15

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અંતર્ગત આર્સેલર મિત્તલ દ્વારા CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ પ્રોજેક્ટના MoU કર્યા છે. આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ ગુજરાતમાં વિવિધ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડનું સૂચિત રોકાણ કરશે. ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડીયા તરફથી CEO દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા.

કયા-કયા પ્રોજેક્ટમાં કરાશે રોકાણ?
આ MoU મુજબ આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ દ્વારા જે 6 સૂચિત પ્રોજેક્ટસમાં રોકાણ થવાનું છે. તેમાં હઝિરા ખાતેની હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ. 4 હજાર 200 કરોડ, હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ. 45 હજાર કરોડ, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસીટી સાથેના એક્સપાન્શન માટે રૂ. 30 હજાર કરોડ તથા કીડીઆબેટ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે રૂ. 30 હજાર કરોડના રોકાણોનો સમાવેશ થાય છે.

હાઇબ્રીડ, સોલાર અને વિન્ડ એનર્જીમાં મોટું રોકાણ
આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 10 ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ અંદાજે રૂ. 40 હજાર કરોડના રોકાણ સાથે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ દ્વારા ઉભા કરાશે. જેમાં હાઇબ્રીડ, સોલાર અને વિન્ડ એનર્જી ત્રણેયનો સમાવેશ થવાનો છે. આ પ્લાન્ટસ પૈકી પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના કાનાતળાવ ખાતે 2200 મેગાવોટના પ્લાન્ટ માટે પણ આ MoU થયા છે
1.80 લાખથી વધુ લોકોને મળશે રોજગારનો અવસર
સુરતના હઝિરામાં અન્ય એક ડાઉન સ્ટ્રીમ, કોક ઓવન પ્રોજેક્ટસમાં પણ રૂ. 17 હજાર કરોડનું રોકાણ આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઇન્ડીયા દ્વારા થવાનું છે. આ બધા જ પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે 1 લાખ 80 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પણ પ્રાપ્ત થશે.