
રાજ્ય સરકારે ગરીબો માટે બનાવવામાં આવેલા આવાસ યોજનાના
મકાનોના સોદા કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપીની યૂપીથી ધરપકડ કરવામાં આવી છે. રખિયાલ પોલીસે ફૈઝ નિયાઝ શેખ નામના મુખ્ય આરોપી સહિત બે આરોપીઓની ધરપકડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફૈઝ નિયાઝ શેખ અને
જફરખાન ઉર્ફે જફર બાટલી નામનાં ઈસમની કરોડો રૂપિયાના કૌભાંડમાં ધરપકડ કરી છે.
શું છે કૌભાંડ?
આરોપી મોહમ્મદ શેખે નકલી પોલીસ અધિકારી બનીને રખિયાલ ચાર માળીયા
ખાતે આવેલાં મકાનોને સસ્તા ભાવે આપવાનું કહી ગરીબો પાસેથી કરોડો રૂપિયા સેરવી લીધા હતા. મોહમ્મદ શેખ ચાર માળીયામાં રહેતા લોકોને મકાન ખાલી
કરાવવા માટે વિસ્તારનાં નામચીન તત્વો અને આગેવાનોને સાથે રાખતો હતો અને તેઓને મકાન ખાલી કરાવવા બદલ
કમિશન આપતો હતો .જોકે, પોલીસે અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની
ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે આ સમગ્ર કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે.
આ રીતે આચર્યું કૌભાંડ
મુખ્ય આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાંથી ખાલી મકાનોનું લિસ્ટ
મેળવી લેતો હતો અને તે મકાનમાં રહેતા લોકોને ખોટી નોટિસો ફટકારી અને અસામાજિક તત્વોને સાથે રાખીને મકાન ખાલી કરાવતો હતો.આરોપી મહોમ્મદ ફૈઝ અને દુર્ગાગી સ્વામી
કોર્પોરેશનના નકલી અધિકારી બનીને 10 લાખના મકાનો સસ્તા ભાવમાં આપી ગરીબો સાથે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી
આચરીને ફરાર થઈ ગયા હતા.
હાલ તો પોલીસે આ સમગ્ર કેસમાં બે મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી
છે.જોકે, આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ આરોપીઓની
સંડોવણી છે કે કેમ? સાથે જ કોર્પોરેશનના કર્મચારી કે
અધિકારીની સંડોવણી છે કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી
છે.