12

દેશના પાંચ રાજ્યોમાં જે વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે તેને લઇને રાજકીય માહોલમાં સતત ગરમાવો વધી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો, વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પુરુ થઇ ચુક્યું છે. હવે 14 તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. આ બધા વચ્ચે તમામ રાજકીય પાર્ટીઓ તથા નેતાઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાછળ રહ્યા નથી. શનિવારે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં નરેન્દ્ર મોદીએ સભાાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે વિપક્ષ તથા અન્ય રાજકિય પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા છે.
આખો દેશ જાણે છે કે આવશે તો યોગી જ: PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે ‘યૂપીમાં પૂર્ણ બહુમતિની સરકાર બનશે’. પહેલા તબક્કાના મતદાન બાદ પરિવારવાદી લોકો ઘણા ટેન્શનમાં આવી ગયા છે. લોકો એકજૂથ રહીને પોતાનો મત, ધર્મ તથા જાતિના નામ પર વિભાજિત ના થવા દેતા. સ્પર્ધા તો એ વાતની છે કે, ભાજપને કેટલી વધારે સીટો મળે છે. બાકી તો આખો દેશ જાણે છે કે, આવશે તો યોગી જ. વિકાસ માટે, રોજગાર માટે કે પછી રોકાણ માટે શાંતિપૂર્ણ વાતાવરણ એ પહેલી શરત છે. માટે જ ઉત્તરપ્રદેશ આજે કાયદા વ્યવસ્થાને સૌથી વધારે પ્રાથમિકતા આપી રહ્યું છે. ઉત્તર પ્રદેશનો સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજી ગયો છે કે, ગુંડાઓ અને અસામાજિક તત્વોનો એક માત્ર ઇલાજ ભાજપ જ છે.’
પ્રથમ તબક્કાના મતદાન બાદ પરિવારવાદીઓની ઉંઘ હરામ: PM મોદી
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, ‘ગુજરાતના લોકોએ જ્યારે ભાજપને તક આપી, ત્યારથી ગુજરાતની સ્થિતિ બદલાાઇ ગઇ છે. ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કાના મતદાન બાદ એક વાત નક્કી છે કે, પરિવારવાદીઓને સપનાઓ દેખાવાનું બંધ થઇ ગયું છે. તેમની ઉંઘ હરામ થઇ ગઇ છે. આવા લોકો જાતિવાદ અને સંપ્રદાયના નામે ઉત્તરપ્રદેશની જનતાનું વિભાજન કરવા માંગતા હતા. જો કે, ઉત્તરપ્રદેશના લોકો આવા માફિયા તથા હુલ્લડખોરો સામે એકજૂથ થઇને મત આપી રહ્યા છે. યોગી આદિત્યનાથના નેતૃત્વએ જે રીતે હુલ્લડોને રોક્યા છે, અમે તેને સ્થાયી સ્વરુપ આપવા માંગીએ છીએ. અમારે ફરી વખત આવી ગુનાખોરીને ઉત્તર પ્રદેશમાં નથી જોઇતી.જે લોકોનો રાજકીય પાયો ગુંડાગીરી, અપરાધ તથા ભ્રષ્ટાચાર પર ટકેલો હોય તેઓ ક્યારેય સુધરી ના શકે. તમે જુઓ કે, આ લોકોએ કેવા કેવાને ટિકિટ આપી છે. તેમના મોટાભાગના ઉમેદવારો અપરાધી છે અને કેટલાક તો જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ’