31

ચૂંટણીપંચે 5 રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ચૂંટણીપંચે રોડ શો, પદયાત્રા, સાઈકલ અને વાહન રેલી પર પ્રતિબંધ રવિવાર સુધી લંબાવવામાં આવ્યા છે. પરંતુ રાજકીય સભા સંબધી નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે.
ચૂંટણી પંચે એક નિવેદન જારી કર્યુ છે જેમાં જણાવ્યુ છે કે, જાહેરમાં સભાઓ, બંધ ભવનોમાં સભાઓ તથા રેલીઓના સબંધમાં પ્રતિબંધ પર છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ બંધ જગ્યા પરની સભાઓ 50 ટકાની ક્ષમતા સાથે અને મેદાનમાં 30 ટકાની ક્ષમતા સાથે રેલી યોજી શકાશે. આ સિવાય ડોર-ટૂ-ડોર પ્રચાર માટે વધુમાં વધુ 20 લોકો સામેલ થઈ શકશે. સવારના 8થી રાત્રીના 8 સુધી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.
મહત્વનું છે કે, દેશમાં ઉત્તરાખંડ, મણિપુર, ઉત્તરપ્રદેશ, ગોવા અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં ચૂંટણી પંચ દ્વારા રાજકીય પાર્ટીઓના પ્રચાર પર નિયંત્રણ લગાવ્યા હતા. હાલ કોરોનાના કેસમાં તીવ્રતાથી ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ચૂંટણી પંચ દ્વારા નિયંત્રણ હળવા કરવાનો નિર્ણય કર્યો છે.