52

છેલ્લા થોડા દિવસથી ટીવી ન્યુઝ ચેનલો ઉપરના રશિયા યુક્રેનના યુધ્ધની વિભિશિકાઓની ( હૈયું હોય તો ) હૈયાને કંપાવતી તસવીરો રાજકીય ચશ્મા ઉતારીને, આપણા આગ્રહો અને પૂર્વગ્રહો છોડીને જોતાં પ્રશ્ન જાગે કે શું ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ કે બીજો કોઇ પણ વિકાસવાદ આપણો ભ્રમ તો નથી ને ?
સાંભળ્યું ને વાંચ્યું છે કે પ્રાગૈતિહાસિક
યુગમાં ખૂંખાર જંગલી જાનવરોથી પોતાને બચાવવા માટે આદિમાનવો પોતે બનાવેલી ગુફાઓ કે પર્વતોની બખોલોમાં છુપાઇ જતા હતા અને એ રીતે જંગલી જાનવરોના આક્રમણથી પોતાને બચાવવાનો પ્રયત્ન કરતા હતા.
છેલ્લા થોડા દિવસથી ટીવીની ન્યુઝચેનલોમાં યુક્રેનના નાગરિકો મિસાઇલ્સ અને પરમાણુ હુમલાઓથી પોતાની જાતને બચાવવા મકાનોના ભોંય તળિયામાં, મેટ્રો રેલ્વે સ્ટેશનમાં કે બંકરોમાં છુપાઇ જઇને પોતાના અને પોતાના પરિવારના જીવ બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. ક્યાંક ક્યાંક તો ખાવા પીવાની અછત તો ક્યાંક યુવાન પતિ પત્ની એક બીજાને વળગીને આંખમાં મૃત્યુની આશંકા સાથે જાણે કે પોતાના અંતનો આરંભ જોઇ રહ્યા છે. કોઇક માતાના ખોળામાં ભયભીત થઇને લપાઇ ગયેલા બાળકની આંખોમાં તગતગતો માસુમ ભય આપણું હૈયુ હચમચાવી નાખે છે, કોઇ ઘવાયેલા વયસ્ક નાગરિકની આંખોમાંથી વહેતા આંસુ પાણીના નહીં પણ લોહીના હોય એવું લાગે છે.
કયા દેશે કયા દેશ ઉપર આક્રમણ કર્યું તે આપણી ચર્ચાનો વિષય નથી પણ માનવ ઉત્ક્રાંતિનો ઇતિહાસ ધડમૂળમાંથી ખોટો પડી રહ્યાના પ્રમાણો આપણી ચર્ચા, ચિંતા કે ચિંતનનો મુદ્દો જરૂર બને છે.
અમીબાથી શરૂ થયેલી ઉત્ક્રાંતિ આજે 21મી સદીના આંગણામાં ઉભી છે ત્યારે સાગરના તળિયાનો તાગ મેળવવાને બ્રહ્માંડના રહસ્યો ઉકેલવાની ક્ષમતા સુધી વિકસેલા માનવ મનમાંથી દેશ દેશ વચ્ચેના વર્ચસ્વ સ્થાપવાના કે વધારવાના – કે પછી બીજા કોઇપણ કારણે થતા યુધ્ધો અને આક્રમણો આદિનકાળમાં ગુફામાંને આજે બોગદા કે બંકરોમાં છુપાઇને જીવરક્ષા કરતાં માનવ ચિત્રોમાંથી ડૂસકા ભરતી માનવ ઉત્ક્રાંતિની ચીસો અને ચિત્કાર દેખાય અને સંભળાય છે. શું આપણે 21મી સદીમાં ઉત્ક્રાંતિનું ફેરમૂલ્યાંકન કરવા સુધી જ પહોંચ્યા છીએ? આ સવાલ આપણે આપણને જ પૂછવાનો છે અને એનો જવાબ પણ આપણે જ આપવાનો છે.