59

દિલ્હીમાં રમખાણોને લઈને હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, હેટ સ્પીચના મામલામાં જે નેતાઓ અને અન્ય લોકોની સામે કેસ નોંધવામાં આવ્યા છે, તેમને પણ પક્ષકાર બનાવવામાં આવે. કોર્ટે અરજદારોના વકીલને સમય આપતા કહ્યું કે, જેઓ પર રમખાણો ભડકાવવાનો આરોપ છે તેમને પક્ષકાર બનાવવામાં આવે. ન્યાયમૂર્તિ સિદ્ધાર્થ મૃદુલ અને અનૂપ જે ભંભાણીની બેન્ચે જણાવ્યું હતું કે, આવા ઘણા લોકો જેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તેમને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા નથી.
શેખ મુજતબા ફારૂક અને વકીલ વોઈસ તરફથી હાજર રહેલા એડવોકેટ કોલિન ગોન્સાલ્વિસ અને સોનિયા માથુરે કહ્યું કે, ટૂંક સમયમાં આ કેસમાં સામેલ લોકો માટે અરજી કરવામાં આવશે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે, જ્યારે અરજી આવશે ત્યારે જ તેઓ સુનાવણી આગળ ધપાવશે, જણાવી દઈએ કે, વકીલ વોઈસે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પણ આરોપો લગાવ્યા હતા. આ સિવાય આ અરજીમાં મનીષ સિસોદિયા, અમાનતુલ્લા ખાન અને અસદુદ્દીન ઓવૈસીનું નામ પણ હતું. હવે આ મામલાની સુનાવણી 16 ફેબ્રુઆરીએ થવાની છે.
કડકરડૂમા કોર્ટે પ્રથમ સજા સંભળાવી હતી
દિલ્હીની કડકરડૂમા કોર્ટે થોડા દિવસ પહેલા જ દિલ્હી રમખાણોના કેસમાં પ્રથમ વ્યક્તિને સજા સંભળાવી હતી. દિનેશ યાદવ નામના વ્યક્તિને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત તેના પર 12,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, આ રમખાણોમાં 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકોના ઘર અને દુકાનોને આગ લગાવી દેવામાં આવી હતી.
નાગરિકતા કાયદા વિરૂદ્ધ આંદોલને તોફાનોનું સ્વરૂપ લીધું હતું. દોષિત ઠેરવવામાં આવેલો વ્યક્તિ મનોરી નામની મહિલાના ઘર પર હુમલો કરનાર ટોળાનો એક ભાગ હતો. જો કે, યાદવના વકીલનું કહેવું છે કે આ સજા વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.