61

ભારતમાં શહેરથી લઇ ગામડાઓમાં અવનવા જુગાડ કરી એવી-એવી વસ્તુઓ બનાવવામાં આવે છે જેની કોઇ કલ્પના પણ ન કરી શકે. જીહા, આવો જ એક જુગાડ બિહારના એક યુવકે કર્યો છે, જે જોઇ સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે.
હાલ સમગ્ર ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ચોક્કસ તમને પણ ઘણી દાવતો માટે આમંત્રણ આપવામાં આવ્યું હશે. આપણે બધા આ વાત સારી રીતે જાણીએ છીએ કે, દરેક વ્યક્તિ પોતાના લગ્નના પ્રસંગને થોડો અલગ બનાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરે છે. કેટલાક લોકો બગ્ગી પર દુલ્હનના ઘરે પહોંચે છે તો કેટલાક લોકો મોંઘા વાહનો લઈને જાય છે. પરંતુ હવે લોકો લગ્નમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા પણ જોવા મળશે. પરંતુ ખરી સમસ્યા એ છે કે હેલિકોપ્ટરનું ભાડું એટલું મોંઘું છે કે દરેક વ્યક્તિને તે પોસાય તેમ નથી.
આવી સ્થિતિમાં આ લોકો માટે બિહારના એક વ્યક્તિએ સસ્તા જુગાડે દેશભરમાં હેડલાઇન બનાવી છે. એક વ્યક્તિએ ટાટાની નેનો કારને હેલિકોપ્ટરના લુકમાં બદલી નાખી છે. આ અનોખો જુગાડ બનાવનાર વ્યક્તિ બગહાનો રહેવાસી ગુડ્ડુ શર્મા છે. ગુડ્ડુએ 2 લાખ રૂપિયા ખર્ચીને નેનો કારને હેલિકોપ્ટર બનાવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ગુડ્ડુએ સેન્સરનો ઉપયોગ કરીને કેટલાક ફેરફારો પણ કર્યા છે. હવે લોકો લગ્ન માટે તેમના આ હેલિકોપ્ટરને બુક કરાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 લોકોએ તેનું બુકિંગ કરાવ્યું છે. આ મામલો સોશિયિલ મીડિયામાં આગને જેમ ફેલાવા લાગ્યો છે.
ગુડુએ કહ્યું કે, લગ્ન દરમિયાન હેલિકોપ્ટર બુક કરાવવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ છે અને તેની માગ પણ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ઇચ્છે છે કે, તેઓ હેલિકોપ્ટર દ્વારા તેમના લગ્નમાં જાય, પરંતુ વધુ ભાડાને કારણે દરેક માટે તે શક્ય નથી. એટલા માટે મેં મારી ટાટા નેનો કારમાં ફેરફાર કર્યો છે અને તેને હેલિકોપ્ટરની ડિઝાઈન આપી છે જેથી લોકો ઓછા ખર્ચે પણ તેમનો શોખ પૂરો કરી શકે.
શર્માએ ટાટા નેનોને હેલિકોપ્ટર દેખાવ આપવા માટે તેમા મેટલ શીટનો ઉપયોગ કરીને મુખ્ય રોટર, ટેલ બૂમ અને ટેલ રોટર ઉમેર્યા છે. તે હાલમાં નેનોને લગ્ન માટે ભાડે આપવા માટે તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છે, અને તેને વધુ આકર્ષક દેખાવ આપી રહ્યા છે.