
આતંકની ફેકટરી કહેવાતા પાકિસ્તાનથી સાઉદી અરબની
દૂરી વધતી જઇ રહી હોય તેવું તાજેતરમાં પ્રકાશમાં આવી રહ્યું છે. તાજેતરમાં સાઉદી
અરબના આર્મી ચીફ આ અઠવાડિયે ભારતની મુલાકાતે આવ્યા છે. સાઉદી અરેબિયાના સેના
પ્રમુખની ભારતની આ પ્રથમ અને ઐતિહાસિક મુલાકાતે પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે.
સાઉદી અરબના આર્મી ચીફની ભારત મુલાકાતને ઐતિહાસિક
ગણાવવામાં આવી રહી છે, કારણ કે તે સાઉદી આર્મી ચીફની ભારતની પ્રથમ મુલાકાત છે.
જણાવી દઇએ કે, સાઉદી અરેબિયન લેન્ડ ફોર્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ફહદ બિન
અબ્દુલ્લા મોહમ્મદ અલ-મુતૈર સોમવારે ત્રણ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. નવી
દિલ્હીમાં તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ સાઉદી
આર્મી ચીફે ભારતીય સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે સાથે પણ બંને દેશો વચ્ચે સૈન્ય
સંબંધોને મજબૂત કરવા માટે વાતચીત કરી હતી. આ જોતા પાકિસ્તાન જરૂર ચિંતામાં આવી ગયું છે. અત્યાર સુધી સાઉદી અરેબિયાને
પોતાનું ATM કાર્ડ માનનાર પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાન ભારતની કૂટનીતિક
સફળતાથી નર્વસ દેખાઇ રહ્યા છે. વર્ષ 2019 માં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને
સાઉદી અરેબિયા વચ્ચે ‘સ્ટ્રેટેજિક કોઓપરેશન કાઉન્સિલ‘ની પણ
સ્થાપના કરવામા આવી હતી. જો કે વડાપ્રધાન મોદીનાં સાઉદી અરબના પ્રવાસ પહેલા સાઉદી
અરેબિયાના ‘ક્રાઉન પ્રિન્સ‘
મોહમ્મદ બિન સલમાન તેમની પ્રથમ ભારત મુલાકાતે આવ્યા
હતા. આ દરમિયાન એક એવો નજારો જોવા મળ્યો હતો, જેણે સમગ્ર દુનિયાને અને ખાસ કરીને
પાકિસ્તાનને ચોંકાવી દીધું હતું.
જી હા, ‘ક્રાઉન પ્રિન્સ‘
મોહમ્મદ બિન સલમાનના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ પ્રોટોકોલને બાયપાસ કરીને,
પોતે એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
હતું. મોહમ્મદ બિન સલમાનની આ મુલાકાત માત્ર એક ઔપચારિકતા ન હતી, પરંતુ આ મુલાકાત દ્વારા ઘણા સંદેશાઓ સમગ્ર વિશ્વને જઈ રહ્યા હતા. મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના સંરક્ષણમંત્રી પણ છે. જોકે,
સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના સંબંધો મુખ્યત્વે તેલની આસપાસ કેન્દ્રિત રહ્યા છે.
પરંતુ વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમા આ સંબંધો
હવે તેલ સિવાયના વ્યૂહાત્મક સહયોગ પર આવી ગયા છે.
સાઉદી અરબના આર્મી ચીફની ભારત મુલાકાતને લઇને હવે
પાકિસ્તાનના વડાપ્રધાન વિપક્ષના નિશાના પર આવી ગયા છે. વિપક્ષના નેતાઓએ આ મુલાકાત
બાદ ઈમરાન ખાનને ખરીખોટી પણ સંભળાવી છે. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાકિસ્તાન
ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)એ આરોપ લગાવ્યો છે કે, ઈમરાન ખાન પાકિસ્તાનની વિદેશ નીતિમા નિષ્ફળ સાબિત થયા છે. PDMના
નેતાઓએ કહ્યું છે કે, એક સમયે સાઉદી અરેબિયા પાકિસ્તાનો સારો મિત્ર દેશ હતો, પરંતુ હવે તે ભારત સાથેના સંબંધોને મજબૂત કરી રહ્યું છે.
વિપક્ષે દાવો કર્યો છે કે ઈમરાન ખાનની સરકાર આવ્યા બાદ પાકિસ્તાને કૂટનીતિક મોરચે
હાર જોઈ છે.