12

સરકાર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગવર્નન્સ અને વહીવટી તંત્રને વધુ સુલભ, સરળ અને પારદર્શક બનાવવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. આવા જ આશય સાથે સરકાર ફાસ્ટ ટેગ નામની ડિજીટલ ટોલ સેવા લાવી હતી. જેથી લોકો ટોલ નાકા પર ઝડપી અને કેશ લેશ પેમેન્ટ કરી શકે. પરંતુ કહેવાયને કોઇ પણ સિક્કાના બે પાસા હોય છે તેમ જ કોઇ પણ ટેકનોલોજીના બે પાસા હોય છે જેનાથી ફાયદો અને નુકસાન બન્ને થઇ શકે છે. ત્યારે ST નિગમને પડયાં પર પાટું જેવો અનુભવ થયો છે. પહેલાથી નુકસાનમાં ચાલતી નિગમને ટેક્નોલોજીના લીધે 60 લાખથી વધુ નુકસાન થયું છે. જી હાં, ST નિગમને ફાસ્ટ ટેગના લીધે 60 લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે.
કેવી રીતે ફાસ્ટ ટેગ બન્યું એસ.ટી નિગમના નુકસાનનું કારણ?
ફાસ્ટ ટેગના નિયમ અનુસાર સરકારી વાહન હોય કે પ્રાઇવેટ વાહન ટોલમાંથી પસાર થાય ત્યારે ફાસ્ટ ટેગ હોવું ફરજિયાત છે. જો ન હોય તો ડબલ ટોલ વસૂલ કરવામાં આવે છે. જો કે ક્યારે ટોલ પર સર્વર ડાઉન હોય અથવા ટેગ સ્કેન ન થાય તેવા અનેક ટેકનિકલ ઇશ્યુ આવતા હોય છે. હાલમાં ST નિગમની 7 હજાર બસ છે અને તેનું ટાઇઅપ એક્સિસ બેંક સાથે થયેલું છે. પરંતુ ટેગમાં ટેક્નિકલ ખામીના કારણે અનેક જગ્યા પર ST બસોને ડબલ ટોલ ચૂકવવો પડતો હોય છે. ST નિગમના અધિકારીઓ દ્વારા એક્સિસ બેંકના ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે. પરંતુ હાલ તો ST નિગમ જે પહેલાથી નુકસાનમાં ચાલતી હતી. તેને ટેકનિકલ કારણોસર રૂ. 60 લાખથી વધુનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.