41

અમદાવાદમાં ગદ્દાર પતિનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિ પોતાની પત્ની અને દીકરીને પિયર મોકલીને પોતાના પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હતો. જોકે સોશિયલ મીડિયા મારફતે પત્નીએ પતિના ફોટા જોતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. આ મામલે પીડિત પત્નીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા, પતિ, અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.
કાલુપુર પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2017માં તેના પતિએ કંપની પોતાને અમેરિકા જવા માટે મોકલી રહી હોઈ તેવું પત્ની અને દીકરીના વિઝાની પ્રોસેસ કરવાનું કહ્યું હતું અને તેમના પાસપોર્ટ લઈ લીધા હતા. બાદમાં પતિએ દહેજની માંગણી કરીને ઝઘડા શરૂ કર્યા હતા. એટલું જ નહીં, પતિએ પત્ની અને દીકરીને પિયર મોકલી પતિ પોતાના પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હતો.
ફરિયાદી મહિલાના લગ્ન 2012માં વત્સલ સાથે થયા હતા. તે સમયે વત્સલ મુંબઈમાં નોકરી કરતો હતો. લગ્ન થયા બાદ સાસરિયા દહેજ અને કામને લઈને પત્નીને હેરાન કરતા હતા. પતિ વત્સલ દીકરીના જન્મ બાદ દીકરીનો ખર્ચ પોતાના પિયરથી લાવ એવું પત્નીને કહેતો હતો અને તેને શારીરિક ત્રાસ આપતો હતો. જોકે બાદમાં બન્ને પક્ષો દ્વારા જોડે બેસીને ઝઘડાનો અંત લવાયો હતો.