23

રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ હજુ આગામી 5 ફેબ્રુઆરી સુધી ધોરણ-1થી 9ના વર્ગો ઓનલાઇન ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ-1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી 2022 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીની બેઠકમાં કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ-1 થી 9ના વર્ગોમાં ઓનલાઇન શિક્ષણ અપાશે. અગાઉ 7 જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે, 31 જાન્યુઆરી સુધી ધોરણ-1 થી 9માં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે. જેની સમયાવધિ પૂર્ણ થતા ઓફલાઇન શિક્ષણ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 5 ફેબ્રુઆરીએ પુનઃ સમીક્ષા કરીને શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ક્યારે શરૂ કરવું તે અંગે યોગ્ય નિર્ણય કરાશે.