Vadodara માં 14 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના
Vadodara: વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 14 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનાએ શહેરમાં આક્રોશનું વાતાવરણ સર્જ્યું છે અને લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, નવા યાર્ડ વિસ્તારમાં 14 વર્ષથી સગીરા ગઈકાલે દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા ગઈ હતી ત્યારે હર્ષિત મેકવાન અને 'હેપ્પી' નામના યુવકે સગીરાને લલચાવીને એક રૂમમાં લઈ જઈને તેને ગોંધી રાખી હતી. ત્યાં બંને આરોપીઓએ ત્રણથી ચાર કલાક સુધી વારાફરતી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા કોઈક રીતે નરાધમોની ચુંગાલમાંથી છૂટીને ઘરે પહોંચી ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ મામલે સગીરાના પિતાએ તાત્કાલિક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં આરોપી હર્ષિત મેકવાનની ધરપકડ કરી લીધી છે, જ્યારે બીજા આરોપી હેપ્પી હજુ ફરાર છે અને તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે.


