
વિધાનસભા 2022ની ચૂંટણી આવી રહી છે. તે પહેલા જ ભાજપે જાણે ભરતીમેળો શરૂ કર્યો તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 2જી ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં ગુજરાતના લોક કલાકારો ભાજપની પંગતમાં બેસી ગયા છે. ભક્તિ કુબાવત, મમતા સોની, જાહનવી પટેલ, આકાશ ઝાલા, હેમાંગ દવે, હિતલ ઠક્કર, પ્રશાંત બારોટ, કામિની પટેલ, સન્ની કુમાર ખત્રી, જ્યોતિ શર્મા વગેરે લોક કલાકારોએ કેસરિયો ધારણ કર્યો છે. અગાઉ ઉત્તર ગુજરાતનું મોટું નામ વિજય સુંવાળા પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારે ખ્યાતનામ કલાકાર ધર્મિષ્ઠા પટેલ પણ ભાજપમાં જોડાયા છે.
ભાજપ હવે અપરાજીત પાર્ટી થઈ ગઈ છે
આ અંગે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપ હવે અપરાજીત પાર્ટી થઈ ગઈ છે, ભાજપ વિવિધ ક્ષેત્રના લોકોને ભાજપમાં જોડી રહી છે. ખ્યાતનામ કલાકાર ધર્મિષ્ઠા પટેલ પણ ભાજપમાં જોડાયા છે. હું તમામને ભાજપ પાર્ટીમાં આવકારું છું. તેમના અનુભવ અને શક્તિનો અમે રાષ્ટ્રને મજબૂત કરવા ઉપયોગ કરીશું.’
આત્મીય યુવા સંગઠનના દેશભરમાં 21 હજારથી વધારે કાર્યકર્તા ધરાવે છે
અલ્પેશ ઠાકોર બાદ વધુ એકવાર ઠાકોર સમાજના મત મેળવવા ભાજપે મોટી રમત રમી છે. આત્મીય યુવા સંગઠનના પ્રમુખ કિશોરભાઈ ઠાકોર ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત કિશોરભાઈ ઠાકોર સહિત અન્ય હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે, આત્મીય યુવા સંગઠન એ વડોદરામાં કાર્યરત એન.જી.ઓ છે. જો કે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા કિશોરભાઈને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સૌને આવકાર્યા હતા. આત્મીય યુવા સંગઠનના દેશભરમાં 21 હજારથી વધારે કાર્યકર્તા ધરાવે છે.