38

રાજ્યભરના શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં શિક્ષકોની બદલીને લઇને નવી નીતિ જાહેર કરાઇ છે. રાજ્યના વિદ્યાસહાયકો, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો સીધો લાભ બે લાખ જેટલા શિક્ષક પરિવારોને મળશે.
શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણય મુજબ હવેથી જિલ્લા ફેરબદલીનો લાભ 100 ટકા જગ્યા પર મળશે. અત્યાર સુધી જે-તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જ જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો. જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરુરી હતા, આ જોગવાઈ દૂર કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મામલે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. જેમાં જાહેરાત કરતા શિક્ષણમંત્રી જણાવ્યું કે 10 વર્ષ સુધી એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તે શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે. જે સરકારી કર્મચારીઓ રાજ્યમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્માચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મુકી શકાશે.
પતિ-પત્નિના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થાઓ, ગુજરાત સરકારના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે. બદલીઓના કિસ્સામાં ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ સમિતિની પણ રચના કરવાામાં આવી છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે દસ વર્ષ પહેલા પ્રાથમિક શિક્ષકોની બદલીઓ સંદર્ભે નિયમો ઘડાયા હતા. આ નિયમોમાં બદલાવ માટે પ્રાથમિક શિક્ષણના સંઘો દ્વારા રજૂઆતો થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ નિયમોમાં મહત્વના ફેરફાર કરવા દિશા નિર્દેશ આપ્યા છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિયજસિંહ જાડેજા સહિતના મંડળના હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકો યોજાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ. જે શિક્ષકોની બદલી થઈ ગઈ છે પણ 10 ટકા કરતા વધુ મહેકમ ખાલી પડતું હોવાથી તે છુટા થઈ શક્યા નહતા તેવા શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છુટા કરવાનો નિર્ણય લેવાયો છે. જે શાળામાં શિક્ષક છુટા થવાથી શૂન્ય શિક્ષકવાળી શાળા બનતી હોય તે શાળામાં છુટા થવાપાત્ર શિક્ષકે નવા શિક્ષક આવ્યા બાદ જ છુટા થઈ શકશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થઈ હોય અને છુટા ન કરાયા હોય તેવા શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.