9

સંવેદનાસભર ,ઋજુ અને મમતા આ શબ્દો કાને અથડાય ને આ શબ્દોને જો રૂપ આપવાનું કહેવામાં આવે તો એ કલ્પનામાં મોટાભાગના લોકોના માનસ પર સ્ત્રીની પ્રતિકૃતિની કલ્પના જ થઇ આવે કારણકે ઇશ્વરે આ તમામ ગુણ વિશેષ રીતે સ્ત્રીને બક્ષ્યા છે. કદાચ એટલે જ માતૃત્વ ધારણ કરવાનું વરદાન અને આ જવાબદારી ઇશ્વરે સ્ત્રીઓને આપી હશે. પણ હવે જાણે કે જે ગુણોથી સ્ત્રીઓ ઓળખાતી હતી તે ગુણોની જ કમી સ્ત્રીઓમાં વર્તાઇ રહી છે. કેટલીક ઘટનાઓ જે સાંપ્રતમાં સમયમાં સામે આવી રહી છે તે ઘટનાને કારણે ઘણાં પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
કેરટેકરની બર્બરતા
શનિવારે એવી જ એક ઘટના સામે આવી જેણે ગુજરાતની જનતાને વિચલીત કરી મુકી છે. સુરતથી સામે આવેલી એક ઘટના જેમાં એકમહિલા કેરટેકરની બર્બરતા સીસીટીવીમાં કેદ થઇ. આ બર્બરતાપૂર્વકનું તે સ્ત્રીનું વર્તન જોઇને દરેક સ્ત્રીનું મન ક્રોધથી ભરાઇ ગયું અનેમાથુ શરમથી ઝૂકી પણ ગયું!
શું હતી સમગ્ર ઘટના?
કોમલ નામની આ મહિલાને એક પરિવારે ખુબજ વિશ્વાસ સાથે પોતાના વહાલસોયાને સાચવવાની જવાબદારી સોંપી હશે. માતા અનેપિતા બન્ને નોકરી કરતા હોવાથી તેમણે તેમના ટ્વીન્સ બાળકોની જવાબદારી કોમલ નામની કેરટેકર મહિલાને સોંપી હતી.
પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ
ગત શનિવારના રોજ આસપાસના લોકો આ પરિવારને કહ્યું હતું કે તમારા નોકરી પર ગયા પછી તમારા બાળકોનો રડવાનો ખુબ અવાજ આવે છે. આ વાત જાણીને પરિવારે તેમના ઘરમાં સીસીટીવી લગાવ્યા હતાં. જોકે આ સીસીટીવીમાં જે દ્રશ્યો કેદ થયા એ આ પરિવાર આખુ જીવન ન ભુલી શકે તેવા દ્રશ્યો બની રહેશે. કોમલે એક દિવસ બાળકના માતા પિતાને ફોન કરીને જણાવ્યું કે તેમનું બાળક બેભાન થઇ ગયું છે. માતા પિતા ઘરે પહોંચ્યા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યું તો તબીબે આ બાળકની સ્થિતી વિશે વાત કરી તે સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ.બાળકની હાલત વિશે સાંભળતા જ પરિવારે તેમના ઘરના સીસીટીવી ચેક કર્યા. સીસીટીવીમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ખુબ દુખદ પુરવાર થયા.
કેર કરવાને બદલે નિર્દયી વર્તન આઠ માસના માસૂમ બાળક સાથે કર્યું
જે બાળકોને પ્રેમથી સાચવવા માટેની મહત્વપૂર્ણ જવાબદારી પરિવારે પૂરા વિશ્વાસ સાથે સોંપી હતી તે કેરટેકરે બાળકની કેર કરવાનેબદલે નિર્દયી વર્તન આઠ માસના માસૂમ બાળક સાથે કર્યું હતુ. એટલી હદે અમાનવીય વર્તન તે બાળક સાથે કરવામાં આવ્યુ કે તેબાળક હોસ્પિટલ સુધી પહોંચી ગયુ અને તેની હાલ બ્રેન હેમરેજની સારવાર ચાલી રહી છે. જે સીસીટીવી દ્રશ્યો પ્રાપ્ત થયા છે તેમાંબાળક સતત રડી રહ્યું હતુ અને તે બાળકની કેરટેકર તેને બેરહેમીથી મારી રહી હતી. એકદમ વિચલીત કરી મુકે તેવા આ દ્રશ્યો કોઇપણ જોઇને ક્રોધિત થઇ જાય તેવા અને દુ:ખી થઇ જાય તેવા હતા.
કેમ માણસજાત થઇ રહી છે પત્થર ?
આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન ઘટના છે. લોકોની માનસિકતા અને વર્તન કેમ હવે જડ થઇ રહ્યા છે તે સવાલ હવે આજનો સૌથી મોટો સવાલ બની ગયો છે. એક આઠ માસના માસૂમ બાળક સાથે આ પ્રકારનું વર્તન આખરે કોઇ કેવી રીતે શકે ? આ પ્રકારની ઘટનાઓથી આપણે તમામે ફરી વિચારવી પડે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઇ રહી છે.
વિભક્ત કુટુંબ જવાબદાર ?
પહેલા સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી અને તેને કારણે પરિવારના બાળકો એકબીજા સાથે અને વડીલો સાથે સચવાઇ જતા હતા, હવે નુક્લીઅર ફેમીલી વધતા પતિ પત્ની અને તેમના સંતાનો જ પરિવારમાં હોવાથી દંપતિએ તેમના બાળકોના ઉછેર માટે ડે-કેર સેન્ટર પર કે કેરટેકર પર આધારિત રહેવુ પડે છે. પરિવારના સભ્યો જેવી હુંફ અન્ય લોકો ન જ આપી શકે તે તો સ્વાભાવિક વાત છે તેથી બાળકોના ઉછેરમાં આજે અનેક ખામી જોવા મળે છે. વડીલોની હુંફ અને સંસ્કારની ઉણપ પણ અનેક બાબતો માટે જવાબદાર પુરવાર થાય છે.
દબાણ વધ્યુ છે?
લોકોની જીવનશૈલી હવે બદલાઇ છે. એક મુદ્દો છે કે આજના યુગમાં પતિ પત્ની બંન્ને નોકરી કરતા હોય છે અને બાળકોના જન્મ બાદ તેમના ઉછેરની જવાબદારી સારી રીતે નિભાવી શકતા નથી.બન્ને માટે કારકિર્દી તો મહત્વની છે જ પણ સાથે સાથે સંતાનના ઉછેરની અગત્યતાને નજર અંદાજ ન કરી શકાય. બીજો મુદ્દો એ છે કે સાંપ્રત સમયમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવું પણ ખૂબ અનિવાર્ય છે. જેની ગંભીરતા લોકો હજુ સમજતા નથી. કામનું દબાણ કે પરિવારની ચિંતા કે જેવા કારણે જો તમે દબાણ અનુભવો છો તો ડોકટરની સલાહ લો. આ વાતને સમાજ હજી સ્વીકારતો નથી તેથી જ આજકાલ મનોરોગીઓની સંખ્યા વધી રહી છે, સુરતમાં માસૂમ બાળક સાથે ધટેલી ઘટના એનું જ તો પ્રતિબિંબ છે.
સંતાન ઉછેર એક તપસ્યા
આજકાલના લોકો સંતાનપ્રાપ્તિ તો ઝંખે છે પણ સંતાનને સારી રીતે ઉછેરવું તે એક તપસ્યાથી ઓછુ નથી આ વાત તે સમજતા નથી. બાળકને જન્મ આપી દેવો જ પૂરતું નથી. તેનો ઉછેર કેવી રીતે કરવો, તેને સમય આપવો, સંસ્કારનું સિંચન કરવું આ બધી જ બાબતો ઉછેરની સાથે સાથે જોડાયેલી છે. તે ક્યાંકને ક્યાંક ચુકી જવાય છે અને તેથી જ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે.