14

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રથી ભારે ખળભળાટ મચ્યો છે.. ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આરોપ કર્યા છે કે કરોડોના ચીટીંગ કેસમાં FIR નથી કરી. અને ઉઘરાણીની જે પણ રકમ આવે તેમાં 15 ટકાનો ભાગ માંગ્યો હોવાનો સણસણતો આરોપ કર્યો છે.

ગોવિંદ પટેલના પત્રમાં એ વાતનો ઉલ્લેખ છે કે મહેશ સખીયા સાથે રૂપિયા 15 કરોડનુ ચીટીંગ થયેલુ છે, જેની FIR ફાડીને કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ ચીટીંગ કરનારાઓ પાસેથી ઉઘરાણી કરવામાં આવે છે.. અને તેમાંથી પોલીસ પોતાનો ભાગ માગે છે.ગોવિંદ પટેલના પત્રમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ રીતે 7 કરોડ રૂપિયાની વસુલાત કરી હોવાનો ઉલ્લેખ છે. અને જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનર મનોજ અગ્રવાલે પોલીસ ઇન્સપેક્ટર મારફતે વસૂલ કર્યા છે.. આ જ રકમથી કમિશનરે ફ્લેટ લીધો હોવાનો આરોપ પણ ગોવિંદ પટેલે કર્યો.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં ટકાવારીથી વસૂલ કરવાનુ કામ કરતા હોવાનો સણસણતો આરોપ કરતો આ પત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવીને ધારાસભ્ય ગોવિંદ પટેલે લખ્યો છે. પત્રમાં હજી પણ 30 લાખની રકમ માટે પોલીસ સતત ફોન આવતો હોવાનો પણ ઉલ્લેખ છે. ગોવિંદ પટેલે હર્ષ સંઘવીને રજૂઆત કરી છે કે પોલીસે લીધેલા 75 લાખની રકમ પરત મળે તથા જવાબદાર અધિકારીઓ સત્વરે સામે પગલાં ભરાય.

ત્યારે રાજકોટ JCP ખુર્શીદ અહેમદે આ પત્ર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આક્ષેપ અંગે તપાસ કરવામાં આવશે. પોલીસ કમિશનર ક્યાં છે તેના પ્રશ્નના જવાબમાં પણ JCP ખુર્શીદ અહેમદે અજાણતા દર્શાવી.
મહેશ સખિયાએ કર્યો છેતરપિંડીનો આરોપ
મહેશ સખિયાએ રાજકોટ પોલીસ કમિશનર પર આરોપ લગાવ્યા. તેઓએ કહ્યું કે, હું સાહેબને મળ્યો હતો અને ડીલ ફાઇનલ કરી હતી. મેં બધા પૈસા PSI સાખરાને આપ્યા હતા.