
અમદાવાદ શહેરમાં શિક્ષણનું ધોરણ સુધારવા અને ટ્રાફિક સમસ્યાઓને હળવી કરવા મહાનગરપાલિકાએ બે મહત્વના નિર્ણયો કર્યા છે. અમદાવાદ મહાનગર પાલિકાની ગુરુવારના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જે અંતર્ગત બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. ‘ભિક્ષા નહિ શિક્ષા’ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે તેમજ બિનવારસી વાહનોને ટ્રાફિક પોલીસ સાથે મળીને દૂર કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે વર્ષ 2022-23ના બજેટમાં ‘ભિક્ષા નહી શિક્ષા’ યોજનાની જાહેરાત કરાઈ હતી જે યોજનાનું અમલીકરણ આ મહિનાના અંત સુધીમાં શરુ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં તાકીદના કામમાં આ કામને સામેલ કરવામાં આવ્યું છે. સાથે જ યોજનાનું ઝડપી અમલીકરણ કરવા પણ સુચના આપવામાં આવી છે.
પ્રાથમિક ધોરણે આ પ્રોજેક્ટ અંતર્ગત AMTSની બસ ઉપયોગમાં લેવાશે. આ બસોનું નામ સિગ્નલ સ્કૂલ આપવામાં આવશે. અમદાવાદ રાજ્યનું પ્રથમ મહાનગર હશે જ્યાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.અમદાવાદમાં અનેક જગ્યા પર બિનવારસી વાહનો જોવા મળે છે જે દૂર કરવા માટે આગામી દિવસોમાં એક ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે. અમદાવાદ મહા-નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે આ ડ્રાઈવ યોજશે.
ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ટ્રાફિક પોલીસ સંકલન કરીને આગામી થોડા જ દિવસોમાં આ ડ્રાઇવ શરૂ કરશે. સાથે જ રિવરફ્રન્ટ પર ભારે વાહનો ઉભા ન રહે તે માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.