33

પેપરલીક કાંડના કારણે રદ કરાયેલી પરીક્ષા ફરી લેવાની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે કરી હતી. આ પરીક્ષા 20 માર્ચે રાજ્યમાં યોજાવાની છે. અગાઉ આ પરીક્ષા 14 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરંતુ વહીવટી કારણોસર
પરીક્ષા રદ કરવામાં આવી હતી જેની જાહેરાત બે દિવસ અગાઉ જ કરવામાં આવી હતી. 20 માર્ચે બપોરે 12થી 2 કલાકે હેડ ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવશે.
લાખો વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
20 માર્ચે 2.41 લાખથી વધુ વિદ્યાર્થીઓ હેડ ક્લાર્કની પરીક્ષા આપશે. રાજ્યના છ જિલ્લામાં વિદ્યાર્થીઓ હેડ ક્લાર્કની પરીક્ષા આપશે. પરીક્ષા બપોરે 12 થી 2 કલાક સુધી યોજાશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હેડક્લાર્કનું પેપરલીક થયાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો અને આ આરોપ સાબિત થતા
પેપરલીક કરનાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી. પેપરલીક કાંડની સાબિતી બાદ રાજ્ય સરકારે હેડ ક્લાર્કની
પરીક્ષા રદ કરી હતી. યુવરાજ સિંહે પેપરલીક થયા હોવાના ખુલાસા બાદ રાજ્યભરમાં ઉમેદવારોનો ભારે વિરોધ સામે
આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગ કરાઈ હતી.
પારદર્શકતાથી યોજવામાં આવશે પરીક્ષા
પેપરલીક કાંડ બાદ રાજ્ય સરકાર હવે સતર્ક થઈ ગઈ છે, ફરી આવી ઘટના ન બને તેની સંપૂર્ણપણે કાળજી રાખવાની બાંહેધરી રાજ્ય સરકારે આપી છે. પરીક્ષાને ધ્યાનમાં રાખી સિનિયર અધિકારીઓએ ખાસ પ્રકારનું આયોજન કર્યું છે કે જેમાં કોઈ પણ પરીક્ષાનું પેપર લીક ના થાય.