સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનકાર્ડ ચકાસણીમાં મોટો ખુલાસો, ઓછી આવક બતાવી લાભ લેતા લોકો પર કાર્યવાહી
- સુરેન્દ્રનગરમાં 4,500થી વધુ રેશનકાર્ડ ધારકોને નોટિસ
- આર્થિક રીતે સક્ષમ લોકોના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી
- ઓછી આવક બતાવી રેશન લાભ લેતા પર કાર્યવાહી
- NFSA હેઠળ ગેરલાયક લાભાર્થીઓ સામે કડક પગલાં
- સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનકાર્ડ ચકાસણીમાં ખુલાસો
Surendranagar : રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ NFSA રેશનકાર્ડ પર લાયકાત ધરાવતા પરિવારોને માસિક સરકારી અનાજનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. પરંતુ અમુક રેશનકાર્ડ ધારકો આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ઓછી આવક દર્શાવી રેશન કાર્ડ પર સરકારી અનાજનો જથ્થો મેળવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 4500 થી વધુ રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારતા દોડધામ મચી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રેશનકાર્ડ ચકાસણીમાં ખુલાસો
રાજ્ય સરકાર દ્વારા ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને મદદરૂપ થવાના હેતુથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ NFSA રેશનકાર્ડ પર માસિક ઘઉં અને ચોખા સહિતનો અનાજનો જથ્થો નિઃશુલ્ક આપવામાં આવી રહ્યો છે. જેનો મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રેશનકાર્ડ ધારકો લાભ લઈ રહ્યા છે. પરંતુ સરકારના વિવિધ વિભાગો અને ઓનલાઇન પોર્ટલ પરથી મળેલા ડેટા મુજબ અનેક રેશનકાર્ડ ધારકો આર્થિક રીતે સક્ષમ અને માલેતુજાર હોવા છતાં ઓછી આવક દર્શાવી NFSA રેશનકાર્ડ પર માસિક અનાજનો જથ્થો મેળવતા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અનેક જરૂરિયાતમંદ અને લાયકાત ધરાવતા પરિવારો સરકારી અનાજથી વંચિત રહેતા હાલાકી ભોગવી રહ્યા હોવાથી સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સરકાર દ્વારા આપેલ ડેટા મુજબ જે પરિવારોની વાર્ષિક આવક રૂ. 6 લાખ કરતાં વધુ અને વાર્ષિક ટર્ન ઓવર રૂ.25 લાખ કરતાં વધુ છે અને ઇન્કમટેક્સ રીટર્ન ભરતા હોય તેવા લોકોની વેરીફીકેશન પ્રક્રિયા હાથ ધરી તેના ભાગરૂપે મામલતદાર દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં ફૂલ 4584 અને શહેરી વિસ્તારમાં અંદાજે 2500 થી વધુ રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારી તેમના નામ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાંથી રદ કરવામાં આવતા દોડધામ મચી જવા પામી છે. તેમજ આગામી દિવસોમાં પણ સરકારની સૂચના મુજબ આ કાર્યવાહી શરૂ રાખવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : World Lion Day : ગુજરાતના આ વિસ્તારમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક, Video