14

દેશમાં મોદી સરકારના આગમન પછી જે મોટા પરિવર્તનો જોવા મળ્યાં છે તેમાં જીએસટી એક્ટનો અમલ પણ એક મહત્ત્વનો નિર્ણય છે.હાલમાં GSTએક્ટ હેઠળ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એવા ચાર સ્લેબ કાર્યરત છે. આ સ્લેબમાં ઘટાડો થવો જોઈએ તેવી ઉદ્યોગકારોની લાંબા સમયની માંગણી છે. GSTટેક્સ પ્રણાલી આ વર્ષે 5 વર્ષ પૂર્ણ કરી રહ્યી છે. ત્યારે હવે સરકાર ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય લઇ શકે છે. GST ટેક્સ સિસ્ટમમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે.જે મુજબ આવનાર સમયમાં સરકાર ટેક્સ સ્લેબમાં ઘટાડો કરી શકે છે.
નિષ્ણાતો માટે GSTનો વિષય હંમેશા જટિલ રહ્યો
સંસદમાં GSTએક્ટ 29 માર્ચ 2017ના રોજ પસાર કરવામાં આવ્યો હતો,જે બાદ 1 જૂલાઇ 2017થી આ વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી. આ ફેરફાર હેઠળ હાલની એક્સાઈઝ ડ્યુટી, વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) અને સર્વિસ ટેક્સ જેવા પરોક્ષ કર પર વધુ ભાર મૂકવામા આવ્યો હતો. બીજી તરફ GSTના નિષ્ણાતો માટે આ વિષય હંમેશા જટિલ રહ્યો છે. ઘણાં ઔધ્યોગિક સંગઠનો અને એક્સપર્ટ વારંવાર એવું નિવેદન આપ્યું છે, કે આ એક જટિલ સિસ્ટમ છે. લોકોની સૌથી મોટી ડિમાન્ડ છે કે GSTએક્ટ હેઠળની ટેક્સ સિસ્ટમમાં ટેક્સ સ્લેબની સંખ્યા ઓછી થવી જોઇએ.
જો સ્લેબ ઓછા થશે તો સામાન્ય લોકોને થશે આ નુકશાન
જો નવી વ્યવસ્થા મુજબ જો ટેક્સ સ્લેબની સંખ્યામાં ઘટાડો થશે, તો વસ્તુઓની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવશે. સરકારનો ધ્યેય સ્લેબ ઘટાડીને આવક વધારવાનો હોવાથી આ સ્લેબ હેઠળ આવતાં મોટા ભાગના માલ પર ટેક્સ વધી શકે છે. જે 5 થી 12 ટકા વધી શકે છે. જો આવું થયું તો સૌથી નાનો સ્લેબ 6 ટકાનો થઇ જશે અને તેમાં સમાવિષ્ટ વસ્તુઓ મોંધી થઇ શકે છે.
રાજ્યોની GSTવળતરની છૂટછાટ બંધ થશે
રાજ્યોની જી.એસ.ટીના રેવન્યુમાં છૂટછાટ મળતી હતી તે હવે પણ હવે નહી મળે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને દર મહિને GSTવળતર આપવામાં આવે છે. જેથી રાજ્યોને મહેસૂલ મોરચે વધુ નુકસાન સહન ન કરવું પડે. આ સિસ્ટમ GSTએક્ટમાં 5 વર્ષ માટે લાગુ કરાઇ હતી તે પણ હવે 5 વર્ષ પૂરા થતાં બંધ થઇ શકે છે.
GST કાઉન્સિલની બેઠક 2 અઠવાડિયામાં યોજાશે
કાઉન્સિલની આગામી બેઠકમાં કેટલાક ઉત્પાદનો અને સર્વિસ પરના ટેક્સના દરમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. GSTની છેલ્લી બેઠક ડિસેમ્બર 2021માં મળી હતી.આ બેઠકમાં કાપડ ઉદ્યોગની કેટલીક પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ સંદર્ભે હજુ વધુ ચર્ચા કરવાની જરૂર છે.આગામી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. GSTકાઉન્સિલની આગામી બેઠક ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચ મહિનામાં યોજાશે. જે માટે કર્ણાટકના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.