7

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે વિશ્વના તમામ દેશ ઇચ્છી રહ્યા છે કે આવી પરિસ્થિતિ ઉભી ન થાય. પરંતુ શું તમે તે જાણો છો કે જો યુદ્ધ થયુ તો શું થશે? એ વાત તો સાચી જ છે કે યુદ્ધ ક્યારે કોઇ પણ દેશ માટે ફાયદાકારક રહ્યું નથી. તેમા હારનાર અને જીતનાર એમ બન્નેને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવું પડે છે. વળી આ યુદ્ધ જો થાય છે તેનાથી ભારતને પણ મોટુ નુકસાન જાય તો નવાઇ નહી.
કુદરતી ગેસથી લઈને ઘઉં સુધી, વિવિધ અનાજના ભાવમાં થશે વધારો
યુક્રેન-રશિયા તણાવને લઈને વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું દેખાઇ રહ્યું છે. યુક્રેનને યુએસ અને યુકે જેવા દેશો તરફથી સમર્થન મળી રહ્યું છે. જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું તો તેમાં ભારતનું વલણ શું હશે? ભારત કોને સાથ આપશે? આ જાણવું જરૂરી બની જાય છે. વળી, યુદ્ધની સ્થિતિમાં ભારતને શું નુકસાન થશે? આ પણ જાણવું જોઈએ. રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થાય છે તો ભારતમાં રહેલા સામાન્ય નાગરિકને તેની સીધી અસર પડશે. જો યુદ્ધ થાય છે તો કેટલીક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ જશે. નિષ્ણાતો માને છે કે કુદરતી ગેસથી લઈને ઘઉં સુધી, વિવિધ અનાજના ભાવમાં વધારો થશે. યુક્રેન-રશિયા સંકટે બ્રેન્ટ ક્રૂડની કિંમત $96.7 પ્રતિ બેરલ સુધી ધકેલી દીધી છે, જે સપ્ટેમ્બર 2014 પછી સૌથી વધુ છે. આપને જણાવી દઈએ કે, રશિયા ક્રૂડ ઓઈલના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક છે. ઓટોમોટિવ એક્ઝોસ્ટ સિસ્ટમ અને મોબાઈલ ફોનમાં વપરાતી ધાતુ પેલેડિયમની કિંમત તાજેતરના અઠવાડિયામાં રશિયા પર પ્રતિબંધોના ભય વચ્ચે વધી છે. દેશ પેલેડિયમનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે નોંધપાત્ર વધારો
તાજેતરના કેટલાક વર્ષોમાં, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે, સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ભારતમાં 2021માં ઈંધણના ભાવમાં રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી હતી. જો રશિયા-યુક્રેન સંકટ ચાલુ રહેશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળી શકે છે. આપને જણાવી દઈએ કે, ભારતની કુલ આયાતમાં તેલનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારત તેની જરૂરિયાતના 80 ટકાથી વધુ તેલની આયાત કરે છે. તેલના ભાવમાં વધારાની અસર ચાલુ ખાતાની ખાધ પર પડશે.
LPG અને કેરોસીન પર સબસિડી વધી શકે છે
જો આ યુદ્ધ થશે તો ભારત સહિત દુનિયાના મોટા ભાગના દેશ આર્થિક સંકટમાં આવી જાય તો નવાઇ નહી. આ યુદ્ધ વિશ્વભરના દેશોના બજારોને અસર કરશે. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં અનિશ્ચિતતાનું વાતાવરણ રહેશે અને આર્થિક મંદી આવી શકે છે. કોરોના મહામારીએ પહેલાથી જ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને પાછળ ધકેલી દીધી છે. ત્યારે જો આ યુદ્ધ થશે તો ભારતને પણ મોટું આર્થિક સંકટ થાય તો નવાઇ નહી. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા સાથે LPG અને કેરોસીન પર સબસિડી વધવાની ધારણા છે.
અમેરિકાએ રશિયાને આપ્યો સ્પષ્ટ સંકેત
યુક્રેન બોર્ડર પર રશિયાની તૈયારીએ અમેરિકાને પણ ચોંકાવી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ રશિયન રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તેમ છતા, પુતિન પીછેહઠ કરવા તૈયાર નથી થયા. અમેરિકાએ પણ રશિયાને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, જો તે યુક્રેન પર હુમલો કરશે તો તેઓ મોસ્કો પર કડક પ્રતિબંધો લગાવશે. નિષ્ણાતોના મતે અમેરિકાના આ પગલાથી ભારતની મુશ્કેલીઓ વધશે. S-400 એર ડિફેન્સ ડીલ પણ મુશ્કેલીમાં આવી શકે છે.
ધર્મ સંકટમાં છે ભારત?
ભારતના હાલ આ બંને દેશો સાથે સારા સંબંધ છે. જો આવી સ્થિતિમાં આ બંને દેશ વચ્ચે યુદ્ધ થાય છે તો ભારતે કોઈ એકના સમર્થનમાં જવું પડશે. આવી સ્થિતિમાં તટસ્થ રહેવું ભારત માટે શ્રેષ્ઠ સ્થિતિ બની શકે છે. અમેરિકા ભારતને તેના સમર્થનમાં લાવવા માંગે છે, પરંતુ વ્યૂહાત્મક રીતે રશિયા પણ ભારતની નજીક છે.