49

વેલેન્ટાઇન ડે. આમ, તો આપણે સૌ જાણીએ જ છીએ કે, આજની યુવાપેઢી દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેની ઊજવણી કરતા હોય છે. આજનાં સમયમાં વેલેન્ટાઈન ડેને વ્યાખ્યાયિત કરવાની કોઈ આવશ્યક્તા નથી. વેલેન્ટાઈન ડે એટલે પ્રેમીઓ માટે પ્રેમનો તહેવાર, વસંતની બૌછાર, લાગણીઓની ભરમાર. પ્રેમ એ ચુંબન, આલિંગન કે સહવાસનો મોહતાજ નથી. પણ, પ્રેમ એ સન્માન, કાળજી, દરકાર અને સંબંધની ગરિમાની ધરોહર છે. પ્રેમ એવી જ્વાળા છે, જે ભલભલા પાષાણ હ્રદયને પીગળાવી લાગણીમાં તરબતર કરી દે છે. પ્રેમમાં વાસના, અહંકાર, છલ, કપટ, દૂરાચાર, જેવા શબ્દો વર્જિત છે.
પ્રેમ એવો બગીચો છે, જેમાં લટાર મારનારનું જીવન મહોરી ઉઠે છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેનાં હૈયે પ્રેમનો રંગના ચઢ્યો હોય. પ્રેમની ઘેલછા જ એવી છે કે, પ્રેમના દરિયામા ડૂબકી લગાવવા વ્યક્તિ નીડરતાથી ગમે તેવું સાહસ ખેડવા તૈયાર હોય છે. પ્રેમની નાવમાં સવાર વ્યક્તિ તોફાની લહેરને પડકારવા પરિપક્વ થઈ જાય છે. પ્રેમ શબ્દ જ એવો છે કે જેનાં રસપાનથી સ્વયં ભગવાન પણ બાકાત રહી શક્યા નથી. આ ક્ષણે એક ગીતના શબ્દો યાદ આવી રહ્યા છે.
“ભગવાન પણ ભૂલો પડ્યો, પ્રેમમાં ભગવાન પણ ભૂલો પડ્યો.” ત્યારે, એક સવાલ એ ઉઠે છે કે, શું પ્રેમ વ્યક્ત કરવા માટે એક દિવસ પૂરતો છે? પ્રેમના માટે તો દિવસ શું દાયકા અને સદીઓ પણ ઓછી પડે એમ છે. તો ચાલો આ પ્રેમોત્સવમા પ્રેમને નવી પરિભાષામાં ઢળીએ.
સામાન્ય રીતે વ્યક્તિ હંમેશા બીજાનાં માર્ગમાં લાગણીના ફૂલ વિખેરવામાં એટલો મગ્ન બની જાય છે કે, પોતાની જાત પ્રત્યે બિલકુલ પણ સજાગ રહેતો નથી. પ્રેમ મેળવવાની લાલસામાં કેટલીક વખત પોતાની જાતને પણ કષ્ટ પહોંચાડી દે છે. ખરેખર પોતાના જીવનમાં પ્રેમ મેળવવા સૌથી પહેલું જો કોઈ હકદાર હોય, તો એ જે તે વ્યક્તિ પોતે છે. તો આ વેલેન્ટાઈન ડે પર શરૂઆત કરો પોતાની જાતને પ્રેમ કરવાની. પોતાની જાતને પ્રાધાન્ય આપવાની, પોતાની આંતરિક ભાવનાઓને સમજવાની, પોતાની પસંદ અનુરૂપ જીવન જીવવાની અને શરૂઆત કરો પોતાની જાતને ખુશ રાખવાની.
ઘણી વખત પોતાની ઈચ્છા ન હોય તો પણ માત્ર પોતાના પ્રિય પાત્રની ઈચ્છા પુરી કરવા માટે વ્યક્તિ પોતાની ઈચ્છાઓનું ગળું ઘોંટી દે છે. ઘણી વખત વ્યક્તિનું મન મૂંઝાયેલું હોય છતાંય પ્રિય પાત્રનો મૂંઝારો સાંભળવા પોતાનો મૂંઝારાને હૈયામાં જ ગરકાવ કરી દે છે. દરેક વ્યક્તિને પોતાનું એકાંત વ્હાલું હોય છે, પોતાનું એકાંત માણવું હોય છે, પોતાની જાત સાથે વાત કરવી હોય છે, પરંતુ પોતાના પ્રિયજનની ઈચ્છાને પ્રાધાન્ય આપી પોતાના એકાંતનું દેહાંત કરી દે છે. તો શું એવું ન થાય કે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરે, પોતાનીઓ ઈચ્છાઓને પણ મુક્ત રીતે ખીલવાની તક આપે.
સંબંધ, હૂંફ, લાગણી, વિશ્વાસ, સ્પર્શ, વેદના, પીડા આ એવા શબ્દો છે, જે પ્રેમની સાથે નિઃશુલ્કપણે ભેટમાં આવતા હોય છે. વ્યક્તિ કમાવા નીકળે છે પ્રેમ અને સાથે નફામાં લઈને આવે છે આ દરેક પાસા અને વ્યક્તિ હસતા મોઢે આ તમામ પાસાઓનો અંગીકાર કરી લે છે, પરંતુ પોતાની જાતને પ્રેમ કરવા માટે વ્યક્તિ ક્યાંકને-ક્યાંક પાછો પડે છે. જો તમે પોતાની જાતને ખુશ રાખશો તો આપમેળે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે, જો તમે પોતે તમારી જાતને પ્રેમ કરશો તો આસપાસનાં લોકો આપમેળે તમને પ્રેમ કરશે. બસ જરુર છે તો એક શરૂઆતની. એક એવી શરૂઆત જે તમારા જીવનને બનાવશે પ્રેમમય.
આ વેલેન્ટાઈન ડેના દિવસે પોતાની જાતને જ બનાવો પોતાનું પ્રિય પાત્ર, અને ડૂબી જાઓ પોતાના ગળાડૂબ પ્રેમમાં. જીવન આપમેળે પ્રેમમય બની જશે.