ખેડબ્રહ્મામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ, રાજ્યમાં ઠેર ઠેર વરસાદી માહોલ
રાજ્યમાં બુધવારે રાત્રે સાર્વત્રીક વરસાદ નોંધાયો છે. ઘણા સ્થળોએ બેથી પાંચ ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની પરિસ્થિતી સર્જાઇ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડતાં સર્વત્ર પાણી ભરાઇ ગયા હતા. બીજી તરફ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદામાં સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે અને શાસ્ત્રોક્ત વિધિથી આજે ડેમની પૂજા કરશે. મુખ્યમંત્રીશ્રી આજે મા નર્મદાના વધામ
02:47 AM Sep 15, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં બુધવારે રાત્રે સાર્વત્રીક વરસાદ નોંધાયો છે. ઘણા સ્થળોએ બેથી પાંચ ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની પરિસ્થિતી સર્જાઇ છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ પડતાં સર્વત્ર પાણી ભરાઇ ગયા હતા.
બીજી તરફ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદામાં સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે અને શાસ્ત્રોક્ત વિધિથી આજે ડેમની પૂજા કરશે. મુખ્યમંત્રીશ્રી આજે મા નર્મદાના વધામણા કરશે.
બુધવારે રાત્રિ દરમિયાન સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બારે મેઘ ખાંગા થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ બુધવારે રાત્રે ખેડબ્રહ્મામાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ઈડરમાં બે ઇંચ, વિજયનગરમાં બે ઇંચ અને પ્રાંતિજ તલોદમાં પણ એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.
બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમ પણ મહત્તમ સપાટી પર પહોંચ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.68 મીટરે પહોંચી છે અને મુખ્યમંત્રીશ્રી આજે નર્મદા નીરના વધામણા કરશે.
ઉપરાંત અરવલ્લી જિલ્લાના છ તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બુધવારે રાત્રે પણ જીલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. મોડાસામાં સૌથી વધુ ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ભિલોડા અને બાયડમાં ૨.૫ ઇંચ વરસાદ અને મેઘરજ અને માલપુરમાં ૧.૫ ઇંચ વરસાદ તથા ધનસુરામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાતા ગઢડા તાલુકાના કાળુભાર ડેમના બે દરવાજા 2 ફૂટ ખોલાયા હતા, જ્યારે વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક 54251 ક્યુસેક નોંધાઇ છે. અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક જળાશય છલકાવાની તૈયારીમાં છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે તથા ભાદર 1 ડેમના 18 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે.
બુધવારે રાજ્યના અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સુરત સહિતના શહેરો તથા પાલનપુર, બોટાદ અને અમરેલી અને નવસારી પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
બીજી તરફ હવમાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે કે રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ,ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી પણ કરાઇ છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.
Next Article