
વનડે સીરિઝ 3-0થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા T20 સીરિઝમાં પણ આ જ ક્રમ ચાલુ રાખવા આવતી કાલે (બુધવાર) મેદાનમાં ઉતરશે. કોલકાતાનાં
ઈડન ગાર્ડન્સ ખાતે બુધવાર (16 ફેબ્રુઆરી)થી ત્રણ મેચની T20 સીરિઝ શરૂ થશે. દરમિયાન, સીરિઝની શરૂઆત પહેલા, ભારતીય સુકાની રોહિત શર્માએ મીડિયાને સંબોધિત કર્યું અને ઘણા સવાલોનાં જવાબ આપ્યા
હતા.
અચાનક બીજો અવાજ આવતા રોહિત ચોંકી ગયો
જો કે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલીક ફની મોમેન્ટ્સ પણ જોવા મળી હતી. આ વર્ચ્યુઅલ
પ્રેસ કોન્ફરન્સ હોવાથી તમામ પત્રકારો ઝૂમ કોલ દ્વારા તેમાં જોડાયા હતા. આ દરમિયાન
કેટલાક મીડિયાકર્મીઓ માઈક્રોફોન બંધ કરવાનું ભૂલી ગયા હતા અને તેના કારણે પ્રેસ કોન્ફરન્સ
પણ થોડીવાર માટે અવરોધાઈ હતી. આ દરમિયાન 34 વર્ષીય રોહિત મેદાન વિશે વાત કરી રહ્યો
હતો અને અચાનક બીજો અવાજ આવ્યો,
“ત્રીજા વિશ્વ યુદ્ધનું કાઉન્ટડાઉન
શરૂ થઈ રહ્યું છે.” આ સાંભળી રોહિત થોડીવાર માટે વિચારતો જ રહી ગયો હતો. જો
કે બાદમાં હસતા તેણે આગળ પોતાની વાત શરૂ કરી હતી. હવે આ જ વીડિયો થોડી જ વારમાં વાયરલ
થઈ ગયો છે, અને ચાહકો તેના વિશે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા
છે. આ દરમિયાન, અનુભવી ઓપનરે કોહલીનાં ફોર્મ વિશે વાત કરતા મીડિયા
પર નિશાન સાધ્યું હતું.
કોહલીનાં ફોર્મ પર ઉઠ્યા સવાલ તો ગુસ્સે ભરાયો
રોહિત
છેલ્લા ઘણા સમયથી રોહિત અને કોહલીનાં વચ્ચે વિવાદ ચાલતો હોવાની ચર્ચાએ જોર
પકડ્યુ હતુ, પરંતુ મીડિયા સમક્ષ રોહિતે હંમેશા વિરાટ કોહલીનાં વખાણ કર્યા છે. જેનુ
તાજુ ઉદાહરણ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ જોવા મળ્યુ હતુ. જી હા, જ્યારે આ પ્રેસ
કોન્ફરન્સમાં વિરાટ કોહલીનાં ખરાબ ફોર્મ પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રોહિત મીડિયા
પર ગુસ્સે થઈ ગયો અને તેણે કહ્યું- તમે લોકો શાંત રહેશો તો બધુ ઠીક થઈ જશે. વિરાટ છેલ્લા
કેટલાક સમયથી ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. વિન્ડીઝ સામેની ત્રણ વનડે મેચમાં
તે 8, 18 અને 0નો સ્કોર જ કરી શક્યો હતો. રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું
કે, “તમે લોકો તેને થોડા સમય માટે
છોડી દો, તે ઠીક થઈ જશે. વિરાટ
છેલ્લા એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ
આટલા લાંબા સમય સુધી ક્રિકેટ રમે છે ત્યારે તે દબાણમાં આવી જાય છે. બાકીનું બધું મીડિયા
પર નિર્ભર છે. તેને થોડો સમય આપો, તે ઠીક થઈ જશે.”