
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થતા યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ભારતે એડવાઇઝરી જાહેર કરી છે. જે મુજબ, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો પોતે સુરક્ષિત સ્થળો પહોંચી જાય, જો તેઓ ઘરમાં છે તો તે ત્યાજ રહે. વળી જે લોકો ટ્રાવેલ કરી રહ્યા છે તે લોકો પશ્ચિમ દિશામાં આગળ વધે અને જ્યા પણ સુરક્ષિત જગ્યા મળે ત્યા અટકી જવું.
આપને જણાવી દઇએ કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આખરે યુક્રેન પર યુદ્ધની શરૂઆત કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, રશિયન હુમલા વચ્ચે યુક્રેને મોટો દાવો કર્યો છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, યુક્રેનની સૈન્યએ ગુરુવારે જણાવ્યું હતું કે, લુહાન્સ્ક ક્ષેત્રમાં પાંચ રશિયન વિમાનો અને એક લશ્કરી હેલિકોપ્ટરને ઠાર કરવામાં આવ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુબેલાએ ગુરુવારે જણાવ્યું હતું કે, પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કર્યાની ક્ષણો પછી રશિયાએ સંપૂર્ણ રીતે આક્રમણ શરૂ કર્યું છે. કુબેલાએ ટ્વીટ કર્યું, “પુતિને હવે યુક્રેન પર સંપૂર્ણ રીતે આક્રમણ શરૂ કર્યું છે. શાંતિપૂર્ણ યુક્રેનિયન શહેરો હુમલા હેઠળ છે. આ આક્રમકતાનું યુદ્ધ છે. યુક્રેન પોતાનો બચાવ કરશે અને જીતશે. વિશ્વ પુતિન અને તેમને રોકી શકે છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી, જ્યારે અન્ય દેશોને ચેતવણી આપી હતી કે, રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસના પરિણામો તેઓએ પહેલા ક્યારેય જોયા ન હોતા. પુતિને કહ્યું કે, પૂર્વી યુક્રેનમાં નાગરિકોની સુરક્ષા માટે આ હુમલો જરૂરી હતો. જોકે, અમેરિકાએ પહેલા જ દાવા અંગે આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા આ હુમલાને ખોટી રીતે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરશે.