48

કોરોનાના લીધે લગભગ બધાં ધંધા અને રોજગારને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. અને હવે કોરોનાની ત્રીજી લહેરમાં મલ્ટિપ્લેક્સ સંચાલકોને આર્થિક ફટકો પડ્યો છે. અને આ આર્થિક ફટકાના લીધે મલ્ટિપ્લેક્સ સંચાલકોને લાઇટ બિલ અને મિલકત વેરામાં રાહત માંગવાનો વારો આવ્યો છે. આર્થિક ફટકાના બે મુખ્ય કારણો સામે આવ્યા છે. પહેલું કારણ કોરોનાનો ડર અને બીજું કારણ રાત્રી કર્ફ્યુ અમલી બનતા રાતના શો રદ કરવા પડ્યા છે. પહેલી અને બીજી લહેર બાદ માંડ બેઠા થયેલા મલ્ટિપ્લેક્સ સંચાલકોને ત્રીજી લહેરમાં પણ આર્થિક ફટકો પડ્યો છે. કોરોનાનો ડર તેમજ રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુ અમલી બનતા છેલ્લા શો રદ કરવા પડ્યા છે. જેના કારણે દર્શકો ફિલ્મો જોવા નથી આવતાં. આ પરિસ્થિતિને કારણે થિયેટર સંચાલકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ત્યારે થિયેટર સંચાલકોએ માંગણી કરી છે કે, અગાઉની જેમ આ વર્ષે પણ થીયેટર સંચાલકોને લાઇટ બીલ તેમજ મિલકત વેરામાં રાહત આપવામાં આવે. કોરોના ને કારણે નવી મુવી રિલીઝ થઇ નથી તેમજ કોરોનાના પગલે ગણ્યા-ગાંઠ્યા દર્શકો મૂવી જોવા આવતા સિનેમાગૃહ સંચાલકોને મોટાપાયે નુકસાન થયું છે. હવે કેસ ઘટી રહ્યા છે અને નવી ફિલ્મો રિલિઝ થાય તેવી શક્યતા છે. ત્યારે આગામી દિવસોમાં ફરી સિનેમાગૃહમાં દર્શકો આવે તેવી આશા બંધાઈ રહી છે.
ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશનના સભ્ય રાકેશભાઈ એ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં 50 જેટલા મલ્ટિપ્લેક્સ અને ગુજરાતમાં 300 મલ્ટિપ્લેક્સ આવેલા છે. દિવાળી સમયથી સિનેમા ગૃહોની સ્થિતિ ઘણી સારી થઈ હતી. કોરોના કાળ પહેલા જેવો માહોલ જોવા મળતો હતો. પરંતુ ત્રીજી લહેર ને કારણે ચિત્ર બદલાઈ ગયું છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ગુજરાતમાં મલ્ટિપ્લેક્સોને આશરે બે હજાર કરોડનું નુકસાન થયું હતું. અને ત્રીજી લહેરમાં પણ કરોડોનું નુકસાન થઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિમાં સરકાર ફરી મિલકત વેરા અને લાઇટબીલમાં રાહત આપે તેવી માગણી છે.”