Ahmedabad: નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસના દરોડા
- સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા
- દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 81 લોકો ઝડપાયા
- નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી હતી મહેફિલ
- ઝડપાયેલા યુવક-યુવતીઓનો મેડિકલ ટેસ્ટ ચાલુ
- 'AV'ની 25મી એનિવર્સરીના નામે થયું હતું આયોજન
- રેઈડમાં 10થી વધુ હુક્કા, દારૂની બોટલો કબ્જે કરાઈ
Ahmedabad: અમદાવાદના સાણંદ પાસે આવેલા ગોરજ ગામની સીમમાં 'સફલ નિર્વાણા ગ્રીન્સ' ખાતે મોડી રાત્રે પોલીસે આકસ્મિક દરોડો પાડીને એક ભવ્ય પાર્ટીનો પર્દાફાશ કર્યો છે. મુંબઈના એક શખ્સ દ્વારા પોતાના સંબંધીની 25મી લગ્નતિથિની ઉજવણી કરવા માટે આયોજિત આ મહેફિલમાં વિદેશી દારૂ અને હુક્કાની ગેરકાયદેસર જ્યાફત ઉડાવવામાં આવી રહી હતી.
પોલીસે સ્થળ પરથી 38 યુવતીઓ અને 43 યુવકો સહિત કુલ 81 લોકોની અટકાયત કરી છે, જેઓ અમદાવાદ અને મુંબઈના સંપન્ન પરિવારો સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે ₹2.91 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 22 લક્ઝરી કાર, 74 મોંઘા મોબાઈલ ફોન અને મોટી માત્રામાં પ્રતિબંધિત પીણાંનો જથ્થો સામેલ છે. હાલમાં પોલીસે આયોજક સહિત તમામ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને દારૂનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.


