
ચાલો
તો હું જાઉં? મારી હૉસ્ટેલ પર પહોંચવાનો સમય થઈ ગયો છે.
હું
તો એવું ઈચ્છું કે, તું મારી પાસેથી ક્યારેય ન જાય. મારી પાસે
જ રહે…
ભાવનગરના
રસ્તાઓ ઉપર બે યુવા હૈયાં ચાલી રહ્યાં હતા.
એમાંથી
યુવકે સાથે ચાલતી યુવતીને આ વાત કહી
જ દીધી. કેટલાંય દિવસોથી
મનમાં વાત ઘોળાતી હતી. ગળા સુધી આવી જતી હતી. પણ એને શબ્દોનો આકાર મળતો ન હતો. છેવટે એ
વાત કહી દીધી અને એણે એ યુવતીની આંખોમાં
આંખ પરોવી.
બંનેની
આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
29 જાન્યુઆરી, 1990નો પ્રસંગ
હજુ જાણે ગઈકાલે જ બન્યો હોય
એમ આજે પણ આ યુગલની આંખો
વાત કરતા કરતા વરસી પડે છે.
પોતાની
એકબાજુ દીકરી બેઠી છે અને બીજી બાજુ પત્ની. આંસુને વહેવા દઈને પત્નીનો હાથ એ જ નાજુકાઈથી
હાથમાં લીધો અને બંને એકબીજાંના હાથને પંપાળવા માંડ્યા. મજાની વાત એ છે કે,
મમ્મી–પપ્પાના આ પ્રસંગને એ
દીકરીએ એક નહીં અનેકવાર સાંભળ્યો છે. પણ એ દીકરીય મમ્મી–પપ્પાની સાથે ખુશીની એ વાત સાંભળીને
રડી પડે છે.
આ
જોઈને મોઢામાંથી એવું નીકળી ગયું, કેટલું મનોરમ્ય દૃશ્ય છે.
એક
વાતને યાદ કરીને સાથે ખુશીના આંસુ વહેવા એ પણ કંઈ
નાનીસૂની વાત નથી. ‘સર્જકના સાથીદાર’ કૉલમ માટે વાતો કરતા કરતા આ પરિવાર અનેક
એવી યાદોમાંથી પસાર થયો અને એમની વાતો દિલને સ્પર્શતી ગઈ.
વાત
છે, એવા જ સંવેદનશીલ સર્જકની
જે વ્યવસાયે પિડીયાટ્રીશિયન છે. તેમના હાથે લખાયેલી દિલને સ્પર્શી જાય એવી કૃતિઓની લાખો નકલ વેંચાઈ ચૂકી છે. જેમનું લેખન પહેલે જ ઝાટકે રિજેક્ટ
કરવામાં આવ્યું હતું, પણ આજે તેમના શબ્દોને વાચકો દિલથી વધાવી રહ્યા છે. વાત છે, ભાવનગરના ડૉક્ટર યુનુસ કાસમભાઈ વીજળીવાળાની. જેમને સૌ ડૉ.આઈ. કે. વીજળીવાળા તરીકે વધુ ઓળખે છે. એમના સાથીદાર કૃતિકાબેનને તો ડૉ. વીજળીવાળા તેમની લગભગ કૃતિની પ્રસ્તાવનામાં સખી સંબોધન સાથે જ રજૂ કરે
છે. નિરાળી જિંદગી અને અનોખા યુગલની વાતોમાંથી કઈ વાત લખવી અને કઈ છોડવી એ જ સવાલ
છે. વળી,
આ યુગલ ઉમદા
વ્યક્તિત્વ ધરાવે છે એ વાત લખવી
કે પછી વીજળીવાળાના લખાણ અને સંવેદનશીલતાની વાત લખવી. સરવાળે અમારી મુલાકાત તમારા સૌ સમક્ષ પ્રમાણિકતાપૂર્વક મૂકી રહી છું.
ડૉ.
વીજળીવાળા સાથે મારો પરિચય આમ તો વર્ષો જૂનો. લેખનની દુનિયાને કારણે એમને પહેલાં વાંચવાનું થયું. પછી એમનો સંપર્ક થયો. એક મુન્ના નામના તેમના પેશન્ટને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે જર્મની મોકલવાનો હતો ત્યારે એ સ્ટોરી કરવા
માટે એમને વર્ષો પહેલાં મળી હતી. ભાવનગરના ડૉક્ટર હાઉસમાં એમનું ક્લિનિક આવેલું છે. સેંકડો પેશન્ટ્સ વેઇટિંગમાં બેઠા હતા. એ તમામને એક
પછી એક અટેન્ડ કરતા જાય અને વચ્ચે બ્રેકમાં મને મુન્નાની સ્ટોરી કહેતા જાય. આ પરિચય આજદિન
સુધી એવોને એવો રહ્યો છે. ભાવનગરની મારી મુલાકાત એમને તથા કૃતિકાબેનને ન મળું તો
અધૂરી રહે એવું જ લાગે. એમનું દરેક
નવું પુસ્તક પ્રકાશિત થાય ત્યારે અચૂક મોકલવાની ચીવટવાળા ડૉક્ટરના સ્વભાવની અનેક ખૂબીઓ છે. એમને ત્યાં આવતા દરેક અમીર–ગરીબ પેશન્ટ સાથે એકસરખો એમનો વહેવાર રહે. ગુજરાતીમાં ટાઇપ કરીને પ્રિસ્ક્રિપ્શનનું પ્રિન્ટ આઉટ પેશન્ટના મા–બાપને આપે જેથી કોઈને તકલીફ ન પડે. કલાકોના કલાકો
સુધી કામ કરે તો પણ આ ડૉક્ટરના મોઢા
ઉપર જરા પણ થાક ન દેખાય. મોતીચારો સિરીઝથી
શરૂ થયેલી તેમનની સફર આજે ચોવીસ બુક્સ સુધી પહોંચી છે. કુલ પોણા આઠ લાખ નકલો આ તમામ પુસ્તકોની
વેચાઈ છે અને વંચાઈ છે. ગુજરાત જ નહીં દુનિયાના
ખૂણેખૂણામાંથી વીજળીવાળાની બુક વાંચીને વાચકો પ્રતિભાવો આપતા રહે છે.
ડૉક્ટર
વીજળીવાળા મૂળ તો ભાવનગરના જીંથરી નજીકના અમરગઢ ગામના. બહુ જ ઉતાર ચઢાવ
વચ્ચે તેમનું બાળપણ અને અભ્યાસ પૂરો થયો. બારમા સાયન્સ બાદ એમબીબીએસ કરવા માટે વડોદરા ગયા. ત્યાં જ પિડીયાટ્રીશિયનનું ભણ્યાં. એક જોડી
કપડાં અને બહુ જ થોડાં પૈસા… કેટલીય
વખત તો ફી ભરવાના રૂપિયા પણ ન હોય એવી
હાલતમાં અભ્યાસ પૂરો કર્યો. આ આત્મકથાનાત્મક લખાણ
તેમણે સાયલન્સ પ્લીઝ અને એ પછીની પાંચ
બુક્સમાં ઉતાર્યાં છે. જેનું કેટલુંક લખાણ વાંચતા–વાંચતા તમારી આંખો ભીની થયા વગર ન રહે. જો કે,
ભીની થવી એ જરા ટૂંકો
શબ્દ છે એ લખાણ માટે,
એ લખાણ વાંચીને
તમે રડી જ પડો એટલું
ઉત્તમ અને સંવેદનશીલ લખાણ છે આ બુક્સમાં.
અભ્યાસ
પૂરો કરીને બજરંગદાસબાપા આરોગ્યધામમાં નોકરી શરૂ કરી. એ પછીની સફર
પ્રાઇવેટ પ્રેક્ટિસ સુધી પહોંચી. ભાવનગરની અનેક પેઢીના બાળકો એમના સ્પર્શ બાદ સાજાં થઈ જાય છે. આ ડૉક્ટર બાળ
પેશન્ટને સ્પર્શ કરે એટલે એમના હાથનો જાદુ ફરી વળે છે. બાળકો સ્પર્શ બાદ સાજાં થઈ જાય છે અને શબ્દોને આ ડૉક્ટર અડે
તો શબ્દો પણ જાણે તાજાં થઈ ઊઠે છે. અતિશય વ્યસ્ત રહેતા આ ડૉક્ટરના પોતાના
નિયમો છે. બુધવાર અને રવિવારે રજા રાખે છે. ઘરે વિઝિટ કરવા નથી જતાં. ઇન્ડોર પેશન્ટ વર્ષોથી બંધ કરી દીધાં છે. ફક્ત ઓપીડી જ કરે છે.
એ પણ થોડાં
જ કલાકો. આટલા લિમિટેશન્શન્સ
પાછળ પણ તેમનું લોજિક છે, તેઓ કહે છે, ‘આમને આમ પ્રેક્ટિસ કરતો રહીશ તો જિંદગી માટે કોઈ દિવસ નવરો જ નહીં પડું.
પરિવાર માટે અને પોતાની જાત માટે કોઈ દિવસ સમય જ નહીં ફાળવી
શકું એવું લાગ્યું એટલે પ્રેક્ટિસ લિમિટેડ કરી નાખી. ડ્રાઇવિંગ કરવું, મુસાફરી કરવી, નવી– નવી જગ્યાઓએ ફરવા જવું, લખવું–વાંચવું, ભણવું એ બધું જ
મને કરવું છે. રૂપિયાની પાછળ મારે દોડવું નથી, જિંદગીની સાથે મારે ચાલવું છે. જિંદગીને મારે માણવી છે…’
ડૉક્ટર
વીજળીવાળાના સખી, જીવનસાથી, પત્ની એવાં કૃતિકાબેન પણ જુદી માટીના માનવી છે. તેઓ હાયર સેકન્ડરી સ્કૂલમાં સાયકોલોજીના શિક્ષક છે. એક સ્પષ્ટ વિચારધારા અને સાદગીને વરેલાં કૃતિકાબેન સર્જકના સાથીદાર માટે એકદમ ખૂલીને વાતો માંડે છે.
કૃતિકાબેન
કહે છે, ’મૂળ તો હું ગાંધીયન વિચારસરણીને વરેલાં યુગલ પ્રવીણભાઈ અને વિનોદબેનનું સંતાન. અમરેલી નજીકના બાબપુર ગામની સર્વોદય સંસ્થામાં ભણી અને એ જ સંસ્કાર
તથા કેળવણી આજે પણ મારી અંદર મેં જીવાડી રાખ્યાં છે. કહેવાઈએ જૈન પણ અમને ધર્મ અને નાત–જાત કરતાં માનવધર્મને વધુ ઉંચો ગણવાનું શીખવવામાં આવ્યું. બારમું ધોરણ પાસ કરીને હું વડોદરા ભણવા ગઈ. સાયકોલોજીના વિષય સાથે માસ્ટર્સ કર્યું અને પછી બી.એડ્ ભણી. સાયકોલોજીના અભ્યાસ દરમિયાન શરીફાબેન વીજળીવાળા સાથે મારે પરિચય થયો. અમે બંને એક જ હૉસ્ટેલમાં રહેતાં.
બંનેના શોખ કોમન એટલે વાતચીત બાદ બહેનપણાં બંધાયા. બંનેએ પન્નાલાલા પટેલ, ધૂમકેતુ, ક.મા. મુનશી, શરદબાબુ, મેઘાણી, દર્શક, ર.વ.દેસાઈથી માંડીને અનેક લેખકોને વાંચેલાં. ર.વ.દેસાઈની કૃતિ ભારેલો અગ્નિ લગભગ દસેકવાર વાંચી હશે.
આ
દોસ્તીમાં જ મારે યુનુસ
સાથે ઓળખાણ થઈ. એમના માટે મને પહેલેથી બહુ માન હતું. એમની જીવનસંગીની બની એ પછી તો
એમના પ્રત્યેના માનમાં અનેકગણો વધારો થઈ ચૂક્યો છે. એ દિવસોમાં યુનુસ
પ્રત્યેના આદરને કારણે ઓળખાણ થઈ. જો કે, એ વાત મારા
મનમાં બહુ સ્પષ્ટ હતી કે, ગમે તેને પરણીશ પણ ડૉક્ટરને તો નહીં જ પરણું. ડૉક્ટરના વ્યવસાયમાં
રહેલી બદીઓ મને બહુ દુઃખી કરે તેવી હતી. એટલે ડૉક્ટરના વ્યવસાય પ્રત્યે મને અણગમો હતો. જો કે, એ તમામ સવાલોનું
નિરાકરણ ડૉક્ટર સાથે લગ્ન થયાં એ પછી મળી
ગયું. આ વ્યવસાયમાં પણ
તમે મનથી ચોખ્ખાં રહીને કામ કરી શકો એવું મેં જોયું.
યુનુસ
આમ તો મારા કરતાં પાંચ વર્ષ મોટાં. વળી, એમની સાથે લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું ન હતું. ફ્રેન્ડના ભાઈ
તરીકે જ હું એમને
જોતી હતી. અભ્યાસ પૂરો થયો એના એક જ મહિનામાં મને
ભાવનગરમાં નોકરી મળી ગઈ. યુનુસ પણ અહીં જ નોકરી કરતા
હતા. એ દિવસોમાં હું
એમના ઘરે મળવા જતી. અમે હૉસ્પિટલે પણ મળતાં. જો કે, એવી કોઈ લાગણી એ સમયે મને
નહોતી થઈ. એક દિવસ યુનુસે એની કવિતાઓ મને કહી, લેખન–વાચનની વાતો થઈ. અમે રસ્તા ઉપર ચાલીને જતાં હતાં. મેં પૂછ્યું હવે હું જાઉં? અને યુનુસના દિલની વાત એના શબ્દો બનીને આવી ગઈ કે, કૃતિકા મને એમ થાય છે કે, તું મારી પાસેથી કોઈ દિવસ ન જાય તો?’
આ
જ વાત ડૉક્ટર
વીજળીવાળા આવી જ ઉત્કટતાથી આજે
યાદ કરીને કહે છે. આ વાત કહેતી
વખતે એમની આંખો વરસી પડે છે. ડૉક્ટર કહે છે, ‘કૃતિકાને
હું ચાહવા માંડેલો. કેટલીય વખત દિલની વાત મનમાં બોલ્યો હોઈશ પણ હિંમત નહોતી થતી. મને એવું થતું હતું કે, કૃતિકા જેવી યુવતી મારી લાઇફમાં થોડી હોય? વળી, પ્રપોઝ કરવાની હિંમત પણ નહોતી થતી. મારી અંદર રહેલો મેલ ઈગો ના સાંભળવા માટે તૈયાર ન હતો. વળી, ધર્મ અલગ–અલગ છે એ વિચાર પણ
મનને સતાવતો. પણ એક દિવસ હિંમત કરીને કહી જ દીધું. કૃતિકાએ ઘરે
જઈને એના માતા–પિતાને વાત કરી. એમણે એક પણ સવાલ વગર દીકરીની પસંદને સ્વીકારી લીધી.’’
કૃતિકાબેન
કહે છે, ’યુનુસના સ્વભાવની સલૂકાઈ અને સાદગી મને બહુ સ્પર્શી ગયેલી. જિંદગી માટેની બંનેની વિચારસરણી લગભગ સરખી હતી. મને એમ થયું કે, જીવનસાથી તરીકે આ વ્યક્તિ યોગ્ય
છે. ઘરે જઈને મેં મારા મા–બાપને વાત કરી. એ બંને તો
ગાંધીયન વિચારસરણીને જ જીવતાં હતાં.
એમણે મારી વાત અને પસંદગીને વધાવી લીધાં. નોકરી શરૂ કરેલી એના થોડાં મહિના બાદ જ યુનુસે મને
પ્રપોઝ કરેલું. અમે 14મી જૂન 1990ના પરણી ગયાં. દસ રૂપિયામાં અમારું રજિસ્ટર મેરેજ સંપન્ન થયેલું. યુનસના મિત્ર ડૉક્ટર કાકડિયા સાક્ષી બન્યા હું મમ્મી–પપ્પાના ઘરેથી બસમાં આવી. યુનુસ હૉસ્પિટલથી આવ્યા. અમે કોર્ટમાં ગયાં. રજિસ્ટર મેરેજ કરીને યુનુસ મને ઘરે મૂકીને હૉસ્પિટલે એમની ડ્યુટી કરવા નીકળી ગયાં. સાંજે અમે મારા સાસુ–સસરાને પગે લાગવા ગયેલાં. જો કે, લગ્ન પછી મારા માતા–પિતાએ એક સાદગીભર્યું રિસેપ્શન ગોઠવ્યું હતું. એ લગ્ન પછી
પણ આજે હું કૃતિકા પ્રવીણભાઈ શાહ જ છું. અમારી આટલાં
વર્ષોની દોસ્તીમાં, પ્રેમમાં, દાંપત્યમાં ક્યારેય કોઈ દિવસ બંનેનો ધર્મ આવ્યો જ નથી. કેમકે, હું પણ
માનવધર્મને માનું છું અને યુનુસ પણ એ માનવતામાં જ
માને છે.’
ડૉક્ટર
વીજળીવાળાના વ્યક્તિત્વનું એક અલગ જ પાસું કૃતિકાબેન
મૂકી રહ્યાં છે. એ કહે છે,
’યુનુસની પ્રેક્ટિસ ધીકતી ચાલતી હતી. અમારી દુનિયામાં તર્જની આવી. દીકરી છ મહિનાની થઈ
એટલે હું ફરી નોકરીએ લાગી ગઈ. એ દિવસોમાં યુનુસ
બપોરે સાડાબારે પોતાના ક્લિનિક પર જતાં આવું એમણે સાત વર્ષ સુધી કર્યું. મારો મહિને દિવસે કૂલ પગાર આવતો એટલી એની એક દિવસની પ્રેક્ટિસ હતી. પણ એણે મને એકપણ વાર એવું નથી કહ્યું કે, તું નોકરી મૂકી દે. દીકરીને અમારે આયાબેન પાસે રાખવી ન હતી. બેમાંથી એક
તો જોઈએ જ એવો અમારો
નિયમ હતો. સેક્રિફાઈસ કરીને પણ કોઈ ભાર ન રાખવો, આટલી સહજતા
અને સરળતા બધાં જ વ્યક્તિત્વો લઈને
નથી જન્મતાં હોતાં.’
બાજુમાં
બેઠેલી ત્રેવીસ વર્ષની તર્જની કહે છે, ’એ દિવસો બહુ
મજાના હતાં. પપ્પા મને ચોટલો ઓળી દેતાં. મારી સાથે રમતાં. મને જાત–જાતની વાર્તાઓ કહેતાં. મારું ફેન્ટસી વર્લ્ડ પપ્પાની વાર્તાઓને કારણે જ ખીલ્યું છે.
હું ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું ભણી છું. હવે ફેશન ડિઝાઇનિંગમાં જવાની છું. મારી કલ્પનાઓને કોઈ સીમાડા નથી એ બધું જ
પપ્પાને આભારી છે.’
ડૉક્ટર
વીજળીવાળા એમની લાયબ્રેરી–ઓફિસનું એક મોટું ખાનું બતાવીને કહે છે, ‘આ તમામ પુસ્તકો
મેં તર્જની માટે વાંચ્યા છે. એના દરેકે–દરેક સવાલનો સાચો અને વ્યવસ્થિત જવાબ મારી પાસે રેડી જ હોય. રોજ એક
નવી અને મારી રચેલી વાર્તા એને હું કહેતો. શબ્દો સાથેનું બંધાણ તો નાનપણથી જ હતું એમાંથી
જ લખાણ તરફ
સફર વધતી ચાલી.’
બહુ
નાની ઉંમરે જ એમનું લખવાનું
શરૂ થઈ ગયેલું. અગિયારમા ધોરણમાં ભણતા હતા ત્યારે ‘કોનો વાંક’ એ ટાઇટલ સાથે
એમની નવલિકા મુંબઈ ‘જનસત્તા’માં છપાઈ હતી. એ પહેલાં દસમા
ધોરણમાં તેમણે એક બુક માટે સો પાનાં લખ્યા હતાં. એ બુકનું નામ
હીરાનો ખજાનો. આ બુકની પણ
રસપ્રદ વાત એ છે કે,
ડૉક્ટર વીજળીવાળાને નાનીબેન શરીફાનો સુરતથી ફોન આવ્યો કે, એમની પાસે પડેલાં પુસ્તકો અને કાગળો વચ્ચે સો પાનાં હીરાના ખજાના ટાઇટલના મળી આવ્યાં છે.
ડૉ.
વીજળીવાળાએ એ ભાવનગર મંગાવી
લીધાં. 26 વર્ષ પછી એમણે 101મું પાનું લખ્યું અને વાર્તા પૂરી કરી. આ વાર્તા એમણે
દીકરીને સંભળાવી. દીકરીએ ધ્યાનથી સાંભળી અને પછી એ પિતા સાથે
ત્રણ દિવસ ન બોલી. તર્જની કહે
છે, ‘આ વાર્તામાં એક
પાત્ર છે અબીરા. એનું ઘર ગયું, પત્ની ગઈ અને પછી એ પણ ગૂમ
થઈ ગયો. મેં પપ્પાને કહ્યું કે અબીરા કેટલું સરસ પાત્ર છે એને પાછું લાવો. પપ્પાએ પ્રોમિસ આપ્યું કે, હા એ પાછું લઈ
આવીશ. પછી જ હું એમની
સાથે બોલી. એ પછી તો
સાથીદારની શોધમાં નામે એ બુક લખાઈ.’
ડૉક્ટર
વીજળીવાળા બહુ નિખાલસતાથી કબૂલ કરે છે કે, ’હા, એ બીજો ભાગ
તર્જનીને જ આભારી છે.
બાળ આરોગ્ય શાસ્ત્ર સૌથી પહેલું પુસ્તક આવ્યું જેની આઠમી એડિશન અત્યારે વેચાઈ રહી છે. 2002-3ની સાલમાં કંઈક જુદું લખવાનું શરૂ થયું. ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા કરતા કેટલાંક એવા પ્રસંગો વાંચવામાં આવ્યા કે જે વાંચીને મારું દિલ વધુ જોરથી ધડકવા લાગ્યું. મેં એ પ્રસંગોનો અનુવાદ
કર્યો. એકદમ સરળ અને સાદાં શબ્દ વાપરીને મેં એ નાની–નાની
વાર્તાઓ અલગ તારવી. કૃતિકાને વંચાવી. એને પણ બહુ પસંદ પડી. એ મેં અનેક
જગ્યાઓએ છાપવા મોકલી પણ કોઈએ રસ ન બતાવ્યો. અમે એવું
નક્કી કર્યું કે નજીકના લોકોને આની કોપીના પ્રિન્ટ આઉટ આપીએ એ લોકોને વાંચવું
ગમે તો બધાંને ગમશે.
વાત
એમ બની કે, પ્રકાશકોએ આ લેખો રિજેક્ટ
કર્યાં. એ પછી અમે
ઈમેજ પબ્લીકેશનમાં આ લેખો મોકલ્યાં.
એ લોકોએ પણ
ના કહી. વચ્ચેનો રસ્તો કાઢીને બુક્સ છપાવી. પણ એમાં અમે પ્રિન્ટિંગ કોસ્ટ આપી. એ પછી અઢીસોના
બદલે અમારે સાડા સાતસો બુક છપાવવી પડી. આ સાડા સાતસો
બુક માર્કેટમાં આવી એના પંદર જ દિવસમાં મારે
બીજી પાંત્રીસો નકલ છપાવવી પડી. મોતીચારો લખ્યો એ પ્રકારનું વાચન
લોકોને પસંદ આવવા માંડ્યું. આજે મારી ચોવીસ બુકની કુલ પોણા આઠ લાખ નકલો વેંચાઈ ગઈ છે.’
આ
વાતની સાથે જ ડૉક્ટર વીજળીવાળા
એક બહુ જ રસપ્રદ પ્રસંગ
શેર કરે છે. મારા
‘પાંદડે પાંદડે દીવા’ નામના પુસ્તક વિમોચનમાં ઈમેજ પબ્લીકેશનના સુરેશ દલાલ આવેલાં. એમણે પોતાના પ્રવચનમાં ખુલ્લા દિલે કહ્યું હતું કે, પુસ્તકો છાપવાની બાબતમાં કે લેખકોની પસંદગીની બાબતમાં હું મારી જાતને બહુ પરફેક્ટ માનતો હતો. પણ ડૉ. વીજળીવાળા માટે હું માર ખાઈ ગયો, ખોટો પડ્યો. એમણે જે લખાણ લખેલું એ નહીં ચાલે
એવું મેં એમને કહેલું. પણ હું ખોટો પડ્યો અને એમનું લખાણ વાચકોએ પસંદ કર્યું.
કૃતિકાબેન
કહે છે, ‘યુનુસ જે લખે એનો એકેએક શબ્દ હું વાંચુ. કેટલીક વખત તો એણે જે લખ્યું હોય એની ચર્ચા પણ કરીએ. ઘણી બધી વખત તો કોઈ પ્રસંગ, ભાવાનુવાદ કે અનુવાદ વાંચીને અમે સાથે રડી પડીએ. કેટલું સરસ લખાયું છે તેની ચર્ચા કરીએ. જે–તે વ્યક્તિની વાત હોય તો એની માનસિકતા અને એના વિચારો તથા તેની સંવેદનાની વાતો કરીએ. એમનું લખેલું આમ તો મારી નજર તળે પસાર થયું ન હોય એવું
કોઈ દિવસ બન્યું નથી. હું ઓકે કરું પછી જ વાત આગળ
વધે. ઘણી વખત વાચકોની નજરે આ સારું નહીં
હોય એવો અભિપ્રાય આપતા પણ હું ખચકાઉં નહીં. યુનુસે જ્યારે એના આત્મકથાનાત્મક લેખો લખવા માંડ્યા ત્યારથી એ લખાણો મને
સૌથી વધુ પસંદ પડવા લાગ્યા. એની એ આગમાં, વ્યથામાં, કથામાં, વાતમાં, સંવાદમાં, સંવેદનામાં, લાગણીમાં, દર્દમાં ક્યાંકને
ક્યાંક હું કોઈને કોઈ રીતે જોડાયેલી છું. સાયલન્સ પ્લીઝ અને એ પછીની આ
સિરીઝના તમામ પુસ્તકોના લેખો યુનુસ જેવા જ નિર્મળ, પારદર્શી અને
નિષ્પાપ છે.’ પતિના શબ્દોનો અને સંવેદનાનો આટલો ઉચ્ચ સ્તરનો આદર જોઈને હૈયું રાજી થાય એ વાતમાં બે
મત નથી.
દીકરી
તર્જની વિશે વાત કરતા ડૉ. વીજળીવાળા કહે છે, ‘તર્જનીએ મને તથા મારા લખાણને મેચ્યોર કર્યો છે.
બાળકોને લગતી વાત હોય કે બીજાં કોઈ વિષયની વાત હોય એના ફીડબેક એ આજની જનરેશનના
પ્રતિભાવો છે. ક્યાંય કંઈ ઓડ લાગે કે બંધબેસતું ન લાગે તો
કૃતિકા તો મારું ધ્યાન દોરે જ પણ તર્જનીની
વાત મને સવિશેષ અસર કરે છે. એના
બાળપણના સાત વર્ષો મારા માટે બહુ મહત્ત્વના રહ્યાં છે. એ દિવસોમાં કૃતિકાનું
નોકરી કરવું અને એનું આત્મસન્માન જળવાય એ જરૂરી હતું.
મને ત્યારે એવું જ થયું કે,
તર્જની આવી છે તો એ એની ઉંમર
વધશે એમ મોટી તો થઈ જશે પણ એની ઉંમરનો એ ટુકડો મને
ફરી જીવવા નહીં મળે. ભવિષ્યમાં રૂપિયા પણ આવશે પણ એના આ સાત વર્ષ
ફરી પાછા નથી મળવાના. એ વર્ષો મેં
તથા દીકરીએ એન્જોય કર્યાં છે. એના બાળપણની સાથે હું પણ એના સાથને જીવ્યો છું. પછી તો કૃતિકાના મમ્મી–પપ્પા અમે રહેતાં હતાં એ જ બિલ્ડીંગમાં
રહેવા આવી ગયા એટલે સાત વર્ષ બાદ તર્જની નાના–નાની સાથે સવારના સમયે રહેવા લાગી. એ પછી મેં
સવારના સમયની બંધ કરી દીધેલી પ્રેક્ટિસ શરૂ કરી.’
તર્જની
કહે છે, ‘મને તથા મારા બાળપણને પપ્પાએ ખીલવા દીધું. મને કોઈ દિવસ એવું નથી કહ્યું કે, આમ નહીં કરવાનું કે તેમ નહીં કરવાનું. મને જે ગમ્યું એમાં મને હંમેશાં પ્રોત્સાહન જ આપ્યું છે.
એમની લગભગ દરેક કૃતિ મેં સાંભળી છે. રોજ રાત્રે એક નવી વાર્તા મને સાંભળવા મળતી એ મારા માટે
સૌથી મહત્ત્વનું હતું. મારી લાગણી કે મારો પ્રતિભાવ કેટલો મહત્ત્વનો છે એ મને હીરાના
ખજાનાના અબીરા નામના પાત્રના રિસ્પોન્સ સમયે જોવા મળ્યું. પછી તો એની સિરીઝ થઈ એ તમામે તમામ
રચના મને બહુ જ ગમે છે.
આજે પણ મારાં કઝિન્સ વેકેશનમાં આવે ત્યારે અમે પપ્પાના ફ્રી થવાની રાહ જોઈએ. ફેન્ટસી વર્લ્ડની અવનવી વાતો સાંભળીને અમે બહુ જ આનંદિત થઈ
જઈએ છીએ. પપ્પાની ક્રિએટિવિટી મારા દિલની નજીક રહી છે. મારો જન્મદિન હોય ત્યારે મને ગિફ્ટમાં હંમેશાં પુસ્તકો જ મળ્યાં છે.
ક્રોસવર્ડમાં જઈને મને ગમે તેટલી બુક્સ ખરીદવાની છૂટ મને મારા જન્મદિવસે મળે છે. હું મોટાં મોટાં બે–ત્રણ બાસ્કેટ ભરીને બુક્સ ખરીદું એનો રાજીપો પપ્પાના ચહેરા ઉપર દેખાઈ આવે છે. વળી, આ બુક્સ વાંચીને
એ વિશે પપ્પા
સાથે ચર્ચા કરું એટલે મારી જાણેલી વાતમાં બીજી બે નવી વાતનો ઉમેરો થાય એ અલગ.
સૌથી
વધારે મને પપ્પા સાથે ફરવું બહુ ગમે છે. નવી નવી જગ્યાઓની એવી માહિતી એ આપે જે
આપણે ક્યાંય વાંચી પણ ન હોય. હમણાં પપ્પા
ઈજિપ્ત પર પુસ્તક લખવાનું વિચારે છે. એનું રિસર્ચ ચાલે છે. એ માટે અમે
ઈજિપ્ત જઈશું. એ મારા માટે
યાદગાર ટ્રીપ હશે.
મારા
પપ્પા સારા ડૉક્ટર તો છે જ, એનાથી અચ્છા હ્યુમન બીઈંગ છે. તમને એક નહીં અનેક ખૂબી કહું પપ્પાની. એમને ડ્રાઈવિંગનો જબરો ક્રેઝ છે. એ કોઈ દિવસ
પ્રેક્ટિસ કરીને થાકતાં નથી. કોઈ દિવસ ડ્રાઈવિંગનો એમને થાક નથી લાગતો. અમારા ઘરની દરેકે દરેક ચીજ એ રિપેર કરી
જાણે છે. લેપટોપથી માંડીને ઘરનો નળ ખરાબ થઈ ગયો હોય તો પ્લમ્બીંગનું કામ પણ પપ્પા કરી જાણે. કંઈ પણ નવું શીખવું એટલે એમને માટે રમત વાત છે. સંસ્કૃત વિષય સાથે મેડિકલ લાઈનમાં આગળ ભણવું હતું તો એમણે બારમા ધોરણની સંસ્કૃતની પરીક્ષા આપી. એ પછી એમબીએ
કર્યું. હેકિંગનો
અભ્યાસ કર્યો. વેબ ડિઝાઈનિંગથી માંડીને અનેક વસ્તુઓ એમને આવડે છે. મારે કોઈ દિવસ નાનું–મોટું કંઈપણ કામ હોય પપ્પા એનું બેસ્ટ સોલ્યુશન લાવી દે. અત્યારે મારા ઉચ્ચ અભ્યાસ માટે દેશ–વિદેશની યુનિવર્સિટીમાં તપાસ કરીએ છીએ તો મને કોઈ વાર એ બધી વાતમાં
કંટાળો આવે કે ફોર્મ ભરવાનું હોય તો ઊંઘ આવવા માંડે. પપ્પા તરત કહી દે કે, તું તારે સૂઈ જા હું બધું જ
કમ્પલિટ કરીને જ સૂઈશ. એક વાત
હજુ કોઈને ખબર નથી કે મારા પપ્પા એક બહુ જ સારા ચિત્રકાર
છે.’
પિતા
માટે અનન્ય આદર, પ્રેમ ધરાવતી તર્જની પણ એટલી સંવેદનશીલ છે કે, વાતો કરતાં કરતાં એની આંખો પણ કેટલીયવાર ભીની થઈ જતી હતી. મમ્મી–પપ્પા એમની લાગણી અને સંવેદનાની વાત કરે ત્યારે પણ એ સાંભળતા સાંભળતા
એ બંનેની સાથે
તર્જનીના આંસુ પણ છલકી આવતાં હતાં.
ડૉક્ટર
વીજળીવાળા એક સમયે સવારના સાડા આઠથી માંડીને રાતના બે–બે ત્રણ ત્રણ વાગા સુધી પેશન્ટ્સને તપાસતા હતાં. જો કે હવે બધું મર્યાદિત કરી દીધું છે. લખવા માટે કોઈપણ વિષય નક્કી કરે એટલે એના ઉપર પીએચડી થીસિસ લખવાનું હોય એટલું સંશોધન કરે. પોતાને સરળ ભાષામાં સમજાય નહીં ત્યાં સુધી એ વાતને વારંવાર
વાંચે અને સમજે. પછી જ શબ્દોમાં ઉતારે.
તેઓ કહે છે, મારા માટે પ્રેક્ટિસ કરવી એ પવિત્ર કામ
છે. લખવું એ સહજ વાત
છે. મને કોઈ વાતનો થાક જ નથી લાગતો.
મને તો ઘણીવાર એવું લાગે છે કે, આ આખી દુનિયા
કેટલી સરસ છે. મને આ દુનિયામાં જન્મ
આપીને ઈશ્વરે બહુ સારું કર્યું છે. કેટલું બધું જીવવા જેવું છે, કેટલું બધું જાણવા જેવું છે. મને આ દુનિયાનું બધું
જ બહુ ગમે
છે. ઉદ્વેગ અને અણગમો એટલે શું એ મને ખબર
જ નથી. શબ્દો લખી
શકું છું એ લોકોને ગમે
છે તો મને વધુ આનંદ આવે છે.
‘સર્જકના
સાથીદાર’ની આ સફરમાં આ
વખતના સર્જક ડૉકટર આઈ. કે. વીજળીવાળાના સાથીદાર અને દીકરીએ સર્જકની લેખન પ્રક્રિયાની અનેક દિલને સ્પર્શી જાય એવી વાત કહી. મોતીચારો, સાઈબેરીયન
પક્ષીની કથા અજોડ, અંતરનો ઉજાસ, અંતરિક્ષની સફરે, બાળ આરોગ્ય શાસ્ત્ર, બર્મ્યુડા ટ્રાંયેગલ, હીરાનો ખજાનો, હૂંફાળા અવસર, કાળની કેડીએથી, કેડીઓ કલરવની, લોલટુનની ગુફાઓમાં, મનનો માળો, પ્રેમનો
પગરવ, સમયને સથવારે, સાયલન્સ પ્લીઝ, સાથીદારની શોધમાં, શબ્દની સુગંધ જેવા પુસ્તકોના શબ્દોની સફરમાં સફળતા સુધીના સાથીદાર તર્જની અને કૃતિકાબેનના પણ એટલાં જ ડગલાં છે
એવું લખું તો વધુ પડતું નહીં લાગે.