ISIS ચીફ અબુ ઇબ્રાહીમનો ખાત્મો, અમેરિકાએ સીરિયામાં ઘૂસીને ઠાર કર્યો
અમેરિકા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. ઓસામા બિન લાદેન અને અલ બગદાદીને ઠાર કર્યા પછી લાંબા સમય બાદ અમેરિકાએ આ ઓપરેશન હાથ ધર્યું છે. અમેરિકાએ દલીલ કરી છે કે આ પગલું અમેરિકન લોકો અને વિશ્વને સુરક્ષિત બનાવવાનું જયઘોષ છે.
આ હુમલામાં 6 બાળકો અને 4 મહિલાઓ સહિત 13 લોકોના મોત થયા હતા. સીરિયાનું આતમહ શહેર જ્યાં અબુ ઇબ્રાહિમની હત્યા કરવામાં આવી હતી તે ખુબ જ ગીચ વસ્તીવાળું શહેર છે અને તેના પર સીરિયન બળવાખોરોનો કબજો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી સૈનિકો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદથી તુર્કીની સરહદે આવેલા આ શહેરમાં આતંકનો ડર ફેલાયો છે.
2019માં અબુ બકર અલ બગદાદીની હત્યા બાદ અબુ ઇબ્રાહિમે ઇસ્લામિક સ્ટેટની કમાન સંભાળી હતી. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર જે રીતે બગદાદીએ અમેરિકી સૈનિકોના આગમન પર બોમ્બ વિસ્ફોટ કરીને પોતાના પરિવારના સભ્યો સાથે પોતાને પણ મારી નાખ્યો હતો, તેવી જ રીતે અબુ ઇબ્રાહિમે પણ એ જ રીત અપનાવી હતી. જો કે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે અમેરિકી સુરક્ષા દળોએ પહેલા અબુ ઇબ્રાહિમના કબજાવાળા વિસ્તારમાં ઉતરીને એક ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન બંને તરફથી બે કલાક સુધી જોરદાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.