
રાજ્યનાં લાખો શિક્ષકોને લઇને આજે સૌથી મોટા સમાચાર
સામે આવ્યા છે. જણાવી દઇએ કે, આજે રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની
બદલીનાં નવા નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે ગુજરાતનાં લાખો
શિક્ષકોનો લઇને એક મહત્વનો નિર્ણય કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
છેલ્લા ઘણા સમયથી શિક્ષકોને લઇને સરકાર દ્વારા કોઇ ખાસ
નિર્ણય લેવામાં આવ્યા નથી, ત્યારે આજે તેમના હિત માટે શૈક્ષણિક વિભાગે એક મોટો
નિર્ણય કર્યો છે. જણાવી દઇએ કે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શિક્ષકોની બદલીનાં નવા
નિયમો અંગે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે, ‘શિક્ષકોનાં બંને સંગઠનો સાથે બેઠક બાદ મહત્વનાં નિર્ણય
લેવામાં આવ્યાં છે. સર્વસંમિતિથી ચર્ચા કરીને આ મામલે ખૂબ મોટો નિર્ણય લેવામાં
આવ્યો છે. આ નિર્ણય બાદ રાજ્યનાં 2 લાખ શિક્ષકોને નવા નિયમોની સીધી અસર થશે.
રાજ્યમાં 3થી 4 હજાર બદલી થયેલા શિક્ષકોને ઝડપી છૂટા કરાશે.’ વધુમાં તેમણે કહ્યુ
કે, હવે 40 ટકાનાં બદલે 100 ટકા ખાલી જગ્યા પર બદલી થશે. શિક્ષકોની અરસ પરસ
બદલીમાંથી વતન શબ્દ પણ દૂર કરાયો છે. વળી 10 વર્ષનાં બોન્ડેડ શિક્ષકો પાંચ વર્ષ
પછી બદલી માટે અરજી કરી શકશે.
વળી વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ‘શિક્ષણ વિભાગની નવી નીતિનાં કારણે 2 લાખ શિક્ષકોને
તેનો સીધો ફાયદો થશે. બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિમાં તેની રજૂઆત
કરાશે. વળી દંપતીના કેસમાં મૂળ શાળામાં બદલી થઇ શકશે.’