
જન્મ
સાથે જ જેનો શબ્દોની
દુનિયામાં જ ઉછેર થયો
હોય એ વ્યક્તિના લેખન
વિશેની આજે વાત છે. એમનું નામ છે અમીષા શાહ. કવિતા, સ્ક્રીપ્ટ રાઇટિંગ, સટીક વન લાઇનર, પેટ દુઃખી જાય ત્યાં સુધી હસાવી શકે તેવી બહુમુખી પ્રતિભાના માલિક એવા મૃગાંક શાહની ક્રિએટીવિટીની વાત છે. બંને વ્યક્તિઓ શબ્દોના આરાધક હોય ત્યારે એ ઘરમાં ધબકતી
દુનિયા કેવી રીતે જીવાતી હશે? શબ્દોના સાથીઓ વચ્ચે કેવી કેમેસ્ટ્રી સર્જાતી હશે? વડોદરાના ‘હમ–તુમ‘ નામના બંગલાની ઈંટો પણ આ સાથીના શબ્દોની
સાક્ષી છે. બંને એકબીજાંના સાથીદાર છે એવા સર્જકોની મુલાકાત.
કોઈ
મિત્રને બહુ નજીકથી જાણતાં હોઈએ, ઓળખતાં હોઈએ, એમની સંવેદના–વેદના બંનેને એક નહીં અનેકવાર અનુભવી હોય તેમના વિશે લખવાનું આવે ત્યારે મન વિચારે ચડી જાય. અમેરિકાના એટલાન્ટા શહેરની ગરમીમાં આ લખવા બેઠી
છું ત્યારે એ મિત્રોની હૂંફ
મને સ્પર્શી રહી છે. એ સર્જક મિત્ર
યુગલ એટલે અમીષા શાહ અને મૃગાંક શાહ.
પદ્મશ્રી
અને જાણીતા લેખક ગુણવંત શાહના દીકરી અમીષા શાહને મોટાભાગના લોકો અમી નામથી જ સંબોધે છે.
તેઓ જીવનસાથી મૃગાંક સાથે વડોદરા રહે છે. સરસ મજાના ઘરનું નામ છે ‘હમ–તુમ‘. આ ઘરની સજાવટ
ઊડીને આંખે વળગે તેવી છે. નોખી ભાત પાડતાં ઘરમાં ભારતીય અને વિદેશી સજાવટની અનેક ચીજો, શો–પીસ મન મોહી લે તેવાં છે. ડ્રેસિંગની વાત હોય કે ઘર સજાવટની વાત હોય એસ્થેટીક સેન્સ અને મોર્ડન લૂક બંનેનો સંગમ એટલે અમીષા શાહ. લેખનની દુનિયામાં આદર સાથે લેવાતાં નામ એવા ગુણવંત શાહ અને અવંતિકા શાહના ઘરે જન્મ એટલે આ દીકરીનો ઉછેર
તો શબ્દોના સંસ્કારો સાથે જ થયો છે
એવું કહું તો વધુ પડતું નથી.
એમના
જીવનસાથી એટલે મૃગાંક શાહ. આ બંનેને અલગ–અલગ મળો તો એમ લાગે છે બંને બહુ જ જુદાં સ્વભાવના
વ્યક્તિઓ છે. પણ બંનેને સાથે મળો એટલે આ યુગલનું એકત્વ
એમની તાકાત બનીને દેખાઈ આવે. એકબીજાંના વિચારોનો આદર અને શબ્દોનો સ્નેહાદર ઊડીને આંખે વળગે. આ એવું યુગલ
છે જેમને મળો તો એમની સાથેની વાતોનો ખજાનો ખૂટે જ નહીં. મિત્ર દાવે
હું એટલું લખી શકું કે, આ બંને સાથે
તમે કોઈપણ વિષય પર એમની સાથે ચર્ચા કરી શકો, વાતો કરી શકો, ગપ્પાં મારી શકો. ‘હમ–તુમ‘ બંગલાના ઘરના ફળિયામાં એક સરસ મજાનો હીંચકો છે. બંગલાની ફરતે લીલીછમ્મ હરિયાળી છે. જેનું એક–એક પાંદડું અમીષાની સંવેદનાઓ ઝીલે છે. ઘરના બગીચાની લોન સુકાઈ જાય કે કોઈ ઝાડ બળી જાય તો એનું દુઃખ અમીષાબેનના ચહેરા પર દેખાઈ આવે. સંવેદના અને શબ્દો બંને એકઠાં થાય ત્યારે નવગુજરાત સમય દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘મહેફિલ‘
સર્જાય– કવિતા લખાય તો વળી સાંજ સમાચારમાં ‘ગુફ્તગૂ‘ થાય. જી હા, ગુજરાતી સાહિત્યમાં પહેલી વખત કોઈ યુગલ સાથે મળીને લખે છે તેવો પ્રયોગ થયો છે. આ કૉલમનું ફોર્મેટ
એવું છે કે, તેમાં મૃગાંકભાઈની કવિતા હોય અને એ કવિતાના હાર્દ
સ્વરુપે કે એ કવિતામાં આવતી
વાતો સાથે આજની વાતો જોડાયેલી હોય. લખાયેલી કવિતાનો રસાસ્વાદ નથી આમાં પણ લખાયેલી કવિતા અને એની સાથેના લેખ બંનેની અલગ–અલગ ઓળખ છે આ લેખમાં. 2010થી મૃગાંકભાઈ
કવિતાઓનું સર્જન કરે છે. લગભગ ત્રણેક હજાર કવિતાઓ તેમણે લખી હશે. તેમના બે કાવ્યસંગ્રહો વજૂદ અને વર્ટિકલ્સ રિલીઝ થયાં છે. અમીષાબેને સંજય વૈદ્ય સાથે મળીને થેંક્યુ પપ્પા, મૃગાંકભાઈ સાથે મળીને થેંક્યુ મમ્મી નામના પુસ્તકોનું સંપાદન કર્યું છે. એ ઉપરાંત તેમણે
શબ્દે શબ્દે સેતુબંધ અને ગુફ્તગૂ– ગુણવંત શાહ સાથે નામના પુસ્તકનું સંપાદન પણ કર્યું છે. મૃગાંકભાઈએ પાંચ નાટકો લખ્યા છે. પિક્ચર હજુ બાકી છે દોસ્ત નામના નાટક પરથી જ તેમણે ફિલ્મ
લખી સુપર સ્ટાર. મૃગાંકભાઈએ હવે મને સારું છે, અહીં અને અત્યારે જ એમ બે
સેલ્ફ હેલ્પના પુસ્તકો પણ લખ્યાં છે. તેમના વન લાઇનરની એક પૉકેટ બુક મનનાં ડ્રાયફ્રૂટ્સ પણ વાચકોએ બહુ વખાણી છે. અમેરિકા
અને લંડનમાં મૃગાંકભાઈએ વાહ જનાબ નામના કાર્યક્રમો કર્યાં છે. કવિતા અને સેન્સ ઑફ હ્યુમરનું ગજબ કોમ્બિનેશન મૃગાંકભાઈમાં જોવા મળે છે.
મૃગાંકભાઈની
એક કવિતા જે આ લેખને અંતે
લખી છે. છેલ્લે તો આપણે બે જ હોઈશું તેને
મનહર ઉધાસે સ્વર આપ્યો છે. મૃગાંકભાઈના હાથે લખાયેલી આ કવિતા અમીષાબેનની
ફેવરિટ છે. એ કહે છે,
આ અમારા સંબંધને
રીફલેક્ટ કરે છે. આ કવિતા લખાઈ
એ પછી એટલી
બધી જગ્યાએ સોશિયલ મિડીયામાં આવી છે કે તેની કોઈ વાત થાય તેમ નથી. અમીષાબેન કહે છે, ”એ કવિતા લખાઈ
ત્યાર પછી થોડા જ સમયમાં અમને
ખબર પડી ગઈ કે, આ અદ્ભુત કવિતા
લખાઈ છે. નામ વગર સોશિયલ મિડીયામાં આ કવિતા ફરતી
હતી ત્યારે કેલિફોર્નિયા રહેતી મિત્ર શિવાની દેસાઈએ કોઈને કહ્યું કે, આ કવિતા મૃગાંક
શાહની છે. લખનારને ક્રેડિટ ન મળે ત્યારે
થોડું દુઃખ થાય અને જ્યારે એ આપણાં દિલની
નજીકની વ્યક્તિ અને એની જ કૃતિની વાત
હોય ત્યારે આ વાત વધુ
પિંચ કરતી હોય છે.” આ કવિતા વડોદરાના
જાણીતા ન્યૂરો ફિઝીશીયન ડૉ. ભાવિન ઉપાધ્યાયે એમની હૉસ્પિટલમાં દર્દીઓના વેઇટિંગ એરિયામાં મસમોટી કલર પ્રિન્ટ કઢાવીને હાર્ડબોર્ડ પર મૂકાવડાવી છે. આ શબ્દોના સર્જકોની
સફરની સાથોસાથ તેમના પ્રણયની સફર પણ મજાની છે.
અમીષા
શાહ અને મૃગાંક શાહ બંને એમ.એસડબલ્યુમાં સાથે ભણતાં. અમીષાબેન મૃગાંકભાઈની જિંદગીમાં નહોતા આવ્યાં એ પહેલાથી મૃગાંકભાઈ
ગુણવંત શાહના ફેન. હજુ પ્રણયનો સેતુ નહોતો બંધાયો એ પહેલાં મિત્રોના
ગ્રુપમાં મૃગાંકભાઈએ બધાંને પૂછ્યું કે, ગુણવંત શાહને તમે લોકો વાંચો છો? પછી આગળ બોલે એ પહેલાં ગ્રુપમાં
બેઠેલાં અમીષાબેને કહ્યું, ખબરદાર છે જો કંઈ ગુણવંત શાહની વિરુદ્ધમાં કંઈ બોલ્યું છે તો. એમ કહીને એ તો ચાલી
નીકળ્યાં. એ પછી, મૃગાંકભાઈને ગ્રુપમાંથી
કોઈએ કહ્યું કે, આ અમીષા ગુણવંત
શાહની દીકરી છે. આ કિસ્સો બન્યો
એ પછી તો
બંને વચ્ચે પ્રણયના અંકુરો ફૂટ્યાં. બંને વચ્ચે પ્રેમ થયો અને એમના સહજીવનને આજે પચીસ વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
કૉલેજના
દિવસોમાં આ યુગલ બિનધાસ્ત
હરતું–ફરતું હતું. બધાં છાનેખૂણે ઘૂસપૂસ કરતાં હતાં. પણ એક દિવસ ગુણવંત શાહે લેખ લખ્યો કે, સફેદ ઘોડા ઉપર સવાર થઈને એક કોડીલો નવજુવાન આવે છે… એ પછી બધાં
બોલતાં બંધ થઈ ગયાં. કેમકે, એ દિવસોમાં આખી
કૉલેજમાં એક જ કોડીલા નવજુવાન
મૃગાંક પાસે થોડું યુનિક દેખાતું એવું સફેદ રંગનું બાઇક હતું.
સફેદ
રંગના ઘોડા પર સવાર થઈને આવેલા આ યુવાને અમીષાનું
હૈયું ચોરી લીધું હતું. અમીષાબહેને એમ.એસડબલ્યુનો અભ્યાસ પૂરો કર્યો એ પછી એમને
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર તરીકે જૉબ મળી. તેમણે સાત વર્ષ એ નોકરી કરી
એ પછી આગાખાન
ફાઉન્ડેશન માટે એક રિસર્ચ પ્રોજેક્ટ કર્યો. આખા ભારતમાં મૉન્ટેસરી શિક્ષણનો પાયો જેમણે નાખેલો તેમના ઇન્ટરવ્યૂઝ કરીને તેમણે આ થીસિસ પૂરો
કર્યો.
અમીષા
શાહ કહે છે, ”કૉલેજના દિવસોમાં કે એ પછીના વર્ષોમાં
અમે બંને કંઈ સર્જકો ન હતાં. પણ શબ્દોનો
પાયો બંનેમાં મજબૂત હતો એ હવે આકાર
પામીને આગળ આવે છે. અમે બંને કલાકો સુધી મ્યુઝિક, લિટરેચર, ફિલ્મો, પ્રવાસ, ટ્રેકિંગ વગેરે વિષયો પર વાતો પણ કરી શકીએ અને એ જ વસ્તુને
ફીલ પણ કરી શકીએ. બંનેના શોખ અલમોસ્ટ એકસરખાં છે. ”
મૃગાંકભાઈ
કહે છે, ”કૉલેજનો અભ્યાસ પૂરો થયો એટલે એક દિવસ મેં અમીષાને પૂછ્યું કે, આપણે ભણી લીધું અને કામે વળગી ગયાં એટલે આપણે આપણાં સપનાં ક્રશ કરી નાખવાના? મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું છે. મારે એક્ટર બનવું છે….”
અમીષાબેન
કહે છે, ”ફ્રેન્કલી કહું તો મારી એકલાં રહેવાની બિલકુલ તૈયારી ન હતી. હું એકલી
રહેવા માટે ટેવાયેલી નથી. મને જીવનસાથી મારી સાથે જોઈએ સાથોસાથ એનાં સપનાં પૂરાં ન થાય એવું
પણ હું ચાહતી ન હતી. હું કન્ફયુઝ્ડ
હતી એટલે અમે બંને મારા પિતા ગુણવંત શાહ પાસે ગયા. ભાઈએ મૃગાંકની વાતને સપોર્ટ આપ્યો. એ પછી મૃગાંક
1993થી 95
એમ બે વર્ષ માટે એનું નસીબ અજમાવવા મુંબઈ ગયો. ત્યાં એણે એક્ટિંગ, ડિરેક્શન, મોડેલીંગ વગેરે કર્યું. પણ સરવાળે એમાં કંઈ કમાણી ન થતી. મૃગાંક પરત
બરોડા આવી ગયો. પછી એણે મેડીકલ ઇક્વીપમેન્ટ્સનો બિઝનેસ નવ વર્ષ સુધી કર્યો. આ સહજીવનમાં અમે
ઘણી વખત કરિયરને કારણે જુદાં–જુદાં રહ્યાં. હું અમેરિકા એચવન બી વિઝા પર ગયેલી પણ મૃગાંક વગર લાંબો સમય ન રહી શકી
એટલે પરત આવી ગઈ. વળી, મારા વિચારથી એના કરતાં જુદું રહીને અમેરિકામાં ડૉલર કમાવવા એના કરતાં અમેરિકા કરતાં બેટર લાઇફ અમે અહીં સાથે રહીને જીવી શકીએ તેમ હતાં. ડૉલર અને અમેરિકાના મોહ કરતાં મૃગાંકનો મોહ મારા માટે ટોચ ઉપર હતો અને છે. અમેરિકા
હતી ત્યારે મને એવું લાગ્યું કે, અમારાં બંનેની જિંદગી અને વિચારો સાથે રહીને જ ખીલી શકે
તેમ છે. મેં એચવનબી વિઝા જતાં કર્યાં એ પછી એને
ગ્રીન કાર્ડ મળ્યું તો એ એણે જતું
કર્યું. સહજીવનની આ વ્યાખ્યા જીવવી
મને ગમે છે. મૃગાંકના કહેવા પ્રમાણે હું ઈન્ડીપેન્ડેન્ટ ખરી પણ ઇમોશનલ સપોર્ટ માટે મને મૃગાંક તો જોઈએ જ.
થોડા
સમય પહેલાં મૃગાંક બે ફિલ્મો સાથે સંકળાયેલો હતો. ગુજ્જુભાઈ ગ્રેટ અને સુપરસ્ટાર. એકમાં એસોસિયેટ પ્રોડ્યૂસર અને સુપરસ્ટારમાં કો પ્રોડ્યૂસર, સ્ટોરી, ડાયલૉગ, સ્ક્રીન પ્લે રાઇટર તરીકે. આ બંને ફિલ્મોના
કામ માટે એ ઘરથી દૂર
રહેતો. આ
વિયોગ દર વખતની જેમ મારા માટે થોડો અઘરો અને આકરો જ બની રહ્યો.
”
બહુ
જ સંવેદનશીલ અને
ક્રિએટીવ એવા અમીષાબેન કહે છે, ”અમારા બંને વચ્ચે કોઈ દિવસ ઇગો નથી આવ્યો. બંને વચ્ચે કોઈ દિવસ ઇગોના મામલે કંઈ ગરબડ નથી થઈ. અમારા બંનેનું સઘળું સહિયારું જ છે. એ પછી
બેંક બેલેન્સ હોય કે ચાઈલ્ડ લેસ બાય ચોઇસ રહેવાની વાત હોય. મૃગાંકે બાળક નહીં કરવાનો પોતાનો વિચાર મને કહેલો. જો કે, નિર્ણય મારા ઉપર છોડેલો. સંતાન નહીં કરવાનો નિર્ણય હા સુધી પહોંચતા મને ત્રણ વર્ષ લાગેલાં. વળી, હું તો ચાઈલ્ડ ડેવલપમેન્ટની સ્ટુડન્ટ, બાળકો પણ બહુ ગમે આથી વિચારવા માટે મને સમય લાગ્યો. જો કે, ઇમોશનલ હોવાને કારણે આજે પણ મનમાં એક સવાલ તો આવી જ જાય કે,
જો બાળક હોત તો એ દેખાવમાં કેવું
હોત..?”
સહેજ
વિચારે ચડી ગયેલાં અમીષાબેનને જોઈને મૃગાંકભાઈએ વાતનો દોર હાથમાં લીધો. અમીષાબેનના અઢળક વખાણો સાથે એમણે વાત માંડી. એ કહે છે,
”અમીષામાં જબરદસ્ત મલ્ટી ટાસ્કીંગ એબિલીટી છે. એ દરેક વસ્તુને
એટલી સરસ રીતે ઓર્ગેનાઇઝ કરી શકે છે કે, હું આજે પણ એની આ કાબેલિયતથી ઇમ્પ્રેસ
થઈ જાઉં છું. એની અંદર એક એવું તત્ત્વ રહેલું છે જે કિલિંગી ઇન્સ્ટીંક્ટ સાથેનું છે. કોઈ વસ્તુને કે મુદ્દાને હાથમાં લે તો એ પાર પાડીને
જ દમ લે.
એનાં કહેવા પ્રમાણે મારામાં ખાસી એવી ક્રિએટીવીટી છે. એનું પ્લાનિંગ અને મારી ક્રિએટીવીટીનું કોમ્બો હંમેશાં ચમત્કાર સર્જે છે.
બંને
ક્રિએટીવ દિમાગના છીએ. બંનેને વિચારો વ્યક્ત કરવાની, એકબીજાંના વિચારોને આદર આપવાની આદત જ છે. વળી, કોઈ વાત
કે વિચાર સાથે સહમતી ન હોય તો
એ પણ અમે
વ્યક્ત કરીએ. એમાં કોઈ વખત કોન્ફલીક્ટ પણ થાય. જો એવું થાય તો એની અસર અમારી સહિયારી ક્રિએટીવીટીમાં દેખાઈ આવે. અમે બંને જ્યારે ટીમ હોઈએ ત્યારે બેસ્ટ આઉટપુટ આપી શકીએ છીએ. અમે બંને એકબીજાં સાથે ઝઘડીએ છીએ એટલે જ સાથે છીએ.
મને લાગે છે કે, કેઓસમાંથી જ ક્રિએટીવીટી જન્મે
છે કેમકે હું એનાર્કિસ્ટ છું અને એ ઓર્ગેનાઇઝ કરી
શકે છે. એમાંથી જે સંવાદિતા જન્મે એ બેસ્ટ સર્જન
છે….”
અમીષાબેન
કહે છે, ”મૃગાંકમાં એટલી બધી ક્રિએટીવીટી છે કે, જો એના જેટલી સર્જનશક્તિ મારામાં હોય તો હું તો છાપરું ફાડીને બહાર આવું. જો કે, એકબીજાંના સર્જન વિશે વાત કરવાની આવે ત્યારે હું મૃગાંકથી જુદી પડું છું. હું મૃગાંકની સૌથી મોટી ક્રિટિક છું. કોઈવાર એની કવિતામાં ન મજા આવે
તો હું એને કહું કે આમાં ન મજા આવી.
સારું હોય તો કહું, ક્યા બાત હૈ… જ્યારે મૃગાંકનું એકદમ ઉંધુ. હું લેખ લખું એ પછી મૃગાંક
મારો સૌથી પહેલો વાચક. એ વાંચીને હંમેશાં
વખાણ જ કરે. સાડા ત્રણ
વર્ષથી હું કૉલમ લખું છું. મૃગાંકે કોઈ દિવસ મારી ટીકા નથી કરી. એની કવિતાઓ ઘણી વખત એ લખીને સીધી
ફેસબુક પર પોસ્ટ કરી દે ત્યારે હું વાંચું એવું બને. એની દરેકે દરેક કવિતા મેં વાંચી નથી. પણ મારો લેખ મૃગાંક વગર કે એનાં વંચાયા વગર આગળ જવો અશક્ય છે. વળી, હું તો ભાઈ–બા અને મૃગાંકને હસીને કહું કે, તમે ત્રણ તો મારા બાંધેલાં અને કમિટેડ રીડર્સ છો.
લખવાની
વાત આવે ત્યારે ઘણી વખત મને સરસ મજાનું ટાઇટલ ન સૂઝે તો
મૃગાંકને કહું. શીર્ષક આપવામાં એની માસ્ટરી છે. ઘણી વખત એવું બને કે, એ મને કવિતા
આપે અને એ વાંચ્યા પછી
હું એને એમ કહું કે, આ કવિતાની આસપાસ
લેખ નહીં સર્જાય. તું મને બીજી કવિતા આપ. ઘણી વખત તો હું એમ કહું કે, આ કવિતા મને
નથી ગમતી, આમાં વાચકોને નહીં મજા આવે કે પછી આ વિષય પર
મેં હમણાં જ લખ્યું છે
એવું પણ કહી દઉં. તો કોઈવાર મેક ટુ ઑર્ડર કવિતા લખાવડાવું. જેમકે થોડા દિવસો પહેલાં જ જન્માષ્ટમી ગઈ
તો મેં એને કહ્યું કૃષ્ણ પર કોઈ કવિતા લખી આપ. એણે લખી આપી, મારો લેખ તો તૈયાર જ હતો! કોઈ વખત
કોઈ ઘટના બની હોય કે સાંપ્રત બનાવ હોય તો એ પ્રમાણે પણ
હું એને કવિતા લખી આપવા કહું. આમ પણ હું મૃગાંક કરતાં ત્રણ મહિના મોટી છું એટલે મને દાદાગીરી કરવાનો અધિકાર છે… (આટલું કહીને ખડખડાટ હસી પડે છે. ) મજાની વાત એ છે કે,
મૃગાંક ગમે ત્યારે ગમે ત્યાં, કોઈ પણ માનસિક પરિસ્થિતિમાં લખી શકે છે. જ્યારે મને લખવા માટે શાંતિ જોઈએ. મારી ઓફિસ સંપર્ક કન્સલ્ટન્સી હું ઘરેથી જ ઓપરેટ કરું
છું. એ ઓફિસ શરુ
થાય એ પહેલાં મારે
લખીને ફ્રી થઈ જવું હોય. કેટલીકવાર તો મારાં ઘરે કામ કરતાં ગીતા બહેન કોઈ વાત પૂછવા આવે તો હું એમને સ્પષ્ટ કહી દઉં કે, ગીતાબેન તમને જે સૂઝે તે કામ કરો. અત્યારે મને લખવા દો. હા, ઘર અને ઓફિસ બંને વચ્ચે ટાઈમ મેનેજમેન્ટ અઘરું પડે છે. મારી કૉલમ બે ટુકડે લખાય છે.
આ
કૉલમ ચાલુ થઈ એનાથી મારામાં એ ફરક આવ્યો
કે હું હ્યુમન બિઈંગ તરીકે દિવસેને દિવસે વધુ ગ્રો થતી હોઉં એવું લાગે છે. મારી કૉલમ દર વખતે મારી અંદર કંઈક ઉમેરે છે. પણ લખતી વખતના વિચારો મને સતત ધબકતી રાખે છે.”
મૃગાંકભાઈ
એકદમ ધૂની માણસ છે. જ્યાં જાય ત્યાં વાતાવરણનું રુખ બદલી નાખે એવું એ વ્યક્તિત્ત્તવ છે.
એમના ધૂનીપણાંને અમીષાબેન સાચવે છે એને જાળવે છે. મૃગાંકભાઈ નિખાલસતાથી કહે છે કે, ”મારી અંદરની ક્રિએટીવીટીને અમીષાએ જ ખીલવાનો પૂરોપૂરો
મોકો આપ્યો છે. ઘરની તમામ જવાબદારીઓ અમીષાના માથે જ છે. હું ઘરની
જવાબદારીઓમાંથી મુક્ત રહી શક્યો હોંવ તો એ અમીષાની મલ્ટી
ટાસ્કીંગ એબિલીટીના કારણે જ તો વળી.”
અમીષાબેન
કહે છે, ”ભાઈ એવું કહે કે, મૃગાંક અમીષા વગર રખડી જાત પણ અમીષાને મૃગાંક જેવી વ્યક્તિ જ યોગ્ય છે.
ભાઈ એવું પણ ઉમેરે કે, મૃગાંક સાચો નહીં પણ સાચુકલો માણસ છે.”
પિતા
ગુણવંત શાહની વાત નીકળી એટલે મેં તરત જ પૂછ્યું કે,
કૉલમ શરુ થઈ એ પહેલાં કે
પછી એવો ભાર રહ્યો હતો કે, ગુણવંત શાહના દીકરી છો અને લખવાનું આવ્યું તો સરખામણી થશે?
અમીષાબેન
કહે છે, ”એવો કોઈ ભાર ક્યારેય લાગ્યો નથી. લખતી વખતે હું કોન્સિયસ રહું છું. પણ કમ્પેરિઝનનો ડર કોઈ દિવસ મન પર નથી આવ્યો. ભાઈને ઘણી વખત એવું થતું કે હું અને મારી મોટી બહેન મનીષા– મીનીબેન શોર્ટ સ્ટોરીઝ લખીએ. પણ આ લેખો લખાય
છે ત્યારે ભાઈ મને હંમેશાં પ્રોત્સાહન આપે છે. બા તો સામેથી માગે કે, અમીષા તારો લેખ આપ. વળી, મેં લખવાનું શરુ કર્યું ત્યારે ઘણાં લોકો એવું કહેતાં હતાં કે, ગુણવંત શાહ દીકરીને મદદ કરતાં હશે. હું કોઈને કહેવા તો નથી ગઈ પણ આવું બોલનારા લોકો ભાઈને પણ નતી ઓળખતાં અને મને પણ નથી ઓળખતાં. વળી, ભાઈ એવા છે કે, હું લખું અને મારી જો જોડણીની ભૂલો પણ થાયને તો કહી દે કે, બેટા તું લખવાનું રહેવા દે. એ મને લેખન
માટે એન્કરેજ કરે છે એ મારા માટે
બહુ મોટી વાત છે. ભાઈ મારી પ્રેરણા છે. સાથોસાથ હું એ વાતે કોન્સિયસ
રહું છું કે, મારો લેખ ભાઈ પણ વાંચવાના છે.
ભાઈ
મને એવું કહે કે અમીષા મારી ગૂગલ છે. પણ મારા માટે ભાઈ મારા ગૂગલ છે. મારે કંઈ પણ રેફરન્સ જોઈતો હોય તો મારા માટે ગૂગલ કરવા કરતાં ભાઈને ફોન કરવાનું વધુ સહજ છે.”
મૃગાંકભાઈ
કહે છે, ”લેખનની વાત આવે ત્યારે અમીષા કોઈ દિવસ હાફ હાર્ટેડ ન લખે. વિગતો પૂરી
ચેક કરીને જ લખે. એ પછી
જ એ પ્રિન્ટીંગમાં
જવા દે. એને કંઈ લખવું હોય પણ એનો રેફરન્સ ન મળતો હોય
કે કન્ફર્મ ન થતું હોય
તો એ લખે જ
નહીં. કોઈ પણનું વાક્ય કે કવિતા લે તો પણ એ લેખકને ક્રેડિટ
આપવાનું એ ચૂકતી નથી.”
આ
મુલાકાત દરમિયાન એવું અનેકવાર બન્યું કે, બંનેને એકસાથે પોતાની વાત કહેવી હોય. બંને વાત એકસાથે શરુ કરે પણ છેવટે તો અમીષાબેન પોતાની વાત પહેલાં કરે એવું થયું. અમીષાબેન કહે છે, ”એક ખાસ વાત શેર કરું તમારી સાથે. અમે બંને ટ્રેકિંગ અને પ્રવાસના શોખીન છીએ. જીવનમાં પણ જાણે પ્રવાસી હોઈએ એ જ રીતે
રહીએ છીએ. એ જ રીતે
જીવીએ છીએ. મારા થોડાંક ક્રેઝી આઇડિયાઝ છે. જેને મારે જીવવા છે. મારા ડેસ્કટોપમાં અમીષા નામના ફોલ્ડરમાં આ વિચારો સચવાયેલા
છે. મારે સોસાયટી માટે કંઈક કરવું છે. તેના માટે થોડા રૂપિયા અલગથી એકઠાં કરી રહી છું. કોઈ નોબલ કોઝ માટે મારા ઘરનું બેઝમેન્ટમાં નાનકડી સ્ટડી મિટીંગ કે સોસાયટી માટેનું કંઈ મિનીંગફૂલ કરી શકું તો મને ગમશે. સારા લોકોની કંપની અને સારા લોકોનો સાથ હોય તો એ કામ માટે
મને બમણો ઉત્સાહ આવશે. લાઇફને હજુ પણ વધુ મિનીંગફૂલ બનાવવી છે. મારી મહત્ત્વાકાંક્ષા ભૌતિક સુખ નથી. ક્રિએટીવ મહત્ત્વાકાંક્ષા છે મારી. આ કારણે જ
વધુને વધુ કમાવવાનો મોહ નથી જાગતો. એ રીતે જોવા
જઈએ તો અમે બને બ્લેસ્ડ છીએ.”
આ
શબ્દોના સાથીઓની અનેક વાતો દિલને સ્પર્શી જાય એવી છે. હમ અને તુમની આંખોના સપનામાં ક્યાંય પતિ–પત્નીના સંબંધનું ભારણ નથી. સહજ અને આત્મીય એવી દુનિયાના આ યુગલની ગમતી
કવિતા લેખના અંતે મૂકું છું.
ભલે
ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા
પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે
કહેવું હોય એ કહી લે,
જે કરવું હોય એ કરી લે,
એકબીજાના
ચોકઠાં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું
રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને
લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો
જ્યારે ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે,
એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘૂંટણ
જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મૂકશે,
ત્યારે
એકબીજાના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા
રિપોર્ટસ તદન નોર્મલ છે, આઇ એમ ઓલરાઇટ‘
એમ
કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ
જ્યારે છૂટી જશે, વિદાયની ઘડી આવી જશે,
ત્યારે,
એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હાથની
પકડ છૂટશે, કાચનો ગ્લાસ પડીને ફૂટશે,
ત્યારે
કાળજી લઈને કાચ વીણવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
કાન
સાંભળતા અટકી જશે, મોઢામાંથી શબ્દો છટકી જશે,
ત્યારે
વાતને ધીરજથી સમજાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
શરીર
પડખા ઘસશે, આંખોમાં ઉજાગરા વસશે,
ત્યારે
એકબીજાના માથે હાથ ફેરવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ડાયાબિટીસ,
બીપી આવી પડશે, સત્તરસો ગોળીઓ ખાવી પડશે,
ત્યારે
એકબીજાને યાદ દેવડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું
કહીશ કે હું પહેલો જઈશ, તું કહીશ કે તું પહેલી જઈશ,
ત્યારે
એકબીજાના ભવિષ્ય ભાખવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
મન
ગમગીન થશે, આંખો જ્યારે ભીની થશે,
ત્યારે
એકબીજાના આંસુ લૂંછવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.