પ્રાકૃતિક ખેતી, ગૌ-સંવર્ધન સહિત સામાજીક કાર્યોના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે જન્મદિન
ગુજરાત (Gujarat)ના રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રતજી (Acharya Devvratji)નો આજે જન્મદિવસ છે. રાજ્યપાલ તરીકે રાજભવનમાં બેસીને રાજ્યની ચિંતા કરવાના બદલે હંમેશા તેઓ રાજ્યના વિવિધ શહેરો અને ગામોની મુલાકાત લેતા રહે છે. આચાર્ય દેવવ્રતજી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના ભારે હિમાયતી છે અને ગૌ સંવર્ધન માટે પણ કાર્ય કરી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે પણ રચનાત્મક કાર્યો કરવા માટે તેઓ જાણીતા છે. તેઓ યોગ અને ઝીરો બજેટ ક
09:47 AM Jan 18, 2023 IST
|
Vipul Pandya
ગુજરાત (Gujarat)ના રાજ્યપાલ (Governor) આચાર્ય દેવવ્રતજી (Acharya Devvratji)નો આજે જન્મદિવસ છે. રાજ્યપાલ તરીકે રાજભવનમાં બેસીને રાજ્યની ચિંતા કરવાના બદલે હંમેશા તેઓ રાજ્યના વિવિધ શહેરો અને ગામોની મુલાકાત લેતા રહે છે. આચાર્ય દેવવ્રતજી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના ભારે હિમાયતી છે અને ગૌ સંવર્ધન માટે પણ કાર્ય કરી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે પણ રચનાત્મક કાર્યો કરવા માટે તેઓ જાણીતા છે. તેઓ યોગ અને ઝીરો બજેટ કૃષિમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના 64માં જન્મદિન નિમીત્તે ગુજરાત ફર્સ્ટ તેમને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
આચાર્યજીનો 1959માં જન્મ
મુળ હરિયાણાના પાણીપતના વતની આચાર્ય દેવવ્રતજીનો જન્મ 18 જાન્યુઆરી, 1959ના રોજ થયો હતો. તેમણે હિન્દી અને ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે અને બી.એડ પણ કર્યું છે. આ સાથે તેમણે નેચરોપેથી અને યોગિક સાયન્સમાં ડિપ્લોમા પણ કર્યું છે. તેઓ શિક્ષણકાર્ય સાથે પણ સંકળાયેલા છે અને 34 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.
આચાર્યજી આર્ય સમાજ પ્રચારક હતા
આચાર્ય દેવવ્રતજી આર્ય સમાજ પ્રચારક હતા અને હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા તરીકે પણ તેમણે સેવા આપી હતી. આચાર્ય દેવવ્રતજીનું મુળ નામ સુભાષ હતું પણ આર્ય સમાજ સાથે જોડાયા બાદ 1981માં તેઓ સુભાષમાંથી આચાર્ય દેવવ્રત બન્યા હતા. ગુરુકુળમાં તેમણે વિદ્યાર્થીઓમાં આદર્શ મનુષ્યના સંસ્કારના સિંચન કર્યું હતું. તેઓ તેમના દૈનિક જીવનમાં પ્રમાણિક્તા, શિસ્ત, નિયમીતતા માટે જાણીતા છે. તેઓ 1981થી 2015 સુધી કુરુક્ષેત્રના ગુરુકુળમાં આચાર્ય હતા. તેમણે હિમાચલ પ્રદેશ વિશ્વ વિદ્યાલય અને ચૌધરી સરવણ કુમાર કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ પણ રહી ચુક્યા છે. તેમને 2003માં યુએસએસ પ્રમાણપત્ર એક્સેલેન્સ એવોર્ડ પણ મળ્યો હતો.
2015માં હિમાચલપ્રદેશના રાજ્યપાલ બન્યા
આચાર્ય દેવવ્રતજી 2015માં હિમાચલપ્રદેશના રાજ્યપાલ બન્યા હતા અને તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે આચાર્યજીએ ડ્રગ્સના ઉપયોગ સામે કાર્યવાહી કરાવી હતી. ઉપરાંત અસહિષ્ણુતા સહિતના સામાજીક મુદ્દાઓ સામે પણ કાર્યવાહી કરાવી હતી.
2019માં બન્યા ગુજરાતના રાજ્યપાલ
જુલાઇ 2019માં તેમની નિમણુંક ગુજરાતના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી તેઓ રાજ્યપાલ તરીકે ગુજરાતની સેવા કરી રહ્યા છે.
આચાર્ય દેવવ્રતજી અનેક સામાજીક કાર્યો કરે છે
આચતાર્ય દેવવ્રતજી એવું વ્યક્તિત્વ ધરાવે છે કે સામાન્ય માણસ પણ તેમનાથી આકર્ષાય છે. તેઓ રાજ્યપાલ તરીકે રાજભવનમાં બેસીને રાજ્યનો વહિવટ કરવાના બદલે રાજ્યના વિવિધ વિસ્તારોની પણ મુલાકાત લે છે અને લોકો સાથે સીધો સંવાદ કરે છે. આચાર્ય દેવવ્રતજી અનેક સામાજીક કાર્યો કરે છે. તેઓ યોગને પ્રોત્સાહન આપવાની સાથે ગૌ વંશ બચાવવા અને તેનું સંવર્ધન કરવાના પણ પ્રયાસો કરે છે. રાજભવનમાં પણ તેઓ ગાયોની સંભાળ રાખી રહ્યા છે.
ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે જાણીતા
ખાસકરીને આચાર્યજી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખુબ જ ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે. તેઓ ખેતીને પણ એટલું જ પ્રોત્સાહન આપે છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા અને તેના ફાયદા ખેડુતો સુધી પહોંચાડવા તેઓ ગામડાઓનો પણ પ્રવાસ કરે છે અને જ્યાં જાય ત્યાં તેઓ ખેડુતોને રુબરુ મળી પ્રાકૃતિક ખેતી માટે સમજ આપતા જોવા મળે છે. તેમના પ્રોત્સાહનથી 2 લાખ કરતા વધુ ખેડુતો ગાય આધારીત ખેતી તરફ વળ્યા છે.
કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પણ પ્રોત્સાહન આપે છે
આચાર્ય દેવવ્રતજી કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પણ પ્રોત્સાહન આપે છે. સ્ત્રી ભૃણ હત્યા અને બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન સાથે પણ તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે. ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે તેમણે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પણ પ્રવાસ કર્યો છે.
શિસ્ત અને નિયમીતતાના આગ્રહી
આચાર્ય દેવવ્રતજી શિસ્ત અને નિયમીતતાના આગ્રહી છે. તેઓ નિયત થયેલા સમયે જે તે સ્થળે પહોંચી જ જાય છે. તેઓ સ્વચ્છતાના પણ ખાસ આગ્રહી છે અને ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે એક સપ્તાહ સુધી સ્વચ્છતા કાર્ય ચલાવીને અનોખી રાહ ચીંધી હતી.
NCC કેડેટ્સની આત્મનિર્ભર ભારતની રેલીમાં પણ ભાગ લીધો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દાંડીથી દિલ્હી સુધીની NCC કેડેટ્સની આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર સુધીની યાત્રાના પ્રતિકરૂપે 1300 કિલોમીટરની જાવા-યેઝ્દી મોટરસાયકલ રેલીમાં ભાગ લઈ રહેલા NCC કેડેટ્સને દાંડીમાં તૈયાર થયેલું મીઠું અને બાયસેગ દ્વારા તૈયાર કરાયેલા NCC ના સોફ્ટવેરની સીડી અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ રેલી યુવાનોમાં દેશ પ્રત્યે સેવા અને સમર્પણનો ભાવ વધુ દ્રઢ કરશે. જે દેશના યુવાનોમાં દેશપ્રેમ અને એકતાની ભાવના હોય એ દેશ પ્રગતિના ઉન્નત શિખર સર કરે છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, NCC કેડેટ્સ અને NCC ની પ્રવૃત્તિઓ અન્ય યુવાનોમાં કર્તવ્ય, સેવા, સમર્પણ અને દેશભક્તિનો ભાવ વધુ દ્રઢ કરવા માટે મહત્વનું માધ્યમ છે. સામાજિક જવાબદારીઓના વિવિધ કાર્યોમાં NCC એ યુવા પેઢીને હંમેશા પ્રેરણા આપી છે. દાંડીથી નીકળેલી આ મોટરસાયકલ રેલી પણ દિલ્હી સુધીના માર્ગમાં એકતા અને અખંડતાની ભાવના વધુ મજબૂત બનાવશે એવી અભ્યર્થના વ્યક્ત કરતાં તેમને NCC કેડેટ્સને શુભકામનાઓ આપી હતી.
આચાર્ય દેવવ્રતજીને તેમના 64માં જન્મદિનની ગુજરાત ફર્સ્ટ તરફથી હાર્દીક શુભેચ્છા
ગાય આધારીત ખેતી, શિક્ષણ, ગૌ સંવર્ધન, શિસ્ત અને નિયમીતતાના આગ્રહી આચાર્ય દેવવ્રતજીને તેમના 64માં જન્મદિનની ગુજરાત ફર્સ્ટ તરફથી હાર્દીક શુભેચ્છા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article