43

છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેની સાથે સમગ્ર વિશ્વ પર ત્રીજા વિશ્વ યુદ્ધનું જોખમ પણ તોળાઇ રહ્યું છે. અમેરિકા ઘણા દિવસોથી રશિયા પર વિવિધ આક્ષેપો કરીને એવા દાવાઓ કરે છે કે યુક્રેન પર ગમે ત્યારે આક્રમણ થઇ શકે છે. ભારત સહિતના દેશોએ આ પરિસ્થિતિને જોતા યુક્રેનમાં રહેતા તેમના નાગરિકોને પરત ફરવાના નિર્દેશો પણ આપી દીધા છે. ત્યારે એકબાજુ યુક્રેન મુદ્દે અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મંત્રણા કરવા માટે તૈયાર થયા છે. તો બીજી તરફ સોમવાારે રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન તરફથી થયેલા બોમ્બમારામાં તેમની સરહદ પરની ચોકીનો નાશ થયો છે.
રશિયાની FSB સિક્યુરિટી દ્વારા દાવો
રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેનમાંથી આવેલા એક બોમ્બએ રશિયાના રોસ્ટોવ ક્ષેત્રમાં સરહદ રક્ષક ચોકીનો સંપૂર્ણપણે નાશ કર્યો છે. જો કે કોઈ જાનહાનિ થઈ નથી થઇ. આ ઘટના રશિયા અને યુક્રેનની સરહદથી 150 મીટર દૂર બની હતી. FSBને જણાવ્યું હતું કે યુક્રેનની સરકારી દળો અને પૂર્વમાં રશિયા તરફી અલગતાવાદીઓને વિભાજીત કરતી સરહદ પર ગુરુવારથી બોમ્બમારો વધારે તીવ્ર થયો છે. 21 ફેબ્રુઆરીના સવારે 9:50 કલાકે આ ઘટના બની હોવાનો રશિયન સમાચાર એજન્સી દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
રશિયાએ યુક્રેન સરહદ પર 1.6 લાખ સૈનિક ખડક્યા
તો આ તરફ અમેરિકા સહિતના અનેક પશ્ચિમી દેશો દ્વારા સતત એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે યુક્રેન સરહદ પાસે રશિયા દ્વારા 1.6 લાખ કરતા વધારે સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. જેની સાથે એવી પણ આશંકા વ્યક્ત થઇ રહી છે કે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. આ દેશોનું કહેવું છે કે જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો તેઓ રશિયા પર ાકરા પ્રતિબંધ લગાવશે. જો કે રશિયા સતત હુમલાની વાતને નકારી રહ્યું છે.
યુક્રેન સંકટ મુદ્દે પુતીન અને બાાઇડનની મંત્રણા
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ના થાય તે માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ માક્રો ઘણા પ્રયત્નશીલ છે. રવિવારે તેમણે આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે લગભગ બે કલાક સુધી વાત કરી હતી. ત્યારબાદ બાઇડન પણ યુક્રેન મુદ્દે રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતીન સાથે મંત્રણા કરવા માટે તૈયાર થયા છે. ત્યારબાદ ફ્રાંસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે યુક્રેન સંકટ મુદ્દે ફ્રાન્સના રાષ્ટ્રપતિના પ્રસ્તાવ પર બાઇડન અને પુતીન એક મંત્રણા માટે તૈયાર થયા છે. જો કે આ અંગે સોમવારે રશિયાએ એવું નિવેદન આપ્યું છે કે રશિયા અને અમેરિકા વચ્ચે મંત્રણા વિશે ચર્ચા કરવી હજુ ઘણું વહેલું ગણાશે.