
દૃશ્ય
નંબર એક
તમારો
ખોબો ધરો તો…
11મા ધોરણમાં
ભણતા ટીન એજરે પાંચમા ધોરણમાં ભણતી કુમળી વયની બાળકીને કહ્યું…
એ
બાળકીએ ખોબો ધર્યો અને એનો ખોબો ચોકલેટ્સથી ભરાઈ ગયો.
તમે
કહ્યું હતુંને કે શ્રેષ્ઠ નાટક કલાકારનો એવોર્ડ મને મળશે! મને એ મળી ગયો…
હજુ
મૂછનો દોરો ફૂટ્યો હતો એ ટીન એજર
સામે ઉભેલી નાનકડી છોકરી સામે નિર્દોષ હસ્યો અને નીકળી ગયો….
પેલી
છોકરી હાથમાં ચોકલેટ લઈને એને જતો જોઈ રહી.
દૃશ્ય
નંબર બે
ના,
ના મારું પેટ ભરાઈ ગયું છે. હવે મારાથી નહીં ખવાય.
અરે,
એમ થોડું ચાલે? થોડું તો ખાવું જ પડશે.
હવે
હું ખાઈશને તો ઉલટી થઈ જશે.
કંઈ
વાંધો નહીં, તમારી ઉલટી હું ખોબામાં ઝીલી લઈશ.
હોટેલના
રેસ્ટોરાં પર કોલેજની છોકરીઓના ગ્રૂપ સાથે એક યુવક બેઠો હતો. એ યુવક અને
ગ્રૂપમાંની એક છોકરી વચ્ચે આ સંવાદ થઈ
રહ્યો હતો.
એ
છોકરીને પેલો યુવક આગ્રહ કરીને ખાવાનું કહેતો હતો. એ યુવતીએ બે
કોળિયા ખાધાં અને એને ખરેખર ઉલટી થઈ.
પેલા
યુવકે પ્રોમિસ આપેલું એમ ઉલટી ટેબલ પર પડે એ પહેલાં પોતાનો
ખોબો ધરી દીધો…
ઉલટીના
કારણે દિમાગમાં ખટાશ ચડી ગઈ હતી પણ એ યુવતીના દિલમાં
એ યુવકે જગ્યા
બનાવી લીધી હતી.
બસ,
આ ખોબો ધર્યો
એમાં બંનેએ એકબીજાંને દિલ દઈ દીધું. ત્રીસેક વર્ષ જૂની આ લવસ્ટોરી આજે
અમદાવાદના શુકલ પરિવારના સરસ મજાના ફલેટમાં એવી જ ધબકે છે.
હજુ આ યુગલનો પ્રેમ
ખોબો માગુને દઈ દે દરિયા જેવો જ છે.
વાત
છે, સૌમ્ય અવાજના માલિક તુષાર શુકલના તથા તેમના પત્ની નમિતા શુકલની.
તુષાર
શુકલને આપણે સૌ ઓળખીએ મજાના સંચાલક, કવિતાઓ, સિરીયલો અને ફિલ્મી ગીતોના રચયિતા તરીકે. ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમની સુદીર્ઘ કારકિર્દી રહી છે. ખભા સુધીના લાંબા સફેદ વાળ અને સફેદ દાઢી, લાંબો ઝભ્ભો અને ચહેરા પર મંદ મંદ સ્મિત… તુષારભાઈ આવા સ્ટાઇલ આઇકોન છે. હજુ
પણ અમદાવાદની સડકો પર ભટ… ભટ.. ભટ… અવાજ આવે એવું 500 સીસીનું 1954ના મોડેલનું નોર્ટન બાઇક લઈને નીકળે ત્યારે કૉલેજની આસપાસના જુવાનિયાઓ બોલી ઉઠે છે, અંકલ પણ સ્ટાઇલિશ છે બાકી….
તો
આજે વાત છે આવા સ્ટાઇલિશ અને સૌમ્ય અવાજના માલિક તુષાર શુકલના પત્ની નમિતા શુકલની. એમની મુલાકાત થઈ એ પહેલાં એ
બંને વચ્ચે ડાયલોગ થયો કે, તુષાર મને ઇન્ટરવ્યુ આપવાનું નહીં ફાવે. કોણ જાણે શું સવાલો પૂછશે? તુષારભાઈએ તરત જ કહ્યું, સારું એક
વખત મળી તો લે મુલાકાત લેવા આવનારને…
બસ,
નિશ્ચિત કરેલા સમયે હું પહોંચી ગઈ. ઝાંપા ઉપર શુકલ પરિવાર લખ્યું છે ત્યાં ચોથા માળે પહોંચી ગઈ. સૌથી પહેલાં એ પૂછ્યું કે,
આ શુકલ પરિવારનું
જ બિલ્ડીંગ છે?
તુષારભાઈએ કહ્યું હા, અમે ત્રણ ભાઈઓ અને એક બહેન અમે ચારેય એક એક ફલોર પર રહીએ છીએ. બહેન અમારા ત્રણેય ભાઈઓ વચ્ચે પ્રોટેક્ટેડ રહે એટલે એ બીજા માળે
રહે છે. પહેલા માળે મોટાભાઈ, બીજા માળે બહેન નિમિષા, ત્રીજા માળે ભાઈ સમીર અને ટોપ ફલોર પર તુષારભાઈ રહે છે. આ પરિવારની એક
બહેન ડૉકટર જિગીષા નાઈરોબી રહે છે. હજુ આ પરિચય ચાલી
રહ્યો હતો ત્યાં જ નમિતાબેન આવ્યાં.
આ
નમિતા… સાચી વ્યક્તિને પરણ્યા હોય તો જિંદગી ક્યાં પસાર થઈ જાય એની ખબર ન પડે એમ
કહીને તુષારભાઈએ પત્નીનો પરિચય કરાવ્યો. નમિતાબેન નાગર પરિવારના દીકરી. એમના બે પિતરાઈ ભાઈઓ એટલે ડૉ.શ્યામલ અને સૌમિલ મુનશી. બહુ જ સુખી સંપન્ન
પરિવારમાં એમનો ઉછેર થયો. પરિવારમાં શૈલેષભાઈ અને દેવીબહેનના એ દીકરી. તુષારભાઈ અને
નમિતાબેન બંને એક જ સ્કૂલ સ્વસ્તિક
શીશુ વિહારમાં ભણતા. જો કે, તુષારભાઈ સાત વર્ષ સિનિયર હતાં. સ્કૂલની બાલસભામાં કવિતા બોલવાની હોય કે પછી કોઈ પઠન કરવાનું હોય નાનપણથી તુષારભાઈ એમાં છવાઈ જતાં. સ્કૂલમાં નાટકની સ્પર્ધા થઈ હતી. તેમાં 11મા ધોરણમાં ભણતા તુષારભાઈએ અંગ્રેજી નાટકમાં ભાગ ભજવ્યો હતો. એ નાટક જોઈને
પાંચમા ધોરણમાં ભણતા નમિતાબેને એમને ખાનગીમાં કહેલું, જો જોને પહેલું ઈનામ તો તમને જ મળવાનું છે.
અગિયારમા ધોરણમાં ભણતી એ છોકરીનો ચહેરો
એમણે બરાબર યાદ રાખ્યો. વળી એમને ખબર હતી કે, આ છોકરી શ્યામલ–સૌમિલની બેન છે. એ છોકરી એટલે
નમિતાબેન. બીજે દિવસે ખિસ્સામાં ચોકલેટ લઈને તુષારભાઈ ગયા અને નમિતાબેનના બે નાનકડાં હાથના બનેલાં ખોબાને ચોકલેટ્સથી ભરી દીધો. એ પછી તો
સ્કૂલના દિવસો પૂરા થઈ ગયાં. તુષારભાઈએ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એમ.એ, એલએલબીનું ભણ્યાં. જો કે, એલએલબીની છેલ્લી પરીક્ષા તેઓ ન આપી શક્યા.
અભ્યાસ પૂરો થયો એ પછી તો
એમને પ્રોફેસર થવું હતું. બે ઇન્ટરવ્યુ પણ આપેલા. એકમાં મોડા પડ્યા અને બીજામાં એક સવાલ પૂછ્યો તો એમણે તેમાં પોતાનું નિખાલસ અને બિન્ધાસ્ત મંતવ્ય આપ્યું એટલે વાત ત્યાં અટકી ગઈ. એ પછી ઑલ
ઇન્ડિયા રેડિયોમાં એનાઉન્સર તરીકે તેમની 425 રૂપિયાના બેઝિક પગારે નોકરી લાગી ગયાં. થોડાં સમય બાદ નેશનલ લેવલે ચિલ્ડ્રન પ્રોગ્રામ પ્રોડ્યુસરની ભરતી થઈ અને એમાં આખા દેશમાં સૌથી નાની ઉંમરે તુષારભાઈ પ્રોડ્યુસર બન્યા હતા. આ સફર સ્ટેશન
ડાયરેક્ટર સુધી પહોંચી. તેમણે દસ વર્ષ વહેલી નિવૃત્તિ પણ લઈ લીધી હતી.
આજે
પણ પતિ સામે એ જ પાંચમા
ધોરણમાં ભણતી નમિતા હોય એમ તેઓ એમની સામે જોઈને પતિની વાતો સાંભળે છે. એક આછેરું સ્મિત આપીને ધીમે ધીમે નમિતાબેન અમારી મુલાકાતમાં ખીલ્યાં. એ કહે છે,
‘સ્કૂલની બાલસભામાં તુષાર બોલતો ત્યારે એની વાતો અને સ્ટાઇલના કારણે એક આભાવર્તુળ એની આસપાસ રચાઈ જતું. અભ્યાસ દરમિયાન એવી કોઈ ખાસ યાદો અમારા સંબંધની બની જ નહોતી. હું કૉલેજમાં
આવી ત્યારે તુષાર મને મળવા કૉલેજે આવવા લાગ્યો. ઝેવિયર્સ કૉલેજમાં રોજ બપોરે ચાર વાગે એ સાયકલ લઈને
આવી જતો. હું અને મારી બહેનપણીઓ સાથે હોઈએ. એમાં એક દિવસ તુષારે આવીને કહ્યું કે, એની નોકરી લાગી ગઈ છે. રેડિયોમાં એનાઉન્સર તરીકે. તો મારી બધી બહેનપણીઓએ એમની પાસે પાર્ટી માગી. અમે વોલ્ગા રેસ્ટોરન્ટમાં જમવા ગયાં. પંજાબી જમવાનું મગાવ્યું અને મારું પેટ ભરાઈ ગયું પછી પણ તુષાર આગ્રહ જ કરે રાખે.
એ પછી મને
ઉલટી થઈ અને મેં એની આંખોમાં પ્રેમને વાંચી લીધો.’
તુષારભાઈ
કહે છે, ’મેં તો એ પહેલાં જ
એને કહી દીધું હતું કે, મને તમે ગમો છો. હું તમને ચાહું છું.’
આ
બાજુ કૉલેજ જઈ રહેલી એ ઓગણીસ વર્ષની
યુવતીના મનમાં પણ વાચાળ એવા તુષાર માટે લાગણીના અંકુર ફૂટી નીકળ્યાં હતાં. પછી તો અવાર–નવારની મુલાકાતો થતી. આ બાજુ ઔદિચ્ય
સહસ્ત્ર પરિવારના દીકરા તુષારભાઈને ઘરમાંથી મોટા ભાભી મીનાભાભી દિયરને પરણવા માટે છોકરીઓ જોવા જવાનું કહે. નમિતાબેનના બંને ભાઈઓ અને તુષારભાઈ વચ્ચે સારી દોસ્તી. વળી, બંને ભાઈઓને પણ અંદાજ આવી ગયો હતો કે, બેન અને તુષાર વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી છે. તુષારભાઈ પ્રેમિકા નમિતાને પરણવા માટે કહે પણ આ બાજુ નમિતાબેન
કંઈ વાત આગળ ચલાવે નહીં.
આ
બધી વાતોમાં જ નમિતાબેન કહે
છે, ‘હું વાત કેવી રીતે કરું? નાગરમાં તો પચીસ–છવીસ વર્ષે છોકરાંઓ જોવાનું શરૂ થાય. એ પછી લગ્ન.
હજુ હું તો ઓગણીસ વર્ષની હતી. જો હું મારા લગ્નની વાત કરું તો એ તો અમારા
ઘરમાં બાળવિવાહ તરીકે જ લેખાય.’
આ
બાજુ નમિતાબેનના મમ્મી દેવીબહેનને તો ભાવિ જમાઈ પહેલેથી ગમવા જ માંડ્યો હતો.
એમની જાણે મૂકસંમતિ હતી. સાસુને યાદ કરીને તુષારભાઈ કહે છે, ‘મારા સાસુએ મને એક મંત્ર આપ્યો છે, હશે… આ બે અક્ષરનો
મંત્ર ઘણીવાર બહુ કામ લાગે છે.’ એક સરસ મજાનું સ્માઇલ આપીને તેમણે વાતને આગળ વધારી કે, ’એ દિવસોમાં શ્યામલ–સૌમિલ મુનશીએ એક કાર્યક્રમ કર્યો મોરપીંછ. આ કાર્યક્રમનું સંચાલન
મેં કર્યું. મને તો નાનપણથી ફાવટ હતી. કૉલેજનું મુખપત્ર અંકુર પણ મેં ચલાવ્યું હતું. વળી, નમિતા કૉલેજમાં ભણતી ત્યારે હું ડાયરી સ્વરૂપે વાતો લખતો. પછી એ વાતો નમિતાને
વાંચી સંભળાવતો. નમિતા કેટલાય કલાકો સુધી એ વાતો સાંભળતી.
બોલવામાં તો બંદાને ફાવટ હતી. એમાં ભાવિ સાસરિયાને ઇમ્પ્રેસ કરવાનો મોકો મળ્યો. આપણે તો છવાઈ ગયા. એ પર્ફોમન્સ જોઈને
વાતો સાંભળીને બધાંને એટલું તો થયું કે, છોકરામાં દમ છે. વળી, ભાવિ સાસુ તો પહેલેથી કન્વીન્સ થઈ ગયેલાં. એ પછી સફર
થોડી આસાન થઈ.’
નમિતાબેન
કહે છે, ‘પપ્પાએ જ્યારે હા પાડી ત્યારે મને મુદ્દાસર વાતો સમજાવી હતી. એમને સેલ્ફ મેઇડ છોકરો પસંદ હતો. લાઇફ સ્ટાઇલમાં ઘણો ફરક હતો એ વાત કહી
અને ઉમેર્યું કે, સવલતો અને લાઇફ સ્ટાઇલને લગતી ફરિયાદો લઈને તું ભવિષ્યમાં આવીશ તો હું નહીં સાંભળું. નથી ફાવતું, નથી ગમતું એવી કોઈ વાત કે ફરિયાદો હું નહીં ચલાવી લઉં. પપ્પાની વાત સાંભળી અને પછી કહ્યું હા, હું આવી કોઈ ફરિયાદ લઈને નહીં આવું. મારે આની સાથે જ લગ્ન કરવા
છે. મેં હા કહી દીધી. જે દિવસે તુષારે મારી ઉલટી એના ખોબામાં લઈ લીધી એ જ દિવસે
મને થયું કે, આ છોકરો મારી
જિંદગીમાં હશે તો જિંદગી જીવવા જેવી લાગશે. નહીં તો લાઇફમાં મજા નહીં આવે. એનામાં શું ગમે છે એ કરતાં એ
મારું ધ્યાન રાખશે એ વાતનો મને
ભરોસો આવી ગયો હતો. જો કે, એ દિવસોમાં તો
કલ્પના પણ ન હતી કે
તુષાર આટલો મોટો અને જાણીતો તથા લોકપ્રિય માણસ બનશે.’
આ
બાજુ તુષારભાઈને કોઈ વસ્તુનો કોઈ દિવસ અભાવ સ્પર્શ્યો જ નથી. પુસ્તકો અને
શબ્દો વચ્ચે જ એમનો તથા
એમના ભાંડરડાનો ઉછેર થયો. પિતા દુર્ગેશ શુકલ નાટ્ય લેખનમાં બહુ જાણીતું નામ ને માતા વસંતબેન સરકારના શિક્ષણ વિભાગમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતાં. પિતા નાટકો લખતાં એમાંથી દસ રુપિયા રોયલ્ટી મળતી. સ્થિર આવક તો માતાની જ હતી. એમાં જ
બધાં ભાઈ–બહેન ખુશ. પાકિસ્તાનના કરાચીમાં જન્મેલાં અને પૈસાદાર પરિવારમાં ઉછરેલાં માતા વસંતબેહેને ભારતમાં બહુ સ્ટ્રગલ કરી. તુષારભાઈ કહે છે, ‘પાકિસ્તાનમાં મારી મા કેડીલેક ગાડીમાં ભણવા જતી. અહીં એ જીવી ત્યાં
સુધી લાલ બસમાં જ મુસાફરી કરતી.’
મોસાળમાં તમામ લોકો શિક્ષણની દુનિયા સાથે સંકળાયેલાં એટલે શબ્દોનો સાથ પહેલેથી રહ્યો. વેકેશન પડે એટલે પિતા દુર્ગેશભાઈ બધાં જ બાળકોને ગુર્જર
ગ્રંથાલયની દુકાને લઈ જાય. જેને જેટલાં પુસ્તકો ખરીદવા હોય એટલાં લઈ લેવાના. પુસ્તકોનું બિલ પિતાને અપાતી રોયલ્ટીમાંથી બાદ થઈ જતું. સ્કૂલે–કોલેજે કે નોકરી કરીને આવે એટલે તમામ ભાઈ–બહેનો વાંચવા સિવાયની કોઈ ઈત્તર પ્રવૃત્તિ જ ન કરે.
તુષારભાઈ
કહે છે, ‘મમ્મીએ આજીવન ખાદી જ પહેરી. મારી બહેન
નિમિષા જેને બધા ડોલી કહીએ છીએ એ આજે પણ
ખાદી જ પહેરે છે.
અમારા પરિવારની આખી નેકસ્ટ્ જનરેશન પણ મારી બહેન ડોલીને ફોઈ કહેવાને બદલે ડોલી જ કહે છે.
અમારા ભાઈ–બહેનનું બોન્ડિંગ બહુ જ મજબૂત રહ્યું
છે. અમે હંમેશાં એક ટીમ તરીકે જ જીવ્યાં છીએ.
વળી, આજની તારીખે અમારા કોઈની એવી ખાસ જરૂરિયાતો કે નખરાં નથી. અમે નાનાં હતા ત્યારે ડાલડા ઘી અને ખીચડી ખાતાં. એ જિંદગીની મજા
આજે પણ નથી ભૂલી શકાતી. એ દિવસોમાં કોઈ
ફરિયાદ જ ન હતી.’
આ
વાત સાંભળી રહેલાં નમિતાબેન કહે છે, ’આ લોકોના લાગણી
અને પ્રેમના ગઢમાં ગાબડું ન પાડી શકો.
અમારી સગાઈ અને લગ્ન વચ્ચે એક વર્ષનો ગાળો હતો. નાગરોમાં લગ્ન થાય એ ઉંમરે મતલબ
કે હું એકવીસ વર્ષની ઉંમરે પરણી ગયેલી. સાસરે આવીને આ બધાં જ
ભાઈ–બહેનો વચ્ચેની પારદર્શિતા અને સમજણ દાદ મને ગમી ગઈ. વળી, મને અને ભાભીને એ લાગણી જીતવા
માટે જાણે ચેલેન્જ મળી હોય એવું લાગ્યું. જો કે, અમે એ પાર કરી
ચૂક્યાં છીએ…’ સહેજ હળવા સૂર સાથે નમિતાબેન કહે છે, ’અમારે નાગરોમાં તો વાતે વાતે અપ્રિશિયેસન મળે. ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું હોય તો એમ જ કહે કે,
ગુલાબી રંગ તો તારા માટે જ બન્યો છે.
જ્યારે અહીં જલદીથી વખાણ ન સાંભળવા મળે.
વળી, આ બધાં ભાઈ–બહેન ઘરે આવીને વાતો કે ગપાટાં ન મારે બધાં
પોતપોતાની ફેવરિટ જગ્યા પકડીને વાંચવા બેસી જાય. હું અને ભાભી એકબીજાંની સામે જોયે રાખીએ. આ સમયગાળામાં જ
મારે મોટાભાભી સાથે બહેનપણી જેવું થઈ ગયું. ઘરમાં જે પગાર કે આવક આવે એમાંથી નાની–નાની બચત કરીને ઘરનાં પડદાં ખરીદવા કે એક સરખી છ ખુરશી ખરીદવાનો
આનંદ અમે બહુ અનુભવતા. હા, સાસરે ડાલડા ઘી સાથે મેં પણ ખીચડી કોઈ જ ફરિયાદ વગર
ખાધી છે. એ કોળિયો પણ
મને મીઠો જ લાગ્યો હતો.
મને કોઈ દિવસ કંઈ ખૂટતું હોય એવું નથી લાગ્યું. તુષાર સાથે અને પરિવાર સાથે જ હું સંપૂર્ણ
છું.’ પ્રેમ અને સહજતા હોય ત્યાં સ્વીકાર આવો જ હોતો હશે
એ વાત એમની
વાત અને પ્રેમાળ શબ્દોના ટોન પરથી પરખાઈ ગયું.
ઘર–પરિવારનો મોરચો અને સાથોસાથ કરિયર પણ આગળ વધતી હતી. એનાઉન્સરમાંથી પ્રોડ્યુસર બન્યાની સાથોસાથ અલગ–અલગ કાર્યક્રમોમાં સંચાલનનો મોકો મળતો ગયો. તુષારભાઈ હંમેશાં લખેલી સ્ક્રિપ્ટ હાથમાં રાખીને સંચાલન કરે છે. એ કહે છે,
‘મારી આ આદતની કેટલાક
લોકો ટીકા કરે છે પણ મને એમ જ ફાવે છે.
તૈયારી કરી હોય તો એકપણ મુદ્દો હું ચૂકી જતો નથી. મોરપીંછ કાર્યક્રમનું પહેલી વખત સંચાલન કર્યું હતું ત્યારે ઓડિયન્સમાં કવિ હરીન્દ્ર દવે બેઠાં હતાં. એ કાર્યક્રમ પછી
દસ વર્ષે હરીન્દ્ર ભાઈએ મને સાંભળ્યો અને મને કહ્યું, તમે એકદમ મેચ્યોરિટીથી સંચાલન કરવા લાગ્યા છો. બહુ ગ્રો થઈ ગયા છો આ ક્ષેત્રમાં…
લેખનની
વાત કરતા તુષારભાઈ કહે છે, ‘હું ગમે ત્યારે ગમે ત્યાં લખી શકું. સિરીયલો લખતો ત્યારે તો ઘણીવાર શૂટિંગ ચાલુ હોય અને સીન બદલવાનો હોય તો હું એ શૂટિંગના સ્થળ
ઉપર જઈને ટ્રાફિકના ઘોંઘાટની વચ્ચે રસ્તાના ડિવાઈડર પર લખતો. ઘણીવાર તો ડિરેક્ટર ચંદર બહેલ સિરીયલના એપિસોડનું શૂટિંગ ચાલતું હોય અને આવે. આવીને પૂછે કોણ કોણ હાજર છે? પછી
સાત સીન સમજાવે, સાત લાઈનમાં લખીને આપે મને કહે ચાલ હવે એપિસોડ લખી દે. અને હું લખી આપતો. હકીકતે, હું કૉલેજમાં ભણતો ત્યારે ઘણાં બધાં લોકોને સ્ક્રીપ્ટ લખી આપતો. એ શબ્દો બોલાતાં
ત્યારે દાદ બહુ મળતી. એ પછી મને
થયું કે, મારાથી લખી શકાય છે. એ જ દિવસોમાં
કવિતાઓ પણ લખવા માંડ્યો. હું ગઝલનો નહીં પણ ગીત કાવ્યોનો માણસ છું. ફિલ્મોમાં ગીતો લખ્યા. જો કે એ ગૌરાંગ વ્યાસને
આભારી છે. એમણે મને બની ગયેલી ધૂન પર ગીત કેવી રીતે લખી શકાય એ માટે તૈયાર
કર્યો. કેટલીયવાર ઘણાં લોકો ગીતો લખાવી ગયાં અને એમણે રૂપિયા ન આપ્યાં હોય
એવું પણ બન્યું. મેં કોઈ દિવસ એવો કોઈ હિસાબ નથી રાખ્યો.
લખવાની
મજા આવે છે અને મને ગમે છે. લખવાનું શરૂ કર્યું એ પછી મેં
કોઈ દિવસ એક પણ જગ્યાએ મારી કૃતિ એવું લખીને નથી મોકલી કે, હું કવિ છું. તમે મારી કવિતા છાપો.
મારા
પિતાજી પોતે એક અચ્છા કવિ હતા. મારા ગીતો ઓલ ઈન્ડિયા રેડિયો પર આવવા લાગ્યા અને પોપ્યુલર થવા માંડ્યા એ પછી 2002ની સાલમાં
એકવાર પપ્પાએ બોલાવ્યો. મને કહ્યું, તું શું લખે છે, કેવું લખે છે મને બતાવ તો ખરો? પછી મેં એમને મારી થોડી કૃતિઓ સંભળાવી. એ સાંભળીને એમણે
કહ્યું, પુસ્તક બનવવા જેવું લખે છે. પુસ્તક બનાવ આ કવિતાઓનું. પુસ્તક બનીને
આવ્યું ત્યારે પિતા અવસાન પામ્યાં પણ મારું પહેલું પુસ્તક પિતાજીને આભારી છે. એ કાવ્ય સંગ્રહનું
નામ ‘તારી હથેળીને‘ છે. મારા પપ્પાએ નાટકની દુનિયાની પહેલી પદ્ય નાટ્ય કૃતિ ઉર્વશી લખી હતી. એ ખુદ કવિ
હતા, નાટકના લેખક હતાં અને મારી કૃતિઓ એમણે વખાણી ત્યારે મને બહુ આનંદ થયો હતો.
સંચાલનમાં
પણ હું બહુ બિઝી રહેવા માંડ્યો. સિરીયલો, જિંગલ્સ, ગીતો, સંચાલન અને શબ્દોની દુનિયામાં અઢળક કામ મળવા લાગ્યું. દૂર દૂરથી આવે સૂર અંકુર… કે પછી સમજુ નારી ઘરમાં લાવે રામદેવ મસાલા જેવા વન લાઇનર્સ એડ કેમ્પેઇન માટે લખ્યાં. તાળીઓનો એક નશો મારી અંદર જીવવા લાગ્યો હતો. એ ગમવા લાગ્યું
હતું. કાર્યક્રમોમાંથી રાત્રે મોડો આવું. આખી રાત જાગીને સિરીયલ માટે એપિસોડ લખી લઉં. સિરીયલના યુનિટમાં કામ કરતાં માણસને અગાઉથી સૂચના આપેલી જ હોય કે,
ઘરની બારી ગ્રીલમાં પાના ભરાવેલાં હશે મને ઉઠાડ્યા વગર એ લઈને જતો
રહેજે.
આજે
આટલાં વર્ષે જોઉં છું ત્યારે એમ લાગે છે કે, સ્ટેજની પાછળ પણ કોઈ છે જેણે હંમેશાં મારી ઉપર ભરોસો મૂકીને મને જવા દીધો. કેટલાંક પોટલાંને હળવા કરવાનો સમય હોય એવું લાગે છે.
નમિતા
જ્યારે પણ ઓડિયન્સમાં બેઠી હોય ત્યારે મને જે બુકે મળે એ સ્ટેજ પરથી
ઉતરીને પહેલાં હું એને આપું છું. અચૂક કહું પણ ખરો, તમે જવા દીધો તો હું આટલો આગળ વધી શક્યો. આ બધું તમને
આભારી છે.’
સહેજ
પણ શબ્દો ચોર્યા વગર નિખાલસતાથી તુષારભાઈ કહે છે, ‘ટપુનો ભરોસો અને વિશ્વાસ, શ્રદ્ધા બહુ ઉંચા છે. સ્ટેજની પાછળ સતત કોઈ હોય અને એનો સપોર્ટ મળતો રહે એનાથી રૂડું શું હોય શકે. પણ એ સહકારના પોટલાં
વ્યક્ત થઈને મારે ઉતારવા છે…’ ટપુ સંબોધન સાંભળીને મારા કાન સરવાં થયાં. મેં પૂછયું ટપુ? તો તરત જ નમિતાબેન બોલ્યા
મારું ઘરનું નામ ટપુ છે.
‘ગુજરાત
સમાચાર‘ની શતદલ પૂર્તિમાં તુષારભાઈની કૉલમ એક,બે ને સાડા ત્રણ લાંબો સમય સુધી ચાલી. તુષારભાઈએ પચીસ જેટલી સિરીયલો લખી છે અને અત્યાર સુધીમાં ‘મારો વરસાદ‘, ‘તારી હથેળીને‘, ‘પૂછીને થાય નહીં પ્રેમ‘, ‘આ ઉદાસી સાંજની‘
નામના કાવ્ય સંગ્રહો, ‘આશકા‘ નામનો ગરબા સંગ્રહ અને લેખનના મળીને પચીસ જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. મારો વરસાદ તારા વગર અસંભવ છે એવું પત્ની નમિતાબેન માટે લખીને મારો વરસાદ નામનું પુસ્તક તેમણે પત્નીને અર્પણ કર્યું છે. તેમની કૃતિઓને ક્ષેમુભાઈ દિવેટીયા, દિલીપ ધોળકિયા, આશિત દેસાઈથી માંડીને અનેક સંગીતકારોએ સંગીતબદ્ધ કરી છે. સરસ્વતી ચંદ્ર સિરીયલમાં પણ તેમણે ગીતો લખ્યાં છે. અવિનાશ વ્યાસની અધૂરી રચના એક વખત ગૌરાંગભાઈએ એમને આપી અને કહ્યું કે, હવે આમાં આગળ લખી આપો. તુષારભાઈએ થોડી જ વારમાં એ
અધૂરી પંક્તિઓને સહજતાથી પૂરી કરી દીધી હતી.
તુષારભાઈ
કહે છે, ’હું કવિતા લખીને કોઈ દિવસ નમિતાને સંભળાવતો નથી. લખેલું છપાઈ જાય પછી જ એ વાંચે
છે.’
નમિતાબેન
કહે છે, ’હું જ એની સૌથી
મોટી ક્રિટિક છું. પુસ્તક આવે પછી વાંચી જાઉં અને કંઈ ગમ્યું હોય તો પણ કહું અને ન ગમ્યું હોય
તો પણ કહું.’
આ
વાત પૂરી થઈ કે તરત જ તુષારભાઈ બોલી
ઉઠ્યાં, ‘એના સૂચનો સાંભળી લઉં પણ માને એ બીજાં. આમ પણ
છપાઈ ગયું હોય એમાં કંઈ ફેરફાર તો થવાનો નથી.’
અમારી મુલાકાતના
દિવસોમાં જ (2017ની સાલ)આ
વખતના અમદાવાદના પુસ્તકમેળામાં લોકોએ તુષારભાઈના લખેલાં ડાયરી ફોર્મેટના પુસ્તકો બહુ ખરીદ્યાં. આ પુસ્તક લખતાં
તુષારભાઈને ત્રણથી ચાર દિવસ જોઈએ. એમને લખવા માટે ખાસ કોઈ માહોલ નથી જોઈતો. ખાસ શાંતિ જ જોઈએ એવું
પણ નથી. ગમે ત્યારે ગમે ત્યાં બેસીને તેઓ લખી શકે છે. સાદી બોલપેન અને કાગળથી એમનું કામ ચાલી જાય. હંમેશાં હાથેથી જ લખવાનું તેઓ
પસંદ કરે છે.
ગીત–કાવ્યો લખવા એમને પસંદ છે પણ એમનું ડાયરી ફોર્મેટનું લખાણ આજકાલ બહુ વંચાય છે અને વેચાય છે. નમિતાબેનનની કૉલેજના દિવસોમાં એમને જે લખાણ વંચાવતા એમાં ડાયરી ફોર્મેટ જ હતું. તુષારભાઈ કહે
છે, ’કેટલું બધું લખીને જતો. એને સંભાળવતો. મારા લખાણમાં તું એટલે નમિતા જ હતી. અને એ
દિવસોમાં હું એને લગ્ન માટે કંઈ વાત કરતો તો એ ટાળી દેતી.
પછી કોઈવાર ચિડાઈને હું કહી દેતો કે, રોજ આવા તડકામાં સાયકલ લઈને એમ જ શું ચક્કર
મારવા આવું છું? હું તને ચાહું છું, તું મને ગમે છે હજુય નથી સમજાતું…’
ડાયરી
ફોર્મેટના લખાણ વિશે તુષારભાઈ આવ્યા. એ કહે છે,
‘એક ગર્ભવતી અને એના ગર્ભમાં ઉછરી રહેલાં સંતાનની વાત છે પગલાં વસંતના પુસ્તકમાં. જેમાં પ્રેગનેન્સી રહી ત્યારથી માંડીને બાળક અવતર્યું ત્યાં સુધીની વાતો ડાયરી
સ્વરૂપે છે. એ પછી બાળક
થોડું મોટું થાય એ સમયની મમ્મીની
વાતો અને બાળકની ડાયરી એટલે ટહુકાની બાળપોથી. બાળકો થોડાં મોટાં થયાં એટલે પપ્પા દીકરા વચ્ચેની ડાયરી એટલે ડેનિમ, બાપ અને દીકરી વચ્ચેની ડાયરી એટલે બેક પેક, બેક પેક પુસ્તક પરથી મારા એક મિત્રએ કહ્યું કે, તેં તો ભારતની દીકરીની વાત લખી છે. અમેરિકામાં ઉછરી રહેલી ટીન એજ દીકરીની વાત સાવ જુદી જ હોય છે
એના પરથી ડાયરી ફોર્મેટ આવ્યું સ્વીટ 16 વેલકમ, દીકરી મોટી થઈ એને પરણાવી તો એ ડાયરી એટલે
દીકરી નામે અવસર, દીકરી જે ઘરમાં જઈ રહી છે એ ઘરનો દરેક
સભ્ય અને ડાયરી ફોર્મેટમાં વેલકમ કરે છે એ પુસ્તક એટલે
ઓવારણાં, લગ્નને પચીસ વર્ષ થઈ ચૂક્યા છે એ યુગલની વાત
એટલે લેમન ટી પુસ્તક. આ પુસ્તક વખતે
મારો એવો વિચાર હતો કે, નમિતા એક પ્રકરણ લખે અને હું એક પ્રકરણ લખું. પણ એ શક્ય ન
બન્યું. આ પુસ્તકમાં પતિ–પત્ની વચ્ચેની ગમા–અણગમાની વાતો છે, નોકઝોક છે, કટુ–મધુર વાતો છે.
કોફી
બ્રેક નામનું પુસ્તક સાવ જુદું જ છે. દરેક સ્ત્રીએ
પોતાની જિંદગીમાં એક કોફી બ્રેક લેવો જોઈએ. આ પુસ્તકમાં વાત
છે એક એવી સ્ત્રીની જે પ્રૌઢા થઈ ગઈ છે. બાળકો પરણી ગયા છે. પતિ એની રીતે બિઝી. એ સ્ત્રી પિયરમાં
આવી છે. એની ભાભી એ જ ઘરમાં
છે. એ નણંદને જુએ
છે. પણ બસ એને જોયે રાખે છે. એ સ્ત્રી એવું
વિચારે છે પિયરમાં આમ તો બધું એવુંને એવું જ છે પણ
ઘણું બધું બદલાઈ ગયું છે.
શુગર
ફ્રી પુસ્તકમાં એક પ્રૌઢ વયના પુરુષની વાત છે. જે એક ડિલ કરવા માટે વિદેશ ગયો છે. એને અકસ્માતે એક યુવતી સાથે રહેવાનું થાય છે. એ યુવતી જે
રીતે જિંદગીને જીવી રહી છે એ રીત જોઈને
એ પુરુષને એવું
ફીલ થાય છે કે, હું આ જ રીતે
જીવતો હતો પણ કંઈક ભૂલી ગયો છું. એ વતન પરત
આવે છે. ઘરે આવે છે અને એવું વિચારે છે જે અહીંથી ગયો હતો એના કરતાં જુદો જ માણસ ઘરે
પાછો આવ્યો છે. રુટિનને બ્રેક કરીને જીવવાની વાત આ પુસ્તકમાં છે.
મન,
મસ્તી અને મોટરસાયકલમાં એક યુવાન બાઇકરની વાત છે. જે બહારની દુનિયાની સાથોસાથ પોતાની અંદરની દુનિયાની પણ યાત્રા કરે છે. ખુદને મળે છે. એ પ્રકારની ડાયરીની
વાત છે.
છેલ્લાં
એકાદ મહિનાથી જન્મભૂમિ ગ્રૂપના અખબારોમાં બ્લેક કોફી નામની મારી કૉલમ શરૂ થઈ છે.’
નમિતાબેન
કહે છે, ‘તુષારને સ્થળ, કાળ અને બંધનો નથી નડતાં. એ લખતો હોય
ત્યારે એને ભૂખ પણ ન લાગે. એ લખતો
હોય ત્યારે એને લીંબુ પાણી કે કોફી આપી આવું. પણ એના લખેલાં પાના પડ્યાં હોય તો પણ હું ત્યાં માથે ઊભી રહીને કોઈ દિવસ ન વાંચુ. અમારી વાચનની
પસંદગીના ધોરણ જુદાં જુદાં છે.’
કાર્યક્રમોનું
સંચાલન કરતા તુષારભાઈ વિશે તમે શું વિચારો?
નમિતાબેન
કહે છે, ’એને ઘણીબધી સ્ત્રીઓ આવીને કહી જાય કે તમે સ્ત્રીના મનની વાતો કેવી રીતે સમજી જાઓ છો. એક વખત તો એક સરસ મજાની કોતરણીવાળી ડબ્બીમાં એક ચિઠ્ઠી આવી હતી કે, તમે બોલતાં જ રહો અને
હું સાંભળથી રહું. એમાં સાથે કપૂર પણ હતું. મેં એ ડબ્બી જોઈને
તરત જ કહ્યું કે,
આ ડબ્બી સરસ
છે.
સ્ત્રીઓ
ઘેરી વળે કે ફ્લર્ટ કરે ત્યારે તુષાર એની બોડી લેંગવેજમાં બહુ જ સ્પષ્ટ હોય
છે. વળી, સામેવાળી વ્યક્તિને કોઈ ભ્રમ ન થાય એ
રીતે એ ભ્રમનું નિરસન
પણ એ કરી નાખે.
ઘણી
બધી જગ્યાઓએથી એમને પ્રેરણા મળતી રહે છે પણ એમાંથી એકપણ પ્રેરણા ઘરમાં નથી આવવાની. એમની જેટલી સ્ત્રી મિત્રો છે એ મારી પણ
બહુ નજીક છે. પોતાની સમસ્યાનું નિરાકરણ એને તુષાર પાસેથી જોઈતું હોય પણ એનો ફોન તો મારા ફોન પર જ આવે.
વળી,
હું પણ પચીસ વર્ષ સુધી મોરલી ગ્રુપ અને સાંનિધ્ય ગ્રુપમાં ગરબાનું એન્કરીંગ કરતી હતી. મારા બંને ભાઈઓ શ્યામલ–સૌમિલ સાથે લગ્નગીતોના કાર્યક્રમો કરતી હતી. આથી આ દુનિયા વિશેની
કોઈ વાત મારાથી અજાણી નથી રહેતી. દૂરદર્શન માટે મેનોપોઝ પર વિચારણીય સિરીઝ દસ વર્ષ પહેલાં લખી હતી જે લોકોએ બહુ વખાણી પણ હતી. તુષારના તમામે તમામ કાર્યક્રમોમાં હું જતી નથી, બહુ જ સિલેક્ટેડ પ્રોગ્રામમાં
હું જાઉં છું. પણ મને કોઈ દિવસ અસલામતી નથી લાગી.’
અજાણી
સ્ત્રીઓને તુષારભાઈના લખાણો પરથી લાગે છે કે, એ એમના મનની
વાત જાણી જાય છે. શું તમારા મનની વાત તુષારભાઈ જાણી લે છે?
નમિતાબેન
જવાબ આપે એ પહેલાં તુષારભાઈ
કહે છે, ‘જાણી જાઉં છું પણ એને એવું લાગે છે કે બહુ મોડો જાણું છું. વળી એની એક જ ફરિયાદ હોય છે
કે, હું એના માટે સ્ટેન્ડ નથી લેતો. સ્ટેન્ડ લઈને દસ લોકોને દુઃખી કરવા કરતાં ચૂપ રહેવું સારું એવી મારી ફિલોસોફી છે. જે એને બહુ ગળે નથી ઉતરતી.’
આ
યુગલના કેટલાંક વિચારભેદ પણ એકમેક માટે બહુ જ સહજ છે.
તેમનો દીકરો મિતાઈ રેડિયો મિર્ચીમાં ક્રિએટીવ હેડ છે. એ પણ પિતાના
પગલે લખી રહ્યો છે. સંદીપ પટેલની મૂવી તેમણે લખી છે જે થોડાં દિવસોમાં રિલીઝ થવાની છે. આ દીકરાની ટ્યૂશન
ટીચરે એક વખત ફરિયાદ કરી હતી કે તમારો દીકરો તમને મીસ કરતો હોય છે. ત્યારે તુષારભાઈએ બહુ જ સેફ ગણાતી
રેડિયોની નોકરી સ્ટેશન ડિરેકટર હોવા છતાં એક ઝાટકે મૂકી દીધી હતી. સંવેદના અને શબ્દોના આ માણસ બહુ
સૌમ્ય છે. એક સમયે એ એંગ્રી યંગમેન
હતાં એના કેટલાંક કિસ્સાઓ એમણે કહ્યા ત્યારે હું એકદમ અચંબામાં મૂકાઈ ગઈ કે આ માણસને ગુસ્સો
પણ આવે છે!
જો
કે હવે બહુ ગુસ્સો નથી આવતો એમ કહીને તુષારભાઈ khabarchhe.comના વાચકો માટે અમારી સેલ્ફી લેવા તૈયાર થયાં અને અમારી લાંબી મુલાકાત પૂરી થઈ…