Ahmedabad: સાબરમતીમાં માણો 'અક્ષર રિવર ક્રૂઝ' ની મજા
અમદાવાદ શહેરમાં આવેલું રિવરફ્રન્ટ આજે દેશ વિદેશમાં પ્રખ્યાત થયું છે. આ સપનું જોયું હતું વડાપ્રધાન મોદીએ, કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ સપનું સાકાર થયું અને હવે તે પછી એક નવું સપનું જોયું અક્ષર ગ્રુપ ઓફ કંપનીએ અને સપનું હતું ક્રુઝનું.
અમદાવાદ શહેરમાં હવે તમે ક્રુઝમાં બેસીને લંચ અને ડિનરની મજા માણી શકશો. સાબરમતી રિવરફ્રન્ટ પર 15 કરોડના ખર્ચે આ ક્રુઝ તૈયાર કરવામાં આવ્યું છે જે દિવસમાં 4 ટ્રીપ લગાવશે. રિવર ક્રૂઝમાં લંચના 1800 અને ડિનરના 2000 ભાવ નકકી કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જશે.
અક્ષર રિવર ક્રૂઝમાં એક સાથે 150 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વળી આ સાથે જો તમે કોઇ નાનકડો કાર્યક્રમ કરવા માંગો છો તો તે પણ આ ક્રુઝમાં કરી શકાય તેવી સુવિધા છે. રીવરફ્રન્ટમાં શરૂ કરવામાં આવેલી બે માળની આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝમાં પોતાના પરિવાર સાથે તમે બેસીને જમી શકાય છે. આ ક્રુઝમાં તમે ગુજરાત, રાજસ્થાની, ચાઈનીઝ, પંજાબી ફૂડની મજા પણ આરામથી માણી શકશો. વધુમાં જણાવીએ તો આ ક્રુઝ મેક ઈન ઈન્ડિયાના નેજા હેઠળ ભારતમાં જ બનેલું પહેલું પેસેન્જર કેટામરીન ક્રૂઝ છે.
અક્ષર રિવર ક્રૂઝમાં જો તમે લંચ લેવા માટે જાઓ છો તો તમારે બપોરના 12 કલાકથી થી 1:15 અને બીજા સ્લોટ માં 1:45 થી 2:50 સુધીના સમયે જવાનું રહેશે. વળી જો તમે ડિનર માટે જવા માંગો છો તો તેના માટે તમારે રાત્રે 7:00 થી 8:30 અને બીજા સ્લોટમાં 9:00 થી રાત્રીના 11 વાગ્યા સુધી તમે જઇ શકો છો. આ ક્રુઝમાં બેસીને જ્યારે તમે જમી રહ્યા હશો ત્યારે રિફરફ્રન્ટનો બહારનો લૂક તમારા આ ક્રુઝના અનુભવને આસમાને લઇ જશે. અહીં તમે અટલબ્રિજથી દધિચીબ્રિજ વચ્ચે દોઢ કલાકના લંચ/ડિનર એન્ટરટેઈમેન્ટ સાથે રાઈડની મજા માણી શકશો.
આ ક્રુઝની લંબાઈ 30 મીટર છે. જેની અંદર તમને ત્રણ વોશરૂમ મળી રહેશે. આ ક્રુઝમાં 150 15 ક્રુ મેમ્બર્સની કેપેસિટી છે. આ ક્રુઝ માટે તમને ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગની વ્યવસ્થા મળશે. સેન્ટ્રલ એસી. થી સજ્જ આ અક્ષર રિવર ક્રૂઝમાં બેઠા બેઠા બંને બાજુથી નદીનો નજારો માણી શકાય એ રીતે ટેબલ ગોઠવવામાં આવ્યા છે. આ ક્રૂઝમાં ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિતની સુવિધાઓ પણ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે