14

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ, મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટથી વેસ્ટઈન્ડિઝને હરાવીને સીરિઝની પ્રથમ મેચ પોતાના નામે કરી છે અને સીરિઝમાં 1-0ની લીડ મેળવી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે મેચમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે નિકોલસ પૂરનનાં 61 રનની મદદથી 157 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતીય ટીમને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે આ લક્ષ્યાંક 6 વિકેટ બચાવીને હાંસલ કરી જીત મેળવી હતી.
મેચમાં ભારતીય બોલરોનો રહ્યો દબદબો
લેગ-સ્પિનર રવિ બિશ્નોઈએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ મેચમાં જ તેણે પોતાનો જાદું બતાવ્યો અને ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રવિએ આ બંને વિકેટ એક જ ઓવરમાં લીધી હતી. આ ઉપરાંત હર્ષલે પણ બે વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર, દીપક ચહર અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી. રવિ બિશ્નોઈને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ક્રિઝ પર આવતાની સાથે જ તેણે સિક્સર અને ફોરનો વરસાદ કર્યો હતો. કેપ્ટન શર્માએ 19 બોલમાં 40 રન બનાવ્યા જેમાં ત્રણ સિક્સર અને ચાર બાઉન્ડરીનો સમાવેશ થાય છે. જયારે પૂર્વ કેપ્ટન કોહલીએ ફરી એક વાર ફેનને નિરાશ કર્યા હતા. તે માત્ર 17 રન બનાવીને આઉટ થયો હતો. જયારે, ઈશાન કિશને 35 રન ફટકાર્યા હતા અને અંતમાં સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે ટીમને જીત અપાવી હતી.
ભારતની સતત 7મી જીત
T20 ફોર્મેટમાં ભારતીય ટીમની આ સતત સાતમી જીત હતી. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા સતત જીત મેળવી રહી છે. આ દરમિયાન ભારતે T20 વર્લ્ડ કપમાં નામીબિયા, અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું.
T20માં ભારતનો સતત દબદબો રહ્યો
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 18 T20 મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 11 મેચ જીતી છે અને વેસ્ટ ઈન્ડિઝે છ મેચ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું.