કોઈ
ગુજરાતી પરિવારની દીકરી રહેતી હોય એ કોઈ માની
ન શકતું.
ચોથા
ધોરણમાં ભણતા હતાં ત્યારે એમણે ઝવેરચંદ મેઘાણીની લખેલી કવિતા ચારણ કન્યા મોઢે કરી હતી. એ હજુ મોઢે
છે તેની પાછળ પણ એક કિસ્સો છે. એક દિવસ સ્કૂલેથી આવીને ગીતા માણેકે કહ્યું, ‘આ ચાર પાનાની
કવિતા મને નથી સમજાતી. અને પિતાએ એ કવિતા એટલા
રસથી સમજાવી કે એ પછી આજદિન
સુધી એમને એ ભૂલાઈ નથી.
પિતા ચુનીલાલ માણેક સાહિત્યના કાર્યક્રમોમાં દીકરી ગીતાનો હાથ પકડીને લઈ જતાં. મુશાયરો, કવિ સંમેલન, પુસ્તકોની દુકાનોમાં અને સાહિત્યકારોની મુલાકાત વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ એવા પિતા એ જ
કરાવી હતી. પુસ્તકો વચ્ચે જ પિતા–પુત્રીની
દુનિયા હતી. પ્રિન્સેસ સ્ટ્રીટમાં પુસ્તકો ખરીદવા જવાના હોય તો પણ પપ્પા–દીકરી સાથે જ હોય. સ્કૂલમાં સ્પીચ
આપવાની હોય તો પણ પપ્પા જ એમાં મદદ
કરે. એક થાળીમાં જમવાનો સ્નેહ મારા દિલમાં હજુય સચવાયેલો પડ્યો છે.’
જે.કૃષ્ણમૂર્તિનું પ્રવચન સાંભળવાનું હોય કે પછી ઓશોની ફિલોસોફી સમજવાની હોય ગીતા માણેક માટે પહેલાં ગુરુ
એટલે એમના પિતાજી એવું લખીએ તો એ વધુ યોગ્ય
કહેવાશે.
ગીતા
માણેક કહે છે,’અમારા ઘરમાં મેગેઝીન તો કદીય આવતાં જ નહીં. ઉચ્ચ સાહિત્ય
જ વાંચવાનું એવો
પપ્પાનો આગ્રહ રહેતો. બાળપણમાં મારે સીએ થવું હતું. પણ પપ્પાના સાથમાં હું શબ્દોની દુનિયામાં આવી ગઈ. ગ્રેજ્યુએશન પૂરું થયું એ પછી નોકરીની
તલાશ હતી. જર્નલિસ્ટ બનવાનું ત્યારે તો વિચાર્યું પણ નહોતું. મૂળરાજભાઈના મેરેજ બ્યુરોમાં નોકરી મળતી હતી. પણ મેં ના પાડી દીધી. પછી એ મને કાંતિ
ભટ્ટને મળવા લઈ ગયા. કાંતિભાઈ ત્યારે ‘અભિયાન’ના તંત્રી હતા. ત્રીજી જાન્યુઆરી, 1987ના દિવસે મને અભિયાનમાં નોકરી મળી ગઈ. જો કે, પગાર નહોતો પૂછ્યો. એમણે મને પહેલું જ કામ સોંપ્યુ,
કમાટીપુરાના મારવાડીઓનું રિપોર્ટીંગનું. રિપોર્ટીંગ કઈ બલાનું નામ એની પણ ખબર ન હતી. એકવીસ વર્ષની
વય હતી. ફોટોગ્રાફર જનક ભટ્ટ સાથે નીકળી ગઈ માહિતી મેળવવા. એ અહેવાલ લખ્યો.
જો કે, મારો લખેલો અહેવાલ નહોતો છપાયો. નામ મારું હતું પણ લખ્યો હતો કાંતિ ભટ્ટે. પહેલો પગાર મળ્યો સાતસો રુપિયા અને ફર્સ્ટ કલાસનો ટ્રેનનો પાસ. એ પછી તો
ગુજરાતી ફેમિનામાં વર્ષાબેન અડાલજા સાથે જોડાઈ, સમકાલીન, મધ્યાંતર, યુવદર્શન, મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર, સંદેશમાં કામ કર્યું. અત્યારે સંદેશ દૈનિકની સંસ્કાર પૂર્તિમાં ઝીરો લાઈન નામની કૉલમ લખું છું.’
પત્રકારત્વની
કરિયરના એકબે કિસ્સાઓ તો ચૂકવા જેવા નથી. ગીતા માણેક કહે છે, ‘અભિયાનમાં મારા નામ સાથે પહેલો અહેવાલ છપાયો એ પછી શીલા
ભટ્ટે મને પૂછ્યું કે, તેં કેમ ન કહ્યું કે,
ચંદ્રકાંત બક્ષી તને ઓળખે છે? સાહિત્યજગતના લોકો માટે એ બક્ષીબાબુ હતા
પણ મારા માટે તો બક્ષી અંકલ હતા. ચંદ્રકાંત બક્ષીએ એકવાર કહેલું કે આખા પત્રકારત્વ જગતમાં મને બક્ષી અંકલ કહેવાનો અધિકાર માત્ર એક જ વ્યક્તિ ગીતા
માણેકને છે. હકીકત એ છે કે,
થાણેમાં તેમનું પ્રવચન હતું. એ પ્રવચનનો અહેવાલ
ગુજરાત સમાચારમાં છપાયો. એમાં છેડે નામ લખાયું હતું, સંકલન ગીતા માણેક. આપણે તો આસમાનમાં વિહરતાં હતાં એ દિવસે કેમકે
નામ સાથે લેખ છપાયો હતો. સોળ વર્ષની ઉંમરે બાયલાઈન શું એ ખબર ન
હતી. અભિયાનમાં મારી બાયલાઈન વાંચીને બક્ષીઅંકલે શીલાબેનને કહેલું કે, આ છોકરી તો
મારા દોસ્તની દીકરી છે. એ પછી શીલાબેને
મને આ સવાલ કરેલો.
મેં સામું કહ્યું, મારે મારી આવડત પર નોકરી મેળવવી હતી. કોઈની લાગવગથી નહીં.
1993ની સાલમાં
મુંબઈમાં બોમ્બ ધડાકા થયા ત્યારનો અનુભવ યાદગાર રહ્યો. પ્રેસ બ્રીફિંગ માટે બાન્દ્રાની સી રોક હોટેલમાં મુંબઈના પોલીસ કમિશ્નર મળવાના હતા. રિપોર્ટીંગ કરીને હું રીક્ષામાં નીકળી. રસ્તાઓ પર જાણે કાળનું બુલડોઝર ફરી ગયું હતું. થોડી વારમાં જ મારી રીક્ષા
પાસે એક વેન આવીને ઉભી રહી. એમાં સાતેક યુવાનો હતાં. નશાની હાલતમાં હતા. એક છોકરાએ ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને મારી સામે તાકી. એટલી જ વારમાં મારી
સાથે પ્રેસ કોન્ફરન્સમાં જન્મભૂમિના મંગલ ભાનુશાળી અને બીજા એક પત્રકાર મિત્ર આવી પહોંચ્યાં. એમની પાછળ પાછળ જ પોલીસની સાયરન
વાગતી જીપ પણ આવી પહોંચી. રીક્ષાવાળાએ સમયસૂચકતા વાપરીને રીક્ષા ભગાવી મૂકી. જો કે આવી ઘટનાઓએ મને બીકણ ન બનાવી પણ
હું વધુ સાવધાન રહેવા લાગી.
ગુજરાત
સમાચારમાં વિશેષ સંવાદદાતા તરીકે કામ કરતી હતી એ એ દિવસોની
વાત કરું. ઓફિસે જતી હતી ત્યારે ફર્સ્ટ કલાસના લેડીઝ ડબ્બામાં નશાની હાલતમાં એક ભિખારી જેવો માણસ હતો. મેં એને ઉતરી જવા કહ્યું પણ એણે મને દાદ ન આપી. આગલા સ્ટેશને
ટ્રેન રોકાઈ ત્યારે કોચની સામે જ ઉભેલા પોલીસ
કોન્સ્ટેબલને કહ્યું કે, પેલા માણસને ઉતારો. એ મારી સામે
દાંત કાઢીને હસ્યો. ટ્રેન તો ચાલવા માંડી પણ મેં એનો બેલ્ટનો નંબર નોંધવા માંડ્યો અને નામ પૂછી લીધું. એ તો બેલ્ટ
કાઢવા માંડ્યો અને બોલ્યો કે કહો તો પેન્ટ પણ કાઢી નાખું. મેં એને એટલું જ કહ્યું કે,
ભાઈ, હવે યાદ રાખજે, હું તારું પેન્ટ ઉતરવીને જ દમ લઈશ.
એ
પછી આ અહેવાલ છપાયો
અને તત્કાલીન રેલવે મિનિસ્ટર રામ નાઈક અને એમના દીકરીએ આ કેસમાં પગલાં
લીધાં. પેલો કોન્સ્ટેબલ પરિવારવાળો હતો એટલે એને સસ્પેન્ડ કરવાને બદલે બદલી કરી અને પેન્ટ કાઢીને અડધી ચડ્ડીમાં પોલીસ ગ્રાઉન્ડમાં જ વજનદાર રાઈફલ
હાથમાં માથાની ઉપર પકડીને ભર તડકામાં દોડવાની શિક્ષા કરવામાં આવી.
ગોવિંદ
રાઘવ ખૈરનાર 1995ની સાલમાં મુંબઈ મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશ્નર હતા. ડોન દાઉદની પ્રોપર્ટીની એક યાદી ગુજરાત સમાચારમાં છપાઈ. એ દિવસોમાં શરદ
પવાર સામે વિરોધનો વંટોળ હતો. હું તો મુખ્યપ્રધાનના નિવાસસ્થાન વર્ષા પર પહોંચી ગઈ. છેક એમના ડ્રોઈંગ રુમ સુધી પહોંચી ગઈ અને શરદ પવાર સાથે વાત કરીને નીકળી આવી.
અમિતાભ
બચ્ચન સાથેની યાદગાર મુલાકાત અને એ પછીનો એમનો
ઈન્ટરવ્યૂ હોય કે નેટવર્ક મેગેઝીનમાં હોબાળો મચી જાય એવો મારો અહેવાલ હોય એ તમામ અનુભવો
મારા યાદગાર છે. મુંબઈ સમાચારમાં હું મંત્રાલયના પ્રેસરુમમાંથી કૉલમ લખતી હતી તેની નોંધ સમકાલીનમાં હસમુખ ગાંધીએ પણ લીધી હતી.
હાર્ડકોર
રિપોર્ટરમાંથી ક્રિએટીવ રાઈટીંગ તરફની સફર પણ મજેદાર છે.
સૌથી
પહેલી બુક પ્રિય શીશુ 2002માં આવી. એ પછી આશુ
પટેલ સાથે બુક આવી અને બીજાં પણ ઘણાં પુસ્તકો આવ્યા. અત્યારે ગુરુમા આનંદમૂર્તિની શક્તિ આત્મબોધ, માઈન્ડ મેનેજમેન્ટ, મનનું દર્પણ, યોગથી આરોગ્ય પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. બાળકો માટેની ચિત્રો સાથેની બુક પણ લખી છે. ‘મિડ ડે’માં પાંચ દિવસની શોર્ટ સ્ટોરીઝ છપાતી ત્યારે મેં એક શોર્ટ સ્ટોરી લખી હતી મોમ આઈ હેવ અ ડેઇટ. હું દાવો
નથી કરતી પણ રિષી કપૂર અને ડિમ્પલ કાપડિયાની ફિલ્મ પ્યારમેં ટ્વીસ્ટ મારી આ સ્ટોરીની ઉઠાંતરી
જ છે.
નાટકો
પણ લખ્યાં છે. સગપણના સોદાગર, ઉત્તમ ગડાના ઓરેન્જ જ્યુસ નામના નાટકનો હિન્દીમાં અનુવાદ કર્યો. એક નાટક લખ્યું હતું આખિર ક્યોં? જેની તમામ ન્યૂઝ ચેનલ્સે ખાસ નોંધ લીધી હતી. અમેરિકામાં ટ્વીન ટાવર પર આતંકવાદી હુમલો થયો એ પછી એ
નાટક લખ્યું હતું. આપણી જિંદગીને આતંકવાદ કેવી રીતે અસર કરે છે, એક ગરીબ વ્યક્તિનું બ્રેઇન વોશ કરવાની વાત એમાં હતી, આ આખી માનસિકતા
કેવી રીતે કામ કરે છે એ પાસાંઓને તેમાં
ઉજાગર કર્યાં હતાં. આ નાટક ચેતને
પ્રોડ્યુસ કર્યું હતું.’
ચેતનભાઈ
કહે છે, ‘ગીતાનું લખેલું નાટક મને એટલું અપીલીંગ લાગ્યું અને એણે ખૂબ જ મહેનત કરી
હતી એમાં. એની મહેનત લેખે લાગે એમાં મારા લાખો રુપિયા જતાં રહે તો પણ મને કોઈ અફસોસ ન હોય. મારી ઈચ્છા
હતી કે આ નાટક લોકો
સુધી પહોંચવું જ જોઈએ અને
પહોંચ્યું પણ ખરાં.’
રુપિયાની
વાત નીકળી એટલે આ યુગલે મજેદાર
ગોઠડી માંડી. ગીતાબેન કહે છે,’મેં ચેતનને પ્રપોઝ કરેલું. ચેતનનો પહેલો જ રિપ્લાય એ
હતો કે મારી પાસે પ્રેમ માટે સમય પણ નથી અને પૈસા પણ નથી. એ પછી ચેતનની
નજીક રહેવાય એ માટે મેં
સ્ટેસ્ટિક્સ શીખવાનું બહાનું કર્યું. એને ઇમ્પ્રેસ કરવા માટે કવિતા પણ લખી. અમે મળતાં રહ્યાં. ચેતન લાયબ્રેરીમાં વાંચતો. અને અમારો મળવાનો સમય નક્કી જ હોય. રોજ સાંજે
પાંચ વાગે કેન્ટીનમાં મળવાનું.’
ચેતનભાઈ
કહે છે, ‘કોઈ વખત એને ફોન પણ કરું કે આજે વહેલી આવજે. હકીકતે મને ભૂખ લાગી હોય. નાસ્તાનું બીલ ગીતા જ આપતી. શરુઆતના સમયમાં
તો હું ગીતા પાસે હાથખર્ચીના રુપિયા પણ માગતો. લગ્ન પછી 1991થી 1995 સુધી ગીતાના પૈસે ઘર ચાલ્યું. હજુ મેં નવી નવી પ્રેક્ટિસ શરુ કરી હતી. એને જામતાં સમય લાગે એમ હતો. ઘર ચાલે એટલું થઈ રહેતું હતું. કોઈ કમી જ નહોતી લાગતી.
હવે રુપિયા છેપણ સમય નથી એવું કોઈવાર લાગે છે. એ દિવસોમાં તો
ગીતાના પ્રેમમાં મેં એને એક અગિયાર લાખનો ચેક લખીને આપ્યો હતો. મારો પગાર ફક્ત ત્રણ હજાર રુપિયા. પણ મેં એને તગડી રકમનો ચેક લખી આપ્યો હતો! એ
વાત અલગ છે કે, એ ચેક હવે
પૈસા છે તો પણ વટાવ્યો નથી. ગીતા જ્યારે યુટીવીની કેમ છો વેબસાઈટની એડિટર હતી ત્યારે એણે મને ગિફ્ટ આપી, 1997માં મારુતિની ઝેન કાર. એ દિવસે અમે
બંને બહુ ખુશ હતાં. અત્યારે ગીતા એવું કહે છે કે, એ પૈસાદાર માણસની
ગરીબ વાઈફ છે….!’
સાહિત્યના
કાર્યક્રમોની વાત આવી એટલે ચેતનભાઈએ તરત જ ગીતાબેન સામે
જોઈને કહ્યું કે, પપ્પા મળી ગયેલાં એ વાત કરીએ…
વાત
એમ હતી કે, સાહિત્યના કાર્યક્રમમાં જવા માટે ગીતાબેને ચેતનભાઈને સાથે આવવા કહ્યું. ત્યારે બંને એકબીજાંને ડેટ જ કરતા હતા.
સાથે કાર્યક્રમને માણતા હતા ત્યાં જ એના પપ્પા
આવી ગયા. કાર્યક્રમ પત્યો પછી પપ્પાએ કહ્યું ચાલો ચા–નાસ્તો કરીએ. અમે ત્રણેય નજીકની રેસ્ટોરન્ટમાં ગયા. પપ્પાએ કહ્યું કે, ચેતન ઘરે ફોન કરી દે કે અમે ત્રણેય સાથે છીએ. ચિંતા ન કરશો. ચેતનભાઈ કહે
છે, મેં કહ્યું, રહેવા દોને કોઈ ચિંતા નહીં કરે. હમણાં નીકળીએ જ છીએને. પણ પપ્પા
સતત કહે રાખે કે ના તું ફોન કરી જ આવ. હવે, મારે એમને
કેમ કહેવું કે કાઉન્ટર પર ફોન કરીને ચૂકવવા માટે મારા ખિસ્સામાં ત્રણ રુપિયા પણ નથી! એમની સામે ગીતા મને આપી ન શકે અને
હું પણ ગીતા પાસે માગી ન શકું. એમની જીદ્
સામે મારું કંઈ ન ચાલ્યું. મારે ઉઠવું
જ પડ્યું. ફોન કરીને
ટેબલ સુધી પહોંચતા સુધીમાં કોઈ સજ્જડ બહાનું વિચારી રાખ્યું. ખુરશી ખેંચીને સામે બેઠો અને કહ્યું, ફોન કરી દીધો છે. મારી પાસે સોની નોટ છે અને એની પાસે છુટ્ટા નથી એટલે પૈસા બાકી રાખ્યાં છે…. આજે આ કિસ્સો યાદ
કરીને ચેતનભાઈ ખડખડાટ હસી પડે છે.
બંનેનું
ફિલ્ડ અલગ– અલગ હોવાથી ઘરે આવવા જવાના સમય પણ જુદાં–જુદાં રહેતાં. શરુઆતના વર્ષોમાં ઘણી વખત ગીતાબેનને ઓફિસેથી આવવાનું મોડું થાય તો ચેતનભાઈ જમવાનું બનાવીને તૈયાર રાખે. સવારે ગીતાબેન ઓફિસે જતાં પહેલાં રોટલી બનાવી નાખતાં તો બાકીનું ચેતનભાઈ જાતે મેનેજ કરી લેતાં. બંને એકબીજાંના કામને પૂરતું માન આપે અને સાહિત્યના અને બીજાં કોઈપણ કાર્યક્રમો હોય જો સમયની અનુકૂળતા હોય તો બંને એકબીજાં માટે અગત્યના એવા કાર્યક્રમોમાં સાથે જવાનું પસંદ કરે. ચેતનભાઈને ઘણી વખત મિસ્ટર કારીયા સંબોધન પણ લોકો કરી બેસે છે…
ગીતાબેનને
ઓળખતાં લોકોએ એમની મારફાડ પત્રકારની છાપને પણ જોઈ છે. અને આનંદમૂર્તિ ગુરુમા મળ્યાં એ પછી ગીતા
માણેકમાં 360 ડીગ્રીનો બદલાવ આવ્યો એ પણ જોયો
છે.
ગીતા
માણેક અને ચેતન કારીયા બંને એકદમ જુદી જુદી પ્રકૃતિના વ્યક્તિઓ છે. કદીય એકે બીજી વ્યક્તિને બદલવા માટે નથી કહ્યું. કોઈ દિવસ અહમનો ટકરાવ આ યુગલ વચ્ચે
નથી થયો. એડજસ્ટ થવાનું કે જતું કરવાનું એવો કોઈ ભાર બંને વચ્ચે નથી રહ્યો. જે છે એ સહજ છે.
ગીતા માણેકના શબ્દો અને ચેતન કારીયાના આંકડા બંને વચ્ચે પ્રેમનું સાયુજ્ય સજાયું છે. ગીતાબેન એવું કહે છે કે, ‘ચેતને મારા મૂડના અપડાઉન, મારી મારફાડ પત્રકાર તરીકેની જિંદગી, મારું લખેલું તત્કાળ વાંચવાની મારી દાદાગીરી બધું જ સહન કર્યું
છે.’ ત્યારે ચેતનભાઈ એક પ્રેમાળ નજર નાખે પત્ની ઉપર અને જાણે આંખોથી જ કહી દે
છે, મને તું જેવી છે એવી જ ગમે છે
અને હું તને અઢળક પ્રેમ કરું છું.