ભાજપે 4 રાજ્યોમાં સરકાર બનાવવા માટે ચક્રો ગતિમાન કર્યાં, અમિત શાહને મળી આ જવાબદારી
વિધાનસભા ચૂંટણીમાં ચાર રાજ્યોમાં જીત
મેળવ્યા બાદ હવે ભાજપે સરકાર બનાવવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી
ચૂંટણીમાં પંજાબ સિવાય અન્ય તમામ રાજ્યો ભાજપના કબજામાં આવી ગયા છે. તેમને યુપીમાં
જોરદાર જીત મળી છે. આ સાથે જ ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ સરકાર પરત આવી છે. એ જ
રીતે ગોવામાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. હવે ભાજપે આ રાજ્યોમાં સરકારની રચના માટે નિરીક્ષકોની નિમણૂંક કરી
છે. વિધાયક દળના નેતાની પસંદગી કરવા માટે કેન્દ્રીય નેતાઓને રાજ્યોમાં મોકલવામાં
આવશે અને મંત્રીઓના નામ પર પણ ચર્ચા થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ
યુપી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રઘુવર દાસને નિરીક્ષક બનાવવામાં આવ્યા
છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મીનાક્ષી
લેખીને ઉત્તરાખંડમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એ જ રીતે મણિપુરમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા
સીતારમણ અને કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ નિરીક્ષક તરીકે જશે. નરેન્દ્ર સિંહ
તોમર અને એલ મુરુગનને ગોવામાં નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ તમામ રાજ્યોમાં ગોવા
સૌથી મહત્વનું છે કારણ કે 40 સભ્યોની વિધાનસભામાં કોઈપણ પક્ષને બહુમતી
મળી નથી. પરંતુ 20 બેઠકો સાથે ભાજપ ચોક્કસપણે સૌથી મોટો પક્ષ બની ગયો છે. ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ એકમાત્ર સૌથી મોટો પક્ષ છે પરંતુ ચાર દિવસ પછી પણ ભાજપે હજુ સુધી
સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો નથી. ચૂંટણીમાં ભાજપે 40 સભ્યોની વિધાનસભામાં સૌથી વધુ 20 બેઠકો જીતી હતી. ત્રણ અપક્ષો અને
મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) ના
બે સભ્યોએ પહેલેથી જ ભાજપને સમર્થન આપ્યું છે. ભાજપ સરળતાથી સરકાર બનાવી શકે છે.