60

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ ચાલી રહી છે. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ મેચ ડ્રો પર ખતમ થઈ હતી, ત્યારબાદ બંને ટીમો હવે કરાચીમાં ઉતરશે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર એલેક્સ કેરી અકસ્માતનો શિકાર બન્યો છે. જો કે વિકેટકીપર-બેટ્સમેનને કોઈપણ પ્રકારની ઈજા થઈ ન હતી, પરંતુ અકસ્માત એક રમુજી ટુચકામાં ફેરવાઈ ગયો.
વાસ્તવમાં, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ કરાચી પહોંચ્યા પછી હોટલમાં પ્રવેશી રહી હતી, તે સમયે એલેક્સ કેરી સાથી ખેલાડી સાથે વાત કરતી વખતે સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. એલેક્સ કેરી વાતોમાં એટલો ખોવાઈ ગયો હતો કે તેને સ્વિમિંગ પૂલનો ખ્યાલ પણ ન આવ્યો અને બેગ-મોબાઈલ સાથે પાણીમાં પડી ગયો. પૂલમાં પડી જવાનો વિડીયો 7 ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડીયોને અત્યાર સુધીમાં 68 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એલેક્સ કેરીનો પૂલમાં પડવાનો વિડીયો વાયરલ થયા બાદ ચાહકોની સતત કોમેન્ટ્સ સામે આવી રહી છે. લોકો મીમ્સ બનાવી રહ્યા છે અને હસતા ઇમોજી પણ શેર કરી રહ્યા છે. દરમિયાન, એક ચાહકે આશંકા વ્યક્ત કરી. પ્રશંસકનો આરોપ છે કે, કોઈએ કેરીને પાછળથી ધક્કો માર્યો હશે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ 24 વર્ષ બાદ પાકિસ્તાન આવી છે. ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાંથી પ્રથમ ટેસ્ટ ડ્રો પર સમાપ્ત થઈ હતી. રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં કુલ 14 વિકેટ પડી હતી, જેના કારણે સપાટ પિચની પણ ઘણી ટીકા થઈ રહી છે. એલેક્સ કેરીને રાવલપિંડી ટેસ્ટમાં રમવાની તક મળી અને તેણે 43 બોલમાં 19 રન બનાવ્યા. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 માર્ચથી કરાચીમાં રમાવાની છે. ત્રીજી અને અંતિમ ટેસ્ટ 21 માર્ચથી લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. આ પછી ત્રણ મેચની ODI શ્રેણી અને એકમાત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.