બ્યાહ હમારી બહુ કા: અલગ ચીલો પડી રહ્યો છે
એકતા કોટડીયા-આસોદરિયા અને મિત્તલ ભીમાણી-છાભૈયા આ બે એવી સ્ત્રીઓના નામ છે જેમણે અલગ ચીલો ચાતર્યો છે. આ બંને સ્ત્રીઓની સાથોસાથ એમના સાસરિયાં, એકતાના સાસુ મીતાબેન ચંદુભાઈ કોટડીયા અને મિત્તલના સાસુ માલતીબેન અને ઈશ્વરભાઈ ભીમાણીની લાગણી આપણને સૌને વિચારતાં કરી મૂકે એવી છે. વાત એમ છે કે, એકતા અને મિત્તલ બંનેના સાસરિયાઓએ દીકરાના અવસાન બાદ પુત્રવધૂને પરણાવી છે. પુત્રવધૂના પતિને એમણે દ
Advertisement
એકતા કોટડીયા-આસોદરિયા અને મિત્તલ ભીમાણી-છાભૈયા આ બે એવી સ્ત્રીઓના નામ છે જેમણે અલગ ચીલો ચાતર્યો છે. આ બંને સ્ત્રીઓની સાથોસાથ એમના સાસરિયાં, એકતાના સાસુ મીતાબેન ચંદુભાઈ કોટડીયા અને મિત્તલના સાસુ માલતીબેન અને ઈશ્વરભાઈ ભીમાણીની લાગણી આપણને સૌને વિચારતાં કરી મૂકે એવી છે. વાત એમ છે કે, એકતા અને મિત્તલ બંનેના સાસરિયાઓએ દીકરાના અવસાન બાદ પુત્રવધૂને પરણાવી છે. પુત્રવધૂના પતિને એમણે દીકરા તરીકે દત્તક લીધો અને પુત્રવધૂના લગ્ન રંગેચંગે કર્યાં. બ્યાહ હમારી બહુ કા... આ સિરીયલનું ટાઈટલ આ બંને પરિવારો ઉપર ફીટ બેસે એમ છે.
બંને કિસ્સાઓમાં અલગ અલગ કારણોથી એકતા અને મિત્તલે જીવનસાથી ગુમાવ્યા. કુમળી વયના બાળકો પિતા વગરના થઈ ગયા. એકતાના સાસુએ તો પતિને પણ ગુમાવ્યા અને દીકરાને પણ કોરોનામાં ગુમાવ્યો. માલતીબેન અને ઈશ્વરભાઈએ ખેતીવાડીનું કામ કરતા દીકરાને ઈલેકટ્રીક શોક લાગવાથી ખોવાનો વારો આવ્યો. દીકરાના સંતાનોની નાની ઉંમર અને વહુની જિંદગી વિશે વિચારીને આ બંને પરિવારોએ પોતાની પુત્રવધૂના લગ્ન કરાવ્યા.
આ બંને કિસ્સાઓ લખવાનું કારણ એ જ છે કે, આપણે ત્યાં થોડીક જૂની રુઢીઓ બદલાઈ રહી છે. કંઈક નવી હવા તાજગી સાથે રેલાઈ રહી છે. એ તાજગીને વધુને વધુ સ્વીકારની જરુર છે. નાની ઉંમરમાં વિધવા થયેલી દીકરી માટે જીવવું અઘરું પડી જતું હોય છે. અકાળે પતિને ગુમાવવાનું દર્દ એક શૂન્યાવકાશમાં જિંદગીને ઢસડી જાય છે. બાળકો હોય તો કદાચ સ્ત્રી પોતાની જિંદગીને થોડાં સમય બાદ આગળ વધારીને જીવવા માંડે છે. સંતાનો ન હોય ત્યારે એકલતા જીવવી અને જીરવવી વધુ આકરી થઈ જાય છે.
આપણે ત્યાં નિઃસંતાન વિધુર કે સંતાનો સાથેના વિધુર પુરુષના લગ્ન બહુ સહજતાથી સ્વીકારાઈ જાય છે. એમાં કોઈને કંઈ ખોટું પણ નથી લાગતું. પરંતુ, એકલી પડી ગયેલી સ્ત્રી, પિતા વિનાના થઈ ગયેલા બાળકો માટે કોઈ સ્ત્રી જો લગ્ન કરવા ચાહે તો એને ઘડીકમાં આપણે ભાતભાતના લેબલ લગાવી દઈએ છીએ. વિધુર પુરુષનું જીવવું કે રહેવું જેટલું અઘરું છે એટલું જ આકરું વિધવા માટે પણ છે જ. પુરુષને માટે ઘર સંભાળવું, પોતાની જાતને સંભાળવી અને એ પણ પત્નીના મૃત્યુ બાદ આ બધું સંભાળવું એ વધુ અઘરું બની જાય છે. સ્ત્રી માટે પણ વિધવાના લેબલ સાથે પિયર પાછું જવું, સંતાનોની સાથે પિયરમાં ફરી પોતાનું સ્થાન બનાવવું એમાંય આર્થિક રીતે સ્વતંત્ર ન હોય ત્યારે તો સૌથી વધુ અઘરું પડતું હોય છે.
પોતાની વ્યક્તિને ગુમાવી દીધાનું દુઃખ અને પ્રશ્નોના ઢગલા સાથેનો વર્તમાન ક્યાંય ચેન નથી લેવા દેતો હોતો. અસ્તિત્વ જાણે સુન્ન થઈ ગયું હોય એવું લાગે છે. શ્વાસ જેમ ચાલતા હોય છે એમ દિવસો કપાતા હોય છે. જે જિંદગીનું કેન્દ્રબિંદુ હોય જે જિંદગી જીવવાનું કારણ હોય એ જ અચાનક ચાલી જાય ત્યારે ઘણું બધું એની સાથે વહી જતું હોય છે. આ સમયે બધાં સલાહ આપતા હોય છે તે, હિંમત રાખજે... પણ સૌથી મોટો સવાલ એ હોય છે કે હિંમત જ નથી રખાતી હોતી. જે સ્ત્રીનો સ્વભાવ ઘરરખ્ખુ છે એના માટે તો આ પરિસ્થિતિ સૌથી વધુ અઘરી હોય છે. પતિ, બાળકો અને રસોડાં સિવાય જેણે કંઈ નથી જોયું એની હાલત વધુ દયનીય બની જાય છે. સ્ત્રીએ પગભર થવું જોઈએ, પોતાની રીતે કમાવવું જોઈએ એવું આપણે વિચારીએ છીએ. પણ બધાં જ કિસ્સાઓમાં આ શક્ય નથી હોતું. સાથોસાથ કેટલાંક કિસ્સાઓમાં એકલી પડી ગયેલી સ્ત્રીની આંતરિક શક્તિ કમાણીનું કોઈ સાધન બનીને બહાર આવે છે. આ અને આવા પ્રકારના કિસ્સાઓની વાત ફરી ક્યારેક કરીશું.
મિત્તલ અને એકતા જેવા કેટલાંક કિસ્સાઓ આપણી સામે પણ બનતા હોય છે. દીકરો ચાલ્યો ગયો હોય પછી એના સંતાનો પાછળ પરિવારનું કે પેઢીનું નામ જળવાઈ રહે એ હેતુથી પણ ઘણી વખત વિધવા પુત્રવધૂને વૈધવ્યમાં જિંદગી પસાર કરવી પડે છે. આ લખવાનું કારણ પણ એ જ છે કે, પતિના અવસાન બાદ એકલી પડેલી સ્ત્રી માટે જિંદગી ગુજારવી બહુ જ આકરી અને અઘરી હોય છે. પતિના અવસાન પછી થોડો સમય એને એના પાર્ટનરની યાદોમાં પસાર કરવા દેવામાં કંઈ ખોટું નથી. પણ સ્મરણ આદત બની જાય એ ખોટું છે. કેમકે સ્મરણમાં જિંદગી નથી નીકળતી હોતી. ઘણાં કિસ્સાઓમાં પતિ-પત્ની વચ્ચે અતૂટ પ્રેમ હોય તો સ્ત્રી કદાચ જિંદગી ગાળી નાખે. પણ બાળકોની જવાબદારી અને આર્થિક જરુરિયાતો મોઢું ફાડીને ઊભી રહે ત્યારે પ્રેક્ટિકલ બનવું વધુ અગત્યનું છે. પતિના મૃત્યુ બાદ હકીકતોનો સામનો કરીને જીવવું એ વધુ ચેલેન્જિંગ હોય છે.
સમાજમાં ઈશ્વરભાઈ-માલતીબેન, મીતાબેન કોટડીયા જેવા વડીલો હોય તો એકલી પડેલી પુત્રવધૂ માટે જિંદગી થોડી સરળ બની જાય છે એ વાત તો આપણે સૌએ સ્વીકારવી પડે. સમાજમાં બદલાવ લાવવા માટે થોડાં કિસ્સાઓની જ જરુર હોય છે.
jyotiu@gmail.com


