37

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ વિધાન સભાના ચૂંટણી પ્રચાર માટે પંજાબના પઠાણકોટ પહોંચ્યા હતા. ત્યાં પંજાબ પ્રચારની બીજી રેલીમાં વિપક્ષ પર ફરી એકવાર નિશાના સાધ્યુ. તેમણે કટાક્ષમાં કહ્યું કે આપ પાર્ટી કોંગ્રેસની ઝેરોક્ષ કોપી છે, એકે પંજાબ લૂટ્યું અને બીજાએ દીલ્હીને. આ પહેલાં જલંઘર ખાતે યોજાયેલી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘અમે વિજય રેલી કરી રહ્યા છીએ.આપણા ગુરુઓ અને સંતોની વાતને અનુસરીને આપણે 21મી સદીના નવા પંજાબનું નિર્માણ કરીશું.’ પી.એમ મોદીએ કહ્યું કે લોકોની ભાવના અને ઉત્સાહ 20મી તારીખે ભાજપ અને એન.ડી.એ.ની જીત નક્કી કરશે. હું તમારી તાકાતમાં વિજયી અનુભવું છું.” સાથે જ રમૂજી અંદાજમાં વડાપ્રધાને કહ્યું કે, “અમે હસતા પંજાબ, બસદા પંજાબ, નચતા પંજાબ, ચડ્ડા પંજાબ બનાવીશું.
મહામારીમાં ભાજપ સરકારે રવિદાસજીની ભાવનોઓને પ્રાથમિકતા આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પઠાણકોટ રેલીમાં સંત રવિદાસજીના એક દોહાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સંત રવિદાસજીએ કહ્યું હતું કે ‘ઐસા ચાહું રાજ મેં મિલે સબન કો અન્ન, છોટ- બડો સબ સમ બસે , રવિદાસ રહે પ્રસન્ન’. સબકા સાથ-સબકા વિકાસના મંત્ર સાથે ચાલતી ભાજપ પણ સંત રવિદાસજીના આ શબ્દોમાંથી પ્રેરણા લે છે. ગરીબોનું કલ્યાણ આપણા માટે સર્વોપરી છે. 100 વર્ષના મહામારીના સમયમાં પણ અમારી સરકારે રવિદાસજીની ભાવનોઓને પ્રાથમિકતા આપી આખા દેશમાં મફત રાશન વિતરણ કર્યું.
જૂની યાદો તાજી કરી
પીએમ મોદીએ તેમની દમદાર શૈલીમાં કહ્યું કે,’તમામ વૃદ્ધોના એ ચહેરા આજે પણ મારી આંખ સામે આવે છે, જ્યારે હું એક સાદા કાર્યકર્તા તરીકે તે ક્યારેક ટુ વ્હીલર અને ક્યારેક ટ્રેન દ્વારા અહીં પહોંચતો હતો. ક્યારેક હું દિલ્હીથી જમ્મુ જતો ત્યારે પઠાણકોટના લોકો મારા માટે જમવાનું લઈને આવતા હતાં.’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અહીંની માટીએ મને માતા જેવો પ્રેમ આપ્યો છે. મને અને ભાજપને અન્ય રાજ્યોમાં સેવા કરવાની મળી તે પંજાબમાં નથી મળી.’
કોંગ્રેસ અને આપ પર કર્યો પલટવાર
જ્યારે પઠાણકોટમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે કોંગ્રેસના નેતાઓએ આપણી સેના પર શંકા વ્યક્ત કરી હતી. પુલવામા હુમલાની વરસી પર પણ કોંગ્રેસીઓ તેમની પાપ લીલા રોકી શક્યા ન હતાં. તેમે ફરીથી સેનાની બહાદુરીનો પુરાવો માંગ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સરહદ અને સંવેદનશીલ પંજાબની સુરક્ષા આવા લોકોને આપી ન શકાય છે, જો તેમને ફરી તક મળશે તો તે પંજાબની સુરક્ષાને જોખમમાં મુકવામાં જરાય ખચકાશે નહીં. અગાઉ કોંગ્રેસમાં કેપ્ટન જેવા નેતાઓ હતા જે તેમને ખોટા રસ્તે જતા અટકાવતા હતાં હવે તે પણ જતાં રહ્યાં. પીએમ મોદીએ પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જો કોંગ્રેસ અસલી છે તો તમે તેની ઝેરોક્ષ છો. આપ અને કોંગ્રેસ પંજાબમાં ‘નૂરા કુસ્તી’ રમી રહ્યાં છે, ‘એક જ થાલી કે ચટ્ટે બટ્ટે’ હોવા છતાં એકબીજાના આમને સામને હોવાનો ઢોંગ કરી રહ્યાં છે.
બહેનો અને દીકરીઓ પણ સેનામાં ખભે ખભા મિલાવીને ઊભી રહેશે
અમારી સરકાર સેનાને આધુનિક બનાવી રહી છે. ભાજપ સરકાર સેનામાં મહિલાઓને નવી તકો આપી રહી છે. જો પંજાબમાં ભાજપની સરકાર બનશે તો દીકરીઓ લશ્કરી શાળાઓમાં ભણશે અમારી બહેનો અને દીકરીઓ પણ સેનામાં ખભે ખભા મિલાવીને ઊભી રહેશે. અમે દેશમાં ઘણી નવી સૈન્ય શાળાઓ ખોલવાનું નક્કી કર્યું છે. આ શાળાઓમાં છોકરીઓને પણ પ્રવેશ મળશે. સરહદી શાળાઓમાં એન.સી.સી. વિસ્તરણનો નિર્ણય લેવાયો છે. સરહદી વિસ્તારોમાં વાઈબ્રન્ટ વિલેજ યોજના લાગુ કરવામાં આવશે. સરહદી ગામોને વિશેષ સુવિધા આપવામાં આવશે.