
ગુજરાતમાં કુપોષણનો દર વધ્યો છે, જે મોટી ચિંતાનો વિષય છે. લોકસભામાં સમગ્ર માહિતી બહાર આવી છે. બિહાર 41 ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યું છે તો ગુજરાત 39.7 ટકા સાથે બીજા ક્રમે આવ્યું છે. 5 વર્ષથી ઓછી વયનાં 39.7% બાળકો કુપોષિત હોવાનું આંકડાકીય માહિતીમાં સામે આવ્યું છે. લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ માહિતી રજૂ કરી હતી. બે વર્ષમાં ગુજરાતમા અંડરવેઇટ બાળકોની સંખ્યાંમાં પણ 0.2 ટકાનો વધારો થયો
લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ માહિતી રજૂ કરી હતી. ટૉપ-5માં આવેલા રાજ્યોમાં બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં અન્ડરવેટ બાળકોની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે વર્ષના હેલ્થ સર્વેમાં દેશમાં સરેરાશ અન્ડરવેટની ટકાવારી ક્રમશ: 35.8 અને 32.1 નોંધાઈ છે.
આ પાંચ જિલ્લાના બાળકો સૌથી વધુ કુપોષિત
સૌથી વધુ કુપોષણનો શિકાર ગુજરાતના આ જીલ્લાઓ બન્યા છે. જેમાં પાટણ 50.5 ટકા સાથે મોખરે છે. ત્યારબાદ ક્રમશ છોટા ઉદેપુર 48.5, પંચમહાલ47.1, અરવલ્લી 47.1 અને મહીસાગર 43.4 ટકા છે.
ગુજરાતમાં 6,846 નવજાત શિશુઓનું વજન ઓછું
એક મહિનામાં રાજ્ય સરકારે બહાર પાડેલ આંકડા અનુસાર, ગાંધીનગર સૌથી શ્રેષ્ઠ જિલ્લો છે જ્યાં ઓછા વજનવાળા નવજાત શિશુઓની સંખ્યા 11થી ઓછી હતી. જેનું વજન 2.5 કિલોથી ઓછું હતું. બનાસકાંઠામાં 411 સાથે ઓછા વજનવાળા નવજાત શિશુઓ નોંધાયા હતાં, ત્યારબાદ આણંદ (379) અને અમદાવાદ શહેર (369)નો ક્રમ આવે છે. ખેડા અને કચ્છમાં અનુક્રમે 289 અને 265 કુપોષિત બાળકો હતાં, જ્યારે રાજકોટમાં 260 બાળકો ઓછા વજન સાથે જન્મ્યા હતાં. ગુજરાતમાં જન્મનારા બાળકો પૈકી ઓછા વજનવાળા કુલ 6,846 બાળકો હતાં, રાજ્યમાં આ જ સમય દરમિયાન જન્મેલા એનિમિયા પિડિત બાળકોની કુલ સંખ્યા 802 હતી.