PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, હેલિકોપ્ટર ટેકઓફ થતાં જ કાળા ફુગ્ગા છોડાયા
આંધ્રપ્રદેશમાં વડાપ્રધાન મોદીની
સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓએ અહીં પીએમ મોદીના
હેલિકોપ્ટર પાસે કાળા ફુગ્ગા છોડ્યા હતા. જ્યારે વડાપ્રધાનનું હેલિકોપ્ટર
વિજયવાડાથી ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે આકાશમાં કાળા ફુગ્ગાઓ ઉડતા હતા.
કોંગ્રેસના કાર્યકરોએ આ ફુગ્ગા છોડ્યા હતા.જ્યાંથી વડાપ્રધાનનું હેલિકોપ્ટર
ઉપડવાનું હતું ત્યાંથી કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા. તેમના હાથમાં
કાળા ફુગ્ગા અને પ્લેકાર્ડ હતા. તેઓ પીએમ મોદી પર નિશાન સાધતા નારા પણ લગાવી રહ્યા
હતા.
વિજયવાડાના કમિશનર કાંતિ રાણાનું
કહેવું છે કે કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ પીએમના હેલિકોપ્ટરથી લગભગ બે કિલોમીટર
દૂરથી ફુગ્ગા છોડ્યા હતા. આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કેસ પણ
નોંધવામાં આવ્યો છે. એક વ્યક્તિ ફરાર હોવાનું કહેવાય છે. અલ્લુરી સીતારામ રાજુની
જન્મજયંતિ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા.
તેમણે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
કોંગ્રેસના નેતાઓએ દેશવ્યાપી
વિરોધનું આહ્વાન કર્યું છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે કલમ 30 અને કલમ 144 લાગુ કરી
હતી. વડાપ્રધાન મોદીના આગમન પહેલા જ કોંગ્રેસના ત્રણ કાર્યકર્તા સુંકરા પદ્મશ્રી,
પાર્વતી અને કિશોર એરપોર્ટ પાસે કાળા ફુગ્ગા
લઈને ફરતા જોવા મળ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વિવિધ કલમો હેઠળ ગુનો
નોંધ્યો હતો.