16

AMCના વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની વરણી કરવામાં આવતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોમાં કકળાટ જોવા મળ્યો હતો. દાણીલીમડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડાનો શહેઝાદ ખાન પર આરોપ લગાવતો એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં તેઓ કાળા જાદુની વાત કરી રહ્યા છે. જમનાબેને આરોપ લગાવ્યો છે કે, AMCના વિપક્ષના નેતા બનવા માટે શહેઝાદ ખાને કાળાજાદુનો સહારો લીધો છે. ત્યારે આ ઓડિયો વાયરલ થતા પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઓડિયો બાબતની ગંભીર નોંધ લીધી છે. અને આ અંગે શહેઝાદ ખાન પણ જમનાબેન વેગડા વિરુદ્ધ પ્રદેશ સમિતિમાં રજૂઆત કરશે.
જમનાબેન વેગડા સામે કરાશે કાર્યવાહી
કાળાજાદુ અંગેનો ઓડિયો વાયરલ થતાં પ્રદેશ કોંગ્રસ સમિતિ હરકતમાં આવી છે. જમનાબેન વેગડા ઓડિયોની બાબતમાં દોષિત સાબિત થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખે તપાસના આદે આપ્યા છે. તપાસમાં જો મહિલા કોર્પોરેટર દોષિત સાબિત થશે તો તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે
આ ગંદુ રાજકારણ રમાઈ રહ્યુ છે : શહેઝાદ ખાન
કાળા જાદુ મામલે વિપક્ષનેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, તેઓ કાળાજાદુમાં માનતા નથી પરંતુ આ મામલે ગંદુ રાજકારણ રમાઈ રહ્યુ છે. આ મામલે હું પ્રદેશ સમિતિમાં રજૂઆત કરીશ.