રાજ્યમાં હવે સિંહ સલામત નથી. આવું એક ઘટના બાદ લોકોની પ્રતિક્રિયારૂપે બહાર આવી રહ્યું છે. ખાંભાના ગીર વિસ્તારમાં એક સિંહ અને સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, સિંહ અને સિંહણના મૃત્યું પાછળ ખુલ્લો કુવો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સિંહ અને સિંહણ આ વિસ્તારમાં આવેલા એક ખુલ્લા કુવામાં પડી ગયા હતા. જે બાદ તેમના દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેઓ બહાર ન આવી શકતા અંતે આ કારણોસર તેમનું મોત થયું હોવાનું સુત્ર જણાવી રહ્યા છે.
કુવામાં હવાતિયા મારતો સિંહ
તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમા એક શખ્સ કુવામાં પડેલા સિંહને જોઇને કશુંક બોલતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તમે જોઇ શકો છો કે, સિંહ કુવામાં પડેલો છે અને હવાતિયા મારી રહ્યો છે. આ બનાવને પગલે સિંહોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. શખ્સે જ્યારે કુવામાં પડેલા સિંહને જોયો ત્યારે તે સિંહ ગર્જના કરતો જોવા મળ્યો. જોકે, આ ગર્જના તે પોતાનો જીવ બચાવવા મદદ માંગતો હોય તેવી લાગી રહી છે. વીડિયોમાં શખ્સ બોલતો સંભળાય છે કે, "ભગુભાઈ ખાટલો ક્યા છે? દોડો ઝડપથી હવે ડૂબે છે. વનરાજ તું ઝડપથી દોરી લેતો આવ અને ભગુભાઈ તમે ગાડીની પાછળ બેસીને ઝડપથી ખાટલો લઈ આવો ઝડપ કરો, ડૂબે છે થાક્યો હશે. ઝડપથી દોરડું લઈને આવો.
મળી રહેલી માહિતી અનુસાર, ખાંભાના કોટડા ગામની ખેડૂતની વાડીમાં આ કુવો છે જેને ફરતે પેરાપીટ વોલ કરવામાં આવેલી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આ કારણોસર સિંહ અને સિંહણ કુવામાં પડી ગયા હતા અને અંતે તેમનું મોત થયું હતું. આ બંને સિંહ અને સિંહણ ગઈ કાલે અંદાજીત રાત્રિના 10:00 કલાકે કુવામાં પડ્યા હતા. સિંહના મોત બાદ વનવિભાગે સિંહને રેસ્ક્યું કરી કુવામાંથી બહાર કાઢ્યો હતો. મહત્વનું છે કે, કુવો અંદાજે 40 ફુટનો છે જેમા 20 ફુટ પાણીમાં આ સિંહ અને સિંહણના ડૂબી જવાથી મોત થયા છે. જોકે, આ પહેલા કુવામાં ખાબકેલા સિંહને બચાવવા ખેડૂત દ્વારા મરણિયો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, સિંહ અને સિંહણના મૃતદેહને પી.એમ. અર્થે સફારી પાર્ક ખસેડાયા છે. આ સમગ્ર ઘટના બાદ સિંહપ્રેમીઓમાં હતાશા જોવા મળી રહી છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First)- જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચોગુજરાત ફર્સ્ટપર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.