22

ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રગનાનંદે ચેસ ટૂર્નામેન્ટમાં વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઇએ કે, આર પ્રગનાનંદે ઓનલાઈન રેપિડ ચેસ ટુર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સના આઠમાં રાઉન્ડમાં મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. 16 વર્ષીય પ્રગનાનંદ સોમવારે સવારે કાળા મહોરા સાથે રમતા કાર્લસનને 39 ચાલમાં હરાવી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
તેણે આ રીતે કાર્લસનના વિજય અભિયાનનો અંત આણ્યો હતો, જેણે અગાઉ સતત ત્રણ મેચ જીતી હતી. ભારતીય ગ્રાન્ડમાસ્ટરની આ જીત સાથે આઠ પોઈન્ટ થઇ ગયા છે અને તે આઠમાં રાઉન્ડ બાદ સંયુક્ત 12માં સ્થાને છે. અગાઉના રાઉન્ડમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરનાર કાર્લસન સામે પ્રગનાનંદનો વિજય અનપેક્ષિત હતો. તેણે અગાઉ લેવ આરોનિયન સામે માત્ર જીત નોંધાવી હતી. આ સિવાય પ્રગનાનંદે બે ગેમ ડ્રોમાં રમી હતી જ્યારે ચાર ગેમમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને અનીશ ગીરી અને ક્વાંગ લીમ સામે મેચ ડ્રો કરી જ્યારે એરિક હેન્સેન, ડીંગ લિરેન, જાન ક્રિઝસ્ટોફ ડૂડા અને શખરિયાર મામેદયારોવ સામે હાર મળી હતી.
થોડા મહિના પહેલા નોર્વેના કાર્લસન સામે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ હારી ગયેલો રશિયાનો ઈયાન નેપોમનિયાચચી 19 પોઈન્ટ સાથે ટોપ પર છે. તેઓ પછી ડિંગ લિરેન અને હેન્સેન (બંને 15 પોઈન્ટ)નો આવે છે. એરથિંગ્સ માસ્ટર્સમાં 16 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં, ખેલાડીને જીત માટે ત્રણ પોઈન્ટ અને ડ્રો માટે એક પોઈન્ટ મળે છે. પ્રાથમિક તબક્કામાં હજુ સાત રાઉન્ડ રમવાના બાકી છે.