30

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. ખાસ કરીને સૌની નજર ઉત્તર પ્રદેશમાં છે. પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ સમાજવાદી પાર્ટી (SP) થી આગળ દેખાઇ રહી છે. આ દરમિયાન અખિલેશ યાદવે કાવ્યાત્મક શૈલીમાં ટ્વીટ કરીને સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અખિલેશ યાદવે કહ્યું છે કે, પરીક્ષા હજુ બાકી છે. તેમણે કાર્યકરોને મતગણતરી પૂરી ન થાય ત્યાં સુધી સ્થિર રહેવા કહ્યું છે.
અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “પરીક્ષા હજુ બાકી છે, હવે હિંમતની, સમય આવી ગયો છે હવે ‘નિર્ણયો’નો. મતગણતરી કેન્દ્રો પર દિવસ-રાત સતર્ક અને સભાનપણે સક્રિય રહેવા બદલ SP-ગઠબંધનના દરેક કાર્યકર્તા, સમર્થક, નેતા, પદાધિકારી અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર. ‘લોકશાહીના સિપાહીઓ’ વિજયનું પ્રમાણપત્ર લઈને જ પાછા ફરે!
યુપીમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં મતદાન થયું હતું. આ પહેલા 7 માર્ચે લગભગ તમામ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુપીમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. જ્યારે, એસપીની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. યુપીના શરૂઆતી ટ્રેન્ડમાં પણ એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોમાં જ્યાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યાં ગુરુવારે મત ગણતરી માટે 50,000 થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં COVID-19 માર્ગદર્શિકાને અનુસરીને, ગુરુવારે (10 માર્ચ) સવારે 8:00 વાગ્યાથી મત ગણતરી શરૂ થઇ ગઇ છે અને બપોર સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે સાત તબક્કામાં યોજાઈ હતી.