16

યુપીમાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષ માટે પોતાની પહેલી વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરશે. આ સંબોધન દરમિયાન પ્રથમ તબક્કાના મતદાનવાળા જિલ્લાઓ પર ધ્યાન આપવામાં આવશે. ચૂંટણી પંચે કોરોના વાયરસના વધતાં કેસને લીધે રોડ શો અને રેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે, જો ચૂંટણી પંચ આ રીતે પ્રતિબંધ વધારશે તો પ્રધાનમંત્રી મોદી વર્ચ્યુઅલ રેલી કરશે.
મળતી માહિતી મુજબ 31 જાન્યુઆરીએ રેલીનું આયોજન એ રીતે કરવામાં આવશે કે એક જ વારમાં પશ્ચિમ યુપીના 4થી 5 જિલ્લાને આવરી લેવામાં આવે. પ્રારંભિક યોજના અનુસાર આ રેલી સહારનપુર, બાગપત, શામલી, મુઝફ્ફરનગર, અને ગૌતમ બૌદ્ધનગર જેવા જિલ્લાઓને કવર કરશે. પાર્ટીની યોજના આ રેલીનો ઉપયોગ કરીને આશરે 21 વિધાનસભા ક્ષેત્રોને સાધવાની છે. હાલ આ રેલીને આયોજિત કરવાનો ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરવા માટે આપી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલ રેલી માટે પ્રત્યેક ભાજપ કાર્યાલય પર એક LED સ્ક્રિન લગાવવામાં આવશે. એક LED સ્ક્રિન પર લગભગ 500 લોકોને લાવવાનો લક્ષ્ય છે. આ રીતે LED સ્ક્રિનનો ઉપયોગ કરીને એક વર્ચ્યુઅલ રેલીમાં આશરે 50 હજાર લોકો સુધી પહોંચવાની યોજના છે. LED સ્ક્રિન સિવાય, પ્રધાનમંત્રી મોદીના સંબોધનને સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. અને આ પ્રકારની વર્ચ્યુઅલ રેલીઓનું સતત આયોજન કરવાનો પણ ભાજપનો પ્લાન છે. જો કે તે ચૂંટણીપંચના નિર્ણય પર નિર્ભર છે. અત્યાર સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ કે રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, યૂપી ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ અને અન્ય ભાજપ નેતાઓ યુપીના ઘર-ઘર જઇને પ્રચાર કરી રહ્યાં છે.