10

સંબંધો બનાવવા ખૂબ સરળ છે પણ તેને નિભાવવા એટલા જ મુશ્કેલ. સંબંધો ખૂબ નાજુક હોય છે. કહેવાય છે કે દરેક સંબંધ વિશ્વાસ પર નભે છે. પોતાના પાર્ટનર સાથે દરેક નાની નાની વાતો શેર કરવાથી સંબંધ વધુ મજબૂત બને છે પરંતું ક્યારેક લોકો લાગણીવશ થઈને પોતાના પાર્ટનર સાથે એવી વાતો શેર કરે છે જે કદાચ તેમણે ક્યારેય ન કહેવી જોઈએ.
દરેક વાતો શેર ન કરો
તમે તમારા પાર્ટનર સાથે તમારા વિચારો શેર કરો એ સારી વાત છે પણ કેટલીક વાતો એવી હોય છે જેને પાર્ટનર સમક્ષ જાહેર ન કરવી જોઈએ. આમ કરવાથી તમારા સંબંધ બગડી શકે છે. કેટલીક બાબતો એવી હોય છે જેને સ્વીકારવી કે સાંભળવી પાર્ટનર માટે આઘાતજનક હોય છે. તમારો પાર્ટનર તે વાતો સાંભળે છે, પરંતુ તેના મનમાં આ બાબતોને લઈને શંકા રહેશે, જે નાની નાની વાતોમાં બહાર આવી શકે છે. તો જાણી લો કે એવી કઈ વાતો છે જે તમને તમારા પાર્ટનર સાથે ક્યારેય શેર ન કરવી જોઈએ.
તમારા ભૂતપૂર્વ પ્રેમી વિશે ન કરો વાત
દરેક માણસનો ભૂતકાળ હોય છે. કોઈની સાથે રિલેશનશિપમાં રહેવું અને પછી બ્રેકઅપ થવું એ છુપાવવા કે શરમાવવા જેવું નથી, પરંતુ તમારા પાર્ટનરને આ વાત જણાવશો નહીં કે તમારા અગાઉ પણ કોઈની સાથે સંબંધો હતા. આમ કરવાથી તે સમયે તો તે સાંભળશે, પરંતું પાછળથી તેના મગજમાં ઘણી બધી બાબતો આવશે, તેથી જરૂરી એ છે કે જે સંબંધનો અંત આવી ગયો છે તેને ભૂલીને આગળ પોતાના વર્તમાન પાર્ટનર સાથે આગળ વધવું જોઈએ.
તમારા જીવનસાથીના પરિવારનું માન રાખો
એવું જરૂરી નથી કે તમે તમારા પાર્ટનરના પરિવારના સભ્યો અને મિત્રોમાં બધાને પસંદ કરો. જો તમને તમારા પાર્ટનરના માતાપિતાની કોઈ વાત નથી ગમતી તો તમારા પાર્ટનર સામે તેમની ટીકા ન કરશો. તમારો પાર્ટનર પોતાના માતાપિતાની ટીકા નહી સાંભળી શકે. જેની અસર તમારા સંબંધો પર પડશે.
એક્સની યાદો અથવા વાતો
ક્યારે પણ પોતાની પાસ્ટ લાઈફ વિશે પોતાના જીવનસાથી સાથે ચર્ચા ન કરો. આ વાત તેના મન પર અસર કરી શકે છે. તમારા પાર્ટનરને લાગશે કે તમે હજી પણ તમારા એક્સની યાદમાં ગુમ છો અને તમે વર્તમાન સંબંધમાં ખુશ નથી, તેથી આવું ન કરો.
પાર્ટનરનું ન કરશો અપમાન
તમે જ્યારે જીવનસાથીની પસંદગી કરો છો ત્યારે જરૂરી નથી કે તેમની દરેક વાત તમને પસંદ આવે. કોઈપણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી, કોઈને કોઈ કમી દરેક વ્યક્તિમાં હોય છે. પરંતુ સંબંધ નિભાવવા માટે તમને તમારા પાર્ટનરમાં એ ખામીઓ ન શોધતા તેનામાં કયા સારા ગુણ છે તેના પર ધ્યાન આપવું જોઈએ. જ્યારે પણ તમે તમારા પાર્ટનરની ખામી વિશે વાત કરો છો તો તેને માઠું લાગી શકે છે અને તેના આત્મવિશ્વાસને ઠેસ પહોંચી શકે છે.
ઘણીવાર લાગણીવશ થઈને એવી વાતો ન કરવી જોઈએ જેનાથી તમારા પાર્ટનરનું દિલ તૂટી જાય. જો તમે ઈચ્છો છો તમારો સંબંધ ટકી રહે અને તમારા જીવનસાથીનું દિલ ન તૂટે તો આ વાતો પર જરૂરથી ધ્યાન આપજો..